Get The App

મહાત્મા ગાંધી: 21મી સદીની પગદંડી અને પથદર્શક પ્રતિભા

વિવિધા - ભવેન કચ્છી .

નવી દુનિયાના નવા માનવીની જીવન પદ્ધતિ ગાંધી ચિંધ્યા માર્ગની જ હશે

Updated: Oct 1st, 2019

GS TEAM

Google News
Google News
મહાત્મા ગાંધી: 21મી સદીની પગદંડી અને પથદર્શક પ્રતિભા 1 - image

ગાંધીજીનો પ્રભાવ અને પ્રેરણા પામીને માનવજગતે સમાનતા, આત્મ સન્માન અને મુક્તિનો પમરાટ અનુભવ્યો છે

'ધ ટાઈમ' મેગેઝીને 'ચિલ્ડ્રન ઓફ ગાંધી' લેખ હેઠળ વિશ્વના ઇતિહાસની કરવટ બદલનાર  શાંતિનું નોબેલ પ્રાઈઝ મેળવનાર નેતાઓ પર લેખ લખ્યો હતો 

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે ત્યારે વિશેષ કરીને નવી દુનિયાના નવા માણસને એક પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે ગાંધીજી ૨૦મી સદીની મહાન હસ્તી હતા તે કબુલ પણ જ્યારે વિશ્વ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક યુગમાં પ્રવેશી ચુક્યું છે અને મૂડીવાદ-ઉપભોક્તાવાદની જ અર્થનીતિ પ્રવર્તે છે ત્યારે ૨૧મી સદીમાં ગાંધીજી કઈ રીતે પ્રસ્તુત રહી શકે. ગાંધીજીના નિધનને  ૭૧ વર્ષ વીતી ચુક્યા છે ત્યારે માનવ જગતે  ગાંધીજીની પ્રેરણા લઇ વિશ્વના  ઇતિહાસને સુખદ વળાંક તો આપ્યો જ છે.જેનો દોર હજુ વિશ્વમાં આગળ ધપી  શકે છે.

માર્ટીન  લ્યુથર કિંગે ૬૦ના દાયકામાં સમગ્ર અમેરિકામાં અશ્વેતો પરત્વેના ગોરાઓ દ્વારા પ્રવર્તતા હીન સ્તરના ભેદભાવ સામે જે ઐતિહાસિક જનઆંદોલન છેડયું હતું તે  ગાંધીજીની અંગ્રેજો સામેની અને તે અગાઉ તેઓ જ્યારે દક્ષીણ આફ્રિકામાં હતા ત્યારે રંગભેદની અહિંસક લડત ચલાવી હતી તેની પ્રેરણા અને પ્રભાવ હેઠળનું હતું. માત્ર અમેરિકામાં જ નહિ બ્રિટન સહિતના  યુરોપ અને દક્ષિણ આફ્રિકામાં આજે પણ અશ્વેતોને સમાન હક્કની પ્રાપ્તિ થઇ છે તેના મૂળમાં ગાંધીજી છે.

માર્ટીન લ્યુથર કિંગે કહ્યું હતું કે ઇસુ ખ્રિસ્ત પછી તેમના ઉપદેશ અને સ્વપ્નને  જો કોઈએ વિશ્વમાં પોતે ઉદાહરણ બનીને પ્રભાવ પાડયો હોય તો તે ગાંધીજી હતા. માર્ટીન લ્યુથર કિંગે અમેરિકામાં આંદોલન છેડયું તે અગાઉ ગાંધીજીના સિદ્ધાંતો , તેમની લડત અને તેમને સાંગોપાંગ ઉતારવા-આત્મસાદ કરતા અભ્યાસર્થે  ૧૯૬૦માં ભારતની મુલાકાત લીધી હતી.

જ્યારે આફ્રિકન-અમેરિકન નેતાઓ હોવર્ડ થુર્માન અને બેન્જામીન  માયસ તો તે અગાઉ ગાંધીજી જોડે વૈચારિક આપ લે કરવા રૂબરૂ ખાસ ભારતની મુલાકાતે આવી ગયા હતા. માર્ટીન લ્યુથર કિંગ આ બંને નેતાઓના ચેલા જેવા હતા. માર્ટીને ગાંધીજીની વાતો અને તેમાં રહેલી ગહનતાનો બરાબર પડઘો ઝીલ્યો અને ગોરાઓ સામે અહિંસક જંગ માંડયો હતો.

