ભોલું પાણીપુરીવાળો .

- કિરણબેન પુરોહિત
- મોટા છોકરાઓ ભોલુની મજાક ઉડાવતાં કહે, 'લો, બોલો! પાણીપુરીવાળો હવે ક્રિકેટ રમશે અને મોટો ક્રિકેટર બનશે!'
એક-બે છોકરાએ તો તેને ધક્કો મારીને મેદાનમાંથી કાઢી મૂક્યો.
ભોલુ અને તેનો પરિવાર અમરાપુર નામના ગામમાં રહેતા હતા. ભોલુના પપ્પાને પાણીપુરીની લારી હતી. તેઓ આખો દિવસ પાણીપુરી વેચતા, જેમાંથી થોડીઘણી આવક થતી. ભોલુનો પરિવાર ગરીબ હતો, પણ એનાં સપનાં બહુ ઊંચાં હતાં. તેને તો ક્રિકેટર બનવું હતું.
ભોલુને ક્રિકેટ રમવું બહુ ગમતું. શાળાએથી છૂટીને આવે એટલે તે તેના મિત્રોને ભેગા કરી ક્રિકેટ રમતો. તેના પપ્પા પરાણે તેને પાણીપુરીની લારીએ ઊભો રાખતા. એ પપ્પાને થોડીઘણી મદદ કરતો. 'પાણીપુરી લ્યો, મસાલાપુરી લ્યો...' એમ જોરથી બૂમો પાડીને લોકોને બોલાવતો. તેના મિત્રો તેને 'ભોલુ પાણીપુરીવાળો' કહીને ખીજવતા. ભોલુને તે જરાય ગમતું નહીં.
ભોલુના પપ્પા એક ઝાડ નીચે પાણીપુરીની લારી ઊભી રાખતા. પાણીપુરી વેચવામાં જરાય રસ ન હોય એટલે ભોલની નજર પાણીપુરી વેચતી વખતે પણ સામેના મેદાનમાં ક્રિકેટ રમતા છોકરાઓ પર જ હોય. પપ્પા તેને ખીજાતા, 'ભોલુ, પાણીપુરી વેચવામાં ધ્યાન આપ!' પણ ભોલુનું મન તો મેદાનમાં જ અટવાયેલું રહેતું.
ભોલુ આખા દિવસમાંથી થોડો સમય કાઢીને તેના મિત્રો ગટુ, દીપુ, માધવ અને ખજૂર સાથે ક્રિકેટની પ્રેક્ટિસ કરતો. એકવાર તે સામે મેદાનમાં ક્રિકેટ રમવા ગયો જ્યાં મોટા છોકરાઓ રમતા હતા. ભોલુએ બધાને કહ્યું, 'મને પણ તમારી સાથે રમાડશો? મારે ક્રિકેટર બનવું છે.'
મોટા છોકરાઓ તેની મજાક ઉડાવતાં કહે, 'લો, બોલો! પાણીપુરીવાળો હવે ક્રિકેટ રમશે અને મોટો ક્રિકેટર બનશે!' એક-બે છોકરાએ તો તેને ધક્કો મારીને મેદાનમાંથી કાઢી મૂક્યો. ભોલુ જરાય નિરાશ થયો નહીં, ઉલટાનો ક્રિકેટર બનવાનો તેનું ઝનૂન વધવા લાગ્યું. તે જ્યાં અને જ્યારે શક્ય બને ત્યાં અને ત્યારે સખત પ્રેક્ટિસ કરવા લાગ્યો.
એક દિવસ ગામમાં કોચ હરિ મહંત આવ્યા. કોચે ભોલુની મહેનત અને શ્રદ્ધા જોઈને તેને પોતાની ટીમમાં લઈ લીધો. સવારના ત્રણ વાગ્યે ઊઠીને દોડવું, શાળાએ જવું, લારી પર પપ્પા સાથે કામ કરવું અને પછી કોચ સામે ડગમગ્યા વગર ટકી રહેવું - ભોલુ એ બધું કરતો રહ્યો.
કેટલાક લોકો હજી પણ કહેતા, 'આ શું કરશે? પાણીપુરીની લારીવાળો કાંઈ ક્રિકેટર બની શકે? આ તો ખોટાં સપનાં જુએ છે.'
પણ ભોલુ ચૂપ રહેતો. તેણે મમ્મીની એક વાત હંમેશાં યાદ રાખી હતી - 'જીવનમાં જો તું મહેનત નહીં છોડે તો એક દિવસ તારો સમય જરૂર આવશે.'
વરસો પછી ભોલુએ તાલુકા, જિલ્લા અને પછી રાજ્યની ટીમ માટે રમવાનું શરૂ કર્યું. એક દિવસ ગામના છોકરાઓ ટીવી જોઈ રહ્યા હતા ત્યારે કોમેન્ટેટર બોલી રહ્યા હતા, 'આજે ભારતીય ટીમ માટે એક નવો સ્ટાર ડેબ્યુ કરી રહ્યો છે...'
આ નવોદિત ક્રિકેટર એટલે ભોલુ. ભોલુએ પોતાની પહેલી જ મેચમાં દેશ માટે શાનદાર રન બનાવ્યા. ગામના છોકરાઓ હવે તેને 'પાણીપુરીવાળો ભોલુ' નહીં, પણ 'ભારતનો સ્ટાર ભોલુ' કહીને બોલાવવા લાગ્યા.
આમ, ભોલુની ધગશ અને મહેનતને કારણે વર્ષો પછી તેનું સપનું પૂરું થયું. એક ગરીબ બાળક પણ જો મહેનત અને ધીરજ રાખે તો પોતાનાં સપનાં જરૂર પૂરાં કરી શકે છે. હ








