ભીષ્મપિતામહે મૃત્યુને મંગલ બનાવી દીધું
ભીષ્મપિતામહ મૃત્યુશૈયા (બાણશૈયા) પર પડેલા છે. ભીષ્મે વિચાર્યું છે કે ઉત્તરાયણમાં મારે મરવું છે. ભીષ્મે દ્વારકાનાથ-શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવાનું શરૃ કર્યું. શ્રીકૃષ્ણે તેમને વચન આપેલું હતું કે અંતકાળે તમને મળીશ. 'મારા નારાયણ આવે તો તેમનું દર્શન કરતાં હું પ્રાણ ત્યાગ કરીશ' એવો એમનો નિ:શ્ચર્ય છે.
વચનથી બંધાયેલા શ્રીકૃષ્ણ ભીષ્મપિતામહ પાસે આવ્યા. ભીષ્મે વિચાર્યું 'હવે મારું મરણ સુધરી જવાનું છે.
શ્રીકૃષ્ણને ભીષ્મે કહ્યું,'હે પ્રભુ ! મારે બાણશૈયા ઉપર સૂવું પડયું છે. વેદના સહેવી પડે છે. આવી સજા કેમ ?'
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું,' આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે. તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ આપે આંખથી પાપ જોયું છે તેની આ સજા છે. કોઈ પાપ કરે ને તમે જુઓ, પાપનો વિચાર કરો, તો એ પણ પાપ છે.
તમે દુર્યોધનની સભામાં બેઠા હતા. દુ:શાસન દ્રૌપદીની સાડીઓ ખેંચતો હતો. આ અન્યાય..પાપ તમે જોયું હતું. તેની આ સજા છે. તમે એ પાપને અટકાવવા કેમ કંઈ બોલ્યા નહિ ?' કેમ ખુલ્લો વિરોધ ન કર્યો ?
ભીષ્મપિતામહે શ્રીકૃષ્ણની વાતને માની લીધી ને કહ્યું,' હે નાથ ! મારાં તન- મન-બુદ્ધિ તમારા ચરણોમાં અર્પણ કરું છું. એ પ્રમાણે કહી સ્તુતિ શરૃ કરી. ભીષ્મે કરેલી આ સ્તુતિ અનુપમ છે. ભીષ્મ મહાજ્ઞાની હતા. છતાં પ્રભુપ્રેમમાં તન્મય થઈને મર્યા છે.
ભીષ્મ પિતામહ સ્તુતિ કરવા લાગ્યા,' હે નાથ ! મારાં મનબુદ્ધિ તમારા ચરણમાં અર્પણ કરું છું. હે પ્રભુ ! તમે જાણો છો કે તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું પણ, મારું મન પાંડવ પક્ષમાં હતું. હું બાણ છોડતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે પાંડવોની 'જીત' થાય. એમ બોલીને હું બાણ છોડતો.
શ્રીકૃષ્ણનું દર્શન કરતાં કહે છે,'જેમનું શરીર ત્રિભુવન સુંદર અને નીલા તમાલની જેવું નીલવર્ણુ છે. જેના ઉપર સૂર્યકિરણોની સમાન શ્રેષ્ઠ પિતાંબર ફરીફરી રહ્યું છે અને મુખ ઉપર કમળની સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે. એવા અર્જુનસખા શ્રીકૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ.
'મારા ઇન્દ્રિયોરૃપી ઘોડાહે નાથ ! હું આપને સોંપુ છું. મારાં નિષ્કામ બુદ્ધિ-મન અર્પણ કરું છું.'
'મને યુદ્ધના સમયની એમની શ્રીકૃષ્ણની વિલક્ષણ છબી યાદ આવે છે. તેઓના મુખ ઉપર લહેરાતી વાળની લટો, ઘોડાઓના પગથી ઊડતી ધૂળથી મેલી થઈ ગઈ હતી અને પસીનાનાં નાનાં નાનાં બિદુંઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે હું તેમની ચામડીને વીંધી રહ્યો હતો એવા સુંદર કવચધારી શ્રીકૃષ્ણપ્રતિ મારું શરીર- અંત :કરણ... અને આત્મ સમર્પિત થઈ જાય..'
'હૈ નાથ ! જગતમાં તમે મારી પ્રતિષ્ઠા વધારી.. મારું માન વધાર્યુ. મારી પ્રતિજ્ઞાા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞાા જતી કરી.
ભીષ્મપિતામહે કરેલી સ્તુતિ અનુપમ છે. તેને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે. સ્તુતિ કર્યા પછી ભગવતસ્વરૃપમાં લીન થયા. કૃતાર્થ થયા ને દેહ છોડયો. ઉત્તરાયણમાં મરણ એટલે જ્ઞાાનની. ભક્તિની ઉત્તરાવસ્થામાં પરિપક્વ દશામાં મરણ. એ ઉત્તરાયણમાં મરણનો અર્થ છે. આવું મરણ મંગલમય છે. દેવો પણ વાજાં વગાડીને વધાવે છે.
માનવજીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે છે. તેનું મરણ સુધરે છે. મરણ ત્યારે સુધરે જ્યારે તે સુધારવા પ્રતિક્ષણ પ્રયત્ન થાય. આખું જીવન જે ભગવત સ્મરણ કરે તેને અંતકાળે ભગવાન યાદ કરે.
જબ આયે તુમ જગતમેં, હમ હસે તુમ રોય । ઐસી કરની કર ચલો, તુમ હસે જગ રોય ।।