માર્ટીન લ્યુથર  કિંગને  ગાંધીજી વિષે ખાસ જાણકારી નહોતી પણ આફ્રિકન-અમેરિકન ગાંધીઅન તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવતા હતા. મોર્ડેકાઈ જોન્સન અને બેયાર્ડ રુસ્ટીને કિંગને સાહિત્ય પૂરું  પાડયું હતું. તેવી જ રીતે અમેરિકાના ચિંતક ડબ્લ્યુ . ડુ બોઈસે ગાંધીજી જોડે લાંબા અરસા સુધી પત્ર વ્યહાર કર્યો હતો જે પત્રો વાંચીને પણ કિંગે  પ્રેરણા મેળવી હતી.

કિંગે તેના અમેરિકાની સિસ્ટમને ખળભળાવી દેતા ભાષણોમાં અને મુલાકાતોમાં ગાંધીજીની પ્રેરણા જ પાયામાં છે તેનો ઉલ્લેખ અનેક વખત કર્યો હતો. એટલાન્ટામાં  માર્ટીન લ્યુથર કિંગ સેન્ટરમાં આ દસ્તાવેજો જોઈ શકાય છે.

અમેરિકામાં અશ્વેતો જેટલો જ પાશવી અન્યાય અને શોષણનો સામનો મેક્સિકન અને ફિલિપિનો શ્રમિકો  અને ખેતમજુરો કરી રહ્યા હતા . તેમના વેતન સહિતના અને વોટીંગ વગેરેના હક્કો માટે  સેઝર સાવેઝે ગાંધીજીની જેમ અહિંસક આંદોલન ચલાવી દેશભરમાં હજારોની સંખ્યામાં કુચ, દેખાવો અને અસહકારનું આંદોલન છેડયું. તેણે યુંનાઈટેડ ફાર્મ વર્કર્સ સંસ્થાની સ્થાપના કરી હતી.

અમેરિકા માંડ કિંગના અશ્વેતો માટેના આંદોલન બાદ શરમથી ઝૂક્યું હતું ત્યાં સાવેઝના આંદોલને તો અમેરિકાને જાણે ૧૯૬૫થી ૧૯૭૬ ઠપ્પ કરી દીધું. ખેત મજુરોએ દાયકા સુધી સાવેઝના નેતૃત્વ હેઠળ ભારે યાતના અને આથક સંઘર્ષ છેડીને અમેરિકાની નીતિઓ અને સરકારને પડકારી. આજે અમેરિકા અને તેના પગલે વિશ્વના દેશોમાં જે લઘુતમ આવક, સમાન નાગરિક ધારાઓ અને આત્મ સન્માન પ્રવર્તે છે તે આવા આંદોલનને અને તેમના નેતાઓને આભારી છે. સાવેઝની પ્રેરણા ગાંધીજી અને કિંગ હતા.

૧૯૨૭માં અમેરિકાના એરિઝોનામાં જન્મેલા મેક્સિકન માતા પિતાના સંતાન કે જે આગળ જતા વિશ્વના ક્રાંતિકારી  મજુર નેતા  તરીકે પૂજાય છે  તેવા સાવેઝે તેમની આત્મ કથામાં લખ્યું છે કે 'મારી ૧૨-૧૩ વર્ષની વયે મેં એક ન્યૂઝ રીલમાં પોતડી પહેરેલા નેતાને તાકતવર અંગ્રેજો સામે આઝાદીનું આંદોલન કરતા જોયા  હતા. તેમની સાથે વિરાટ જનસમુદાય હતું. મને આશ્ચર્ય એ વાતનું હતું કે તેમના હાથમાં બંદુક નહોતી. આગળ જતા ગાંધીજીને જ કેન્દ્ર સ્થાને રાખી અમે ન્યાય અને મુક્તિનું સન્માન મેળવવા  અસહકાર, ભૂખ હડતાલ, પીકેટીંગ  અને અહિંસક લડત  છેડી હતી.

સાવેઝે તેના આંદોલનકાર સાથીઓનો જુસ્સો જળવાઈ રહે તેથી 'યસ વી કેન'  નારો આપ્યો જે અમેરિકાના  ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાએ પણ અપનાવ્યો હતો. ખેલદિલ અમેરિકાએ સાવેઝ્ માટે તેમના નિધનના એક વર્ષ બાદ મરણોત્તર  શિરમોર રાષ્ટ્રીય સન્માન  પ્રેસિડેન્ટ એવોર્ડ ૧૯૯૪માં જાહેર કર્યું  હતું. સાવેઝ આજે પણ મેક્સિકનોમાં  રાષ્ટ્ર પિતા જેવો આદર પામે છે. તેમના પુતળા, તેમના નામની સંસ્થાઓ, મ્યુઝીયમો  અને સેન્ટરો છે.  ફરી વિશ્વના ઉદ્ધારકનો પરોક્ષ જશ  ગાંધીજીને જાય છે.

વધુ એક ઈતિહાસ પુરુષ મંડેલાના માનવજગત પરના ઉપકારને યાદ કરીએ.  નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે અમર થઇ ગયા તે જ તેમના પરના ગાંઘીજીના પ્રભાવનો પુરાવો છે. મંડેલાનો જન્મ થયો તે પહેલાથી કોઈ આફ્રિકીએ નહી પણ ગાંધીજીએ ત્યાં પ્રવર્તતી રંગભેદ નીતિ સામે અહિંસક લડતના બીજ ગોરાઓ સામે રોપ્યા હતા. ૧૯૧૨માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં નટાલ, ટ્રાન્સવાલ, ડર્બનમાં સ્થપાયેલ  ઇન્ડિયન કોન્ગ્રેસની સ્થાપના ખાસ રંગભેદ નીતિ  સામે લડવા કરી હતી.

તે પછી આ જ માર્ગે ગાંધીજીએ ૧૯૧૫માં ભારત આવી અંગ્રેજો સામે આઝાદીની લડત આરંભી. ગાંધીજીએ સાઉથ આફ્રિકા છોડયું તે પછી તે જ મોડેલ પ્રમાણે પીક્શલે  કા ઇસાકા અને  ડો. આલબર્ટ લુથુલીએ  ધ આફ્રીકન નેશનલ કોંગ્રેસના નેજા હેઠળ જનઆંદોલન ફેલાવી દીધું. લુથુલીને ૧૯૬૧માં શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું .તેઓ આવી સિદ્ધી મેળવનાર પ્રથમ અશ્વેત આફ્રિકન બન્યા હતા  તેમણે તેમના પ્રદાન બદલ ગાંધીજીને જશ આપ્યો હતો.

વૈશ્વિક આવો પ્રાઈઝ મળ્યો પણ ગોરાઓની જોહુકમી, પાશવી દ્રષ્ટિ અને કઠોરતામાં કોઈ ફર્ક પડવાની જગાએ અશ્વેતોની માનહાની વધતી જતી હતી. સાઉથ આફ્રિકાના ગોરાઓ અમેરિકા, બ્રિટન અને યુરોપના ગોરા સંગઠનોને પણ ગાંઠતા નહોતા. આવા માહોલમાં ગાંધીજીને જ આદર્શ માની મંડેલા નેતા તરીકે ઉભરી આવ્યા. તેમણે ૧૯૪૬માં ૭૦૦૦૦ અશ્વેત ખાણીયા મજૂરોની જંગી કૂચનું નેતૃત્વ લીધું અને ગાંધીજીને યાદ કર્યા હતા. 

જો કે  મંડેલાએ એક વિવાદાસ્પદ કોમેન્ટ લખી છે કે અહિંસક આંદોલન અને તે પ્રકારની અવિરત લડતનું શસ્ત્ર  કોઈને હાની ન પહોચે તે ગણતરીથી તેમણે નહોતું અપનાવ્યું  પણ આ પ્રકારની લડતને ધ્યેય પ્રાપ્તિમાટેની એક વ્યૂહરચના તરીકે જોતા  હતા. ગાંધીજીએ આજીવન મંડેલા જેવી કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે અહિંસક લડતને તેઓ આટલા દીર્ઘકાળના આત્મવિશ્વાસ સાથે કેમ વળગી રહ્યા હતા.

અલબત્ત મંડેલાએ એ કબુલ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ(૧૯૯૪-૧૯૯૯) બન્યા પછી તેમણે જે ગોરાઓએ તેમને ૧૯૬૨થી ૧૯૯૦ દરમ્યાન સળંગ ૨૭ વર્ષનો  જેલવાસ આપવામાં ભૂમિકા ભજવી હતી, જેઓએ દમન, અત્યાચાર કરેલો તેમને સજા નહોતી કરી. તેઓ પ્રત્યે કરુણા અને સહાનુભુતિ-ક્ષમાનું માનસ કેળવ્યું તેની પાછળ પણ ગાંધીજીના સંસ્કાર અને આદર્શોનો પ્રભાવ હતો. તેમને શાસન પણ ગાંધીજીના સિદ્ધાંતોને વરીને કર્યું હતું . તેમના આવા ગ્રેસની અસર સાઉથ આફ્રિકા સહીત વિશ્વભરના ગોરા સમુદાય  પર પડી. સાઉથ  આફ્રિકાના અશ્વેતોએ ૮૦ વર્ષની  લડત આપી હતી. ગાંધીજીના અડગ મનોબળની તેમાં પ્રેરણા હતી.

દલાઈ લામાને પણ કેમ ભૂલાય. આંતરરાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્ર સ્થાને રહેલ ચીનની તિબેટ હડપવાની મેલી મુરાદ અને તિબેટીયનો પર માનવ હક્કની જાળવણીની ઐસી તૈસી કરતી પાશવી હરકતો સામે પણ અહિંસક લડત આપીને તિબેટીયનોએ વિશ્વની સહાનુભુતિ મેળવી છે તેનું શ્રેય જાય છે દલાઈ લામાને. દલાઈ લામા ગાંધી ચિંધ્યા માર્ગે જ ચીનની ઝીંક ઝીલે છે. વિશ્વનું સમર્થન અને સહાનુભુતિ તેઓ એટલે જ પામ્યા છે.

દલાઈ લામાએ લખ્યું છે કે ૨૦ વર્ષની વયે ૧૯૫૬માં પ્રથમ વખત ગાંધીજીની સમાધી રાજઘાટ પર ધ્યાનમાં બેઠો હતો ત્યારે જે સંકલ્પો કર્યા તે જ જીવનનું તત્વજ્ઞાાન બની ગયું. મેં તે જ દિવસે વધુ મજબુત મનોબળ કેળવ્યું કે ક્યારેય હિંસા અને નકારાત્મક ભાવ નહિ કેળવું. ગમે તેવી યાતના ભોગવવી પડે પણ ધ્યેયથી વિચલિત નહીં થાઉં. ૧૯૮૯માં દલાઈ લામાને  શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે તે તેમણે ગાંધીજીને જાહેરમાં અર્પણ કર્યું હતું.

નારાયણ દેસાઈ લિખિત ગાંધીજી પરના આત્મ કથા પુસ્તક 'માય લાઈફ ઇઝ  માય  મેસેજ' પુસ્તકની પ્રસ્તાવના દલાઈ લામાએ લખીને ગાંધીજીનો જ સંપૂર્ણ પ્રભાવ તેમના જીવન અને ધ્યેયમાં છે તે સ્વીકાર્યું છે .દલાઈ લામા એમ પણ લખે છે કે માત્ર અહિંસક આંદોલનના પ્રણેતા તરીકે જ ગાંધીજીને મુલવીને માનવ સમુદાયે અટકી ન જોવું જોઈએ. ગાંધીજી વિદેશમાં અભ્યાસ બાદ  ધીકતી  કમાણી  સાથે જીવન વિતાવી શક્યા હોત પણ તેઓએ પોતડી અપનાવી  જીવન દેશને  સમપત કરી દીધું, તેમના જીવનના સિધ્ધાંતો જ વિશ્વને માટે  જીવવાની રાહ બતાવે છે.

તેવી જ રીતે મ્યાનાર (બર્મા)માં 'જુન્ટા' તરીકે ઓળખાતી લશ્કરી શાસન પાર્ટીએ લોક્શાહીનો સુરજ વર્ષો સુધી ઉગવા જ નહોતો દીધો . હાલ ૭૪ વર્ષના ઔંગ  સન સુ ચીએ  ક્ર લશ્કરી શાસન સામે અહિંસક આંદોલન છેડી ૧૯૮૮માં નેશનલ લીગ ફોર ડેમોક્રસી પક્ષનું નેતૃત્વ સંભાળ્યું . વિશ્વને બતાવવા 'જુન્ટા' પક્ષે ચુંટણી જાહેર કરી.

તેઓ પાસે જ સત્તા રહે તેથી લશ્કરે નેતાઓ અને નાગરીકો પર હિંસક દબાણ સર્જ્યું. આ સમયે સુ ચીએ લોખંડી મહિલાનો મિજાજ બતાવી વિશ્વ મીડિયા સમક્ષ 'જુન્ટા'ના કારનામાને ખુલ્લું પાડયું. નાગરીકોને લાઠી, ટીયર ગેસ જેવા અવરોધો છતાં ઉશ્કેરાયા વગર મતદાન કરવા પ્રેર્યા. નેશનલ લીગને ૮૧ ટકા મતો મળ્યા તો પણ 'જુન્ટા' લશ્કરી પક્ષે સરમુખત્યારી જારી રાખતા આ ચુંટણીને રદ ઠેરવી.એટલું જ નહિ

સુ ચીને ૧૯૮૯થી ૨૦૧૦ દરમ્યાન ૧૫ વર્ષ સુધી  ઘરમાં કેદ રાખવામાં આવ્યા. ૧૯૯૧મા તેમને નોબેલ પીસ પ્રાઈઝ જાહેર થયું જે તેના પુત્રે સમારંભમાં જઈને મેળવ્યું હતું. સુ ચીની કવર સ્ટોરી સાથે ધટાઈમધ મેગેઝીને જનક્રાંતિ પર લેખ લખ્યો જેનું શીર્ષક હતું 'ધ ચિલ્ડ્રન ઓફ ગાંધી'. સુ ચીએ પોલીટીક્સ વિષય સાથે સ્નાતક સુધીનો અભ્યાસ દિલ્હી યુનિવસિર્ટીથી ૧૯૬૪માં પૂર્ણ કર્યો. આ દરમ્યાન તેમણે ગાંધીજી પરના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. માસ્ટર તેણે ઓક્ષફર્ડમાંથી કર્યું.

આગળ જતા તેના દેશમાં લશ્કરી શાસને લોકશાહી મુલ્યોને કચડયા તે સાથે દેશને ક્ર સરમુખત્યારી બેડીમાંથી છોડાવવા તેમને ગાંધીજીની લડત અને દ્રઢ મનોબળ યાદ આવ્યું. દેશવાસીઓને થતો  અન્યાય અને દમન -શોષણ તેનાથી જીરવાતો નહતો. તેની નેતાગીરી હેઠળનું અહિંસક અંદોલન ૨૫ વર્ષથી વધુ ચાલ્યું ગાંધીજી અને ભારતના આઝાદીના આંદોલનના નેતાઓને પણ જેલવાસ ભોગવવો પડયો હતો તે યાદ કરતા તેઓ જરાપણ વિચલિત નહોતા થયા .

૧૫ વર્ષના જેલવાસ દરમ્યાન સુ ચીએ ગાંધીજી અને બુદ્ધ ધર્મનું સાહિત્ય, ધ્યાન અને પ્રાર્થના સાથે આત્મિક બળ મેળવ્યું. ૨૦૧૨મા વિશ્વના દબાણ અને સુ ચીની  મક્ક્મતા સામે લશ્કર ઝૂક્યું.

સુચીની નેતાગીરી હેઠળ મ્યાનમારમાં લોકશાહી સરકાર બની. 

સુચીએ તેના સંબોધનોમાં કહ્યું છે કે  તેમનું આંદોલન ગાંધીજીના માર્ગ પર જ  હતું પણ તેમાં ગાંધીજી જેવા નૈતિક સિધ્ધાંતો સામેલ થઇ શકે તેવી મારામાં મહાનતા નહોતી. તાકતવર અને સશસ્ત્ર સેના સામે અમે જવાબ આપી શકવાને સમર્થ હોત તો કદાચ મને નાગરિકોનો આટલો સાથ મળ્યો હોત તે કહી ન શકું પણ અહિંસક  આંદોલન વિશ્વનું ધ્યાન ખેંચવા, સહાનુભુતિ પ્રાપ્ત કરવા તો કારગત નીવડે તેમ હતું.

બહોળો જનસમુદાય લાચાર અને પીડિત છે તેમજ તેના દેખાવો પર ક્રતા આચરવામાં આવે છે તે પણ વિશ્વએ જોયું. લશ્કરી નેતાઓમાં આને કારણે વૈચારિક  મતભેદો સર્જાયા.તેમના નેતાઓમાં ફાંટ પડી. જેલવાસ અને દાયકાઓની લડતના સંદર્ભમાં ગાંધીજી ગજબની પ્રેરણા મૂત બની રહ્યા. 

એમ તો સરહદના ગાંધી તરીકે બિરુદ મેળવનાર ખાન અબ્દુલ ગફાર ખાન પણ (૧૮૯૦ -૧૯૮૮) પખ્તુન ભારત કે પાકિસ્તાન જોડે નહિ જોડાય  તેવી માંગ સાથે આઝાદીના ઠરાવ વખતે  બ્રિટન સામે અને તે પછી પાકિસ્તાને તેમનાં મુલ્કને પાકિસ્તાનમાં ભેળવ્યું તેથી પાકિસ્તાન સરકાર સામે ગાંધીજીના પ્રભાવી મિત્ર હોઈ તેમજ ભારતની આઝાદીના આંદોલનમાં પણ ગાંધીજી સાથે જ હોઈ અહિંસક આંદોલન પાકિસ્તાન સામે ચલાવ્યું. તેઓ પશ્તુન પ્રજાના પ્રાંતને સ્વતંત્ર કે અફઘાનિસ્તાન જોડે ભેળવવા માંગ કરતા રહ્યા.

તેમણે પણ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં જેલ કે તડીપારની સજા ભોગવી હતી. પેશાવરમાં તેમનું મૃત્યુ થયું પણ તેમના વસિયતમાં તેમણે પાકિસ્તાનની જગાએ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં તેમને દફન કરવામાં આવે તેમ લખેલું હોઈ પાકિસ્તાન સરકારને વિશ્વ સામે શરમથી માથું ઝુકી જાય તેમ  તેનો અમલ કરવો પડયો હતો. ગફારખાન પણ કહેતા કે ગાંધીજીની સુકલકડી કાયાના પ્રચંડ મનોબળને નજીકથી જોઇને અમે પાંગર્યા છીએ.

છેલ્લા વર્ષોમાં બ્રાઝીલ, વેનેઝુએલા, આર્જેન્ટીના, ફ્રાંસ, બ્રિટન સહીત ઘણા દેશોમાં આથક નીતિ, સરમુખત્યાર શાસન, ભ્રષ્ટાચાર  સામે  કે સત્તા પરિવર્તન માટેની અહિંસક વિરાટ રેલી, પીકેટીંગ થતા રહ્યા છે. કોઈ સામાજિક ઇસ્યુ, અન્યાય સામે  બેનરો સાથેના પ્રદર્શનો અને ઉપવાસથી વિરોધ નોંધાય છે અને પરિણામ પણ પ્રાપ્ત થાય જ છે.

આ ઉપરાંત ગાંધીજી કરકસર ,જરૂરીયાત પુરતું જ રાખો, સત્ય, ગરીબો માટે જીવન સમપત કરવું, સમાજને કૈંક પરત આપો, આહાર-વિહાર અને મન-તન દુરસ્તી, નિયમિત પ્રાર્થના, પર્યાવરણ, પ્રાયશ્ચિત, જીવદયા  અને શાકાહાર વગેરેના પ્રણેતા રહ્યા છે. ૨૧મી સદીમાં નવી દુનિયા અને વિજ્ઞાાન જીવન પદ્ધતી તરીકે  ગાંધીજીના પ્રયોગો અને સાધનાબળના તાપમાંથી  સોનાની જેમ નીખરી આવેલ સત્યનું જ પુજારી બનશે.