સ્તુતિ...પ્રશંસા .
માનવ જીવનમાં સ્તુતિ કે પ્રશંસાનો ખુબ જ મહિમા છે. નીંદા તથા સ્તુતિ વિરોધાભાસી શબ્દો છે. આપણે ત્યાં નોકરિયાતોને નોકરી દરમિયાન