Get The App

મા ફલેષુ કદાચન .

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News
મા ફલેષુ કદાચન                                . 1 - image


કર્મના પાટા ઉપર ચાલતી ગાડીને બ્રેક ન હોય, તે તો અવિરત ચાલવી જોઈએ પછી ફળ સામેથી શુભ જ આવશે. ગીતાના ઉપદેશ પ્રમાણે ફળની ચિંતા ન કરતાં કર્મ કર્યે જઇશું તો ઇશ્વરનો સાથ તથા આશીર્વાદ પણ મળતો જ રહેશે. 

ભા રતીય સંસ્કૃતિના આધાર સમ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કર્મ અને કર્મફળની સુંદર તાત્વિક ચર્ચા કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે કર્મ કર્યે જવું, ફળની ચિંતા કરવી નહીં. સામાન્ય રીતે માનવીનો સ્વભાવ છે કે ફળની અપેક્ષાતે હંમેશા રાખે છે. માનવી જે કંઈ પણ કામ કે કર્મ કરે છે. તેનું ફળ કે પરિણામ તેને સારૂં તથા જલ્દી મળે તેવી અપેક્ષા તે રાખે છે.

પરિણામનું ફળ સારૂં કે ખરાબ બન્ને હોઈ શકે છે. સારી કે સખ્ત મહેનતનું ફળ ક્યારેક નબળું ઓ છું કે મોડું મળતું  હોય છે. કેટલીક વાર વગર મહેનતે પણ ઘણાને ફળ મળી જાય છે. પ્રારબ્ધ અને પુરૂષાર્થ કર્યા પછી ફળ માટે પ્રતિક્ષા કરવી પડતી હોય છે.

કથાકાર પૂ.મોરારિબાપુ દરેક કથાના અંતે કથાનું ફળ કોઈ પણ દેવી, દેવતા કે સંતોને અર્પણ કરતા હોય છે. આપણે કોઈ પણ કાર્ય કર્યા પછી તેનું પરિણામ ક્યારે તથા કેવું મળશે તે જાણતા હોતા નથી. પરિણામ માટે સબુરી રાખવી જરૂરી છે.

આપણે ભગવાનને પ્રસાદમાં ભોગ થાળ કે ફળ ધરાવીએ છીએ, ફળ, ખાટા તથા મીઠાં પણ હોઈ શકે છે. તેમ આપણાં કર્મનાં ફળ પણ સારાં- નરસા હોઈ શકે છે. કેટલીક વખત ન ધારેલું ફળ અચાનક મળી જતા આનંદ ઉભરાઈ જાય છે. ફળની પ્રાપ્તિનો આનંદ દરેક માટે ખુશીનો અવસર હોય છે. આપણે જે કંઈ પણ ફળ મળે તે સ્વીકારવું પડે છે.

માનવીનાં મનમાં જન્મેલી ફળની આશા ક્યારેક ઠગારી પણ નીવડે છે, આંબો વાવ્યા પછી કેટલાંય વર્ષો વીતી ગયા બાદ તેનાં ફળ ત્રીજી કે ચોથી પેઢીને મળે છે. તેમ આપણે પણ કર્મ કર્યા પછી લાંબા ગાળા સુધી ધીરજ રાખીએ પછી જે મળે તે ફળ આપણને મીઠાં લાગે છે. ફળ મેળવતાં પહેલાં વૃક્ષને ખાતર, પાણીની જરૂર પડે છે.

તેમ આપણે પણ ફળ પ્રાપ્ત થતાં પહેલાં મહેનત રૂપી ખાતર, શ્રમરૂપી પાણી થકીજ ફળ મેળવી શકીશું. આપણે આપણાં કાર્યો કે ફરજોને જવાબદારી પૂર્વક  નિભાવીશું. પછી દા દેવો તે તો શ્રી હરિના હાથમાં છે. કર્મોનાં પરિપાક રૂપે જે ફળ મળે તેમાં સંતોષ માનીએ તો આપણને ફાયદો થાય છે.

કોઈપણ કાર્યની સિદ્ધિ માટે આકરી મહેનત, ખંત કે તપ જરૂરી છે. ધ્યેયની પ્રાપ્તિની ઝંખના હોય તો ધ્યેય સિવાય બીજા કોઈ જ વિચાર મનમાં ન આવવા જોઈએ. ભારે સફળતાનાં ફળ મળે છે. સફળ થવા માટે મક્કમ ઇરાદો જરૂરી છે.

માણસ ઘણીવાર મહેનત કરે છે પરંતુ નિષ્ફળતાના ભય તેને ડરાવે છે કે નાહિંમત કરી નાખે છે. સફળ નહીં થવાય તેનો ભય તેને ફળની પ્રાપ્તિથી દૂર રાખે છે. સફળતા નસીબ જોગે મળી જતી નથી. સફળતા મેળવવા જાત હોમી દેવી પડે છે. સકારાત્મક કે હકારાત્મક વિચારોથી પણ સારાં ફળની પ્રાપ્તિ થતી હોય છે.

કર્મ માનવીને મહાન બનાવે છે. કામ કરે ઇ જીતે, તથા 'કામ કર્યું તેણે કામણ કર્યા' તેવી કહેવતો પણ જાણીતી છે. કર્મના પાટા ઉપર ચાલતી ગાડીને બ્રેક ન હોય, તે તો અવિરત ચાલવી જોઈએ પછી ફળ સામેથી શુભ જ આવશે. ગીતાના ઉપદેશ પ્રમાણે ફળની ચિંતા ન કરતાં કર્મ કર્યે જઇશું તો ઇશ્વરનો સાથ તથા આશીર્વાદ પણ મળતો જ રહેશે. કર્મની ગતિ ન્યારી છે તે સાચું કહ્યું છે. કર્મના પરિપાક રૂપે ફળ મળે છે પરંતુ ફળ દેનાર  ઇશ્વર બધું જાણે છે માટે વિશ્વાસ તથા શ્રદ્ધાના સહારે તેના ઉપર બધું છોડી દઈએ તો જીત આપણી જ છે.

- ભરત અંજારિયા

Tags :