Get The App

લોખંડી પુરુષ - સરદાર પટેલ

Updated: Nov 23rd, 2019

GS TEAM

Google News
Google News
લોખંડી પુરુષ - સરદાર પટેલ 1 - image


સરદાર પટેલ નાનપણથી નીડર હતા, અને કોઈને પણ અન્યાય સાંખી લેતા નહિ. તેમનામાં ઊંડી દેશદાઝ હતી 

ભા રતમાતાના ખોળે અનેક મહાન સપૂતોએ જન્મ ધર્યા છે. આ મહાન નેતાઓની દેશભક્તિ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ છે. આવા એક મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની દેશભક્તિ અતૂટ, નિ:સ્વાર્થની ભાવનાથી ભરેલી અને અનમોલ હતી. સરદાર પટેલ નાનપણથી નીડર હતા, અને કોઈને પણ અન્યાય સાંખી લેતા નહિ. તેમનામાં ઊંડી દેશદાઝ હતી. તેમણે ઉચ્ચ શિક્ષણ વિલાયતમાં લીધું હતું અને બેરિસ્ટર બની ભારત પાછા ફર્યા હતાં.

કદાચ તમે નહિ જાણતા હો કે શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજીની ઠેકડી ઉડાડતા અને મજાકમાં તેમને પોતડીદાસ કહેતા. જયારે સરદાર ગાંધીજીના પરિચયમાં આવ્યા ત્યારે તેમને સમજાઈ ગયું કે દેશને આઝાદ કરવાની શક્તિ ગાંધીજીમાં છે. બસ, ત્યારથી તેઓ ગાંધીજીના ચેલા બની ગયા દેશની આઝાદી માટે જેલમાં ગયા, અને ત્યાં તેઓ 'ભગવદ્ગીતા' અને રામાયણના પાઠ વાંચતા ત્યાંથી જ તેમણે નક્કી કરી લીધું હતું કે દેશમાંથી રાવણ અને કંસ જેવા અંગ્રેજોને હરાવવા છે.

ઇ.સ.૧૯૪૭માં દેશ આઝાદ થયો, ત્યારે તેઓ દેશના નાયબ વડા પ્રધાન બન્યા તે વખતે દેશમાં ૫૬૫ દેશી રાજ્યો હતાં તેમને ભારતસંઘમાં જોડી દેવાનું કામ ખૂબ અઘરું હતું. વલ્લભભાઈએ પ્રેમ, કુશળતા, ઉદારતા અને વ્યવહારદક્ષતાથી આ કામ પૂર્ણ કર્યું.

છેલ્લા કેટલાંક વર્ષોથી આપણાં દેશની એકતા અને અખંડિતતાને નુકશાન કરનારા પરિબળો માથું ઊંચકી રહ્યાં છે. કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ વગેરે અલગતાવાદી પરિબળો દેશને તોડવાનો પ્રયત્ન કરે છે. પરિણામે દેશમાં તોફાનો ફાટી નીકળે છે. રાજકિય પક્ષો પોતાનો રોટલો શેકી લેવા લોકોને ભડકાવવાનું કામ કરે છે પરિણામે રાષ્ટ્રીય અખંડિતતા માટે ખતરો ઉભો થયો છે.

આપણો દેશ કહેવાય બિનસાંપ્રદાયિક,છતાં શાળાઓ, છાત્રાલયો, કોલેજો અને હોસ્પિટલોમાં પ્રવેશ મેળવવા કોમ- જાતિ ધર્મ સંપ્રદાયને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.

કહેવાય છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. આપણો આંતર વિખવાદ જોઈને પડોશી દેશો પણ માથું ઉંચકતા થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં ભારતના સાર્વભૌમત્વ માટે રાષ્ટ્રીય એકતાને સુદૃઢ કરવી અનિવાર્ય છે.

દેશની આવી વિષમ પરિસ્થિતિમાં સરદાર પટેલની યાદ આવે છે. દેશને જરૂર છે. આવા લોખંડી પુરુષની સરદાર જ્યંતિ નિમિત્તે નેતાઓ તેમના પૂતળાને હાર પહેરાવીને. સંતોષ માને છે પરંતુ સાચી શ્રધ્ધાજંલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે આપણે સૌ ભેગા મળીને તેમના પદ્દચિહ્ન પર પગલાં ભરીએ.

દેશની એકતા માટેના તેમના કાર્યોને જીવનમાં અને હૃદયમાં ઉતારીએ. બધા ધર્મો આપણને પ્રેમ, દયા, ક્ષમા અને કરુણા શીખવે છે. આપણે માનવધર્મ અપનાવીએ. માનવ થઈને જન્મ્યા છીએ તો માનવ થઈને રહીએ. દેશની શાંતિ, સલામતી અને પ્રગતિ માટે આપણે કોમવાદના ઝેરને ફેલાતું અટકાવવા પ્રયત્ન કરીએ.

- ભારતી પી. શાહ

Tags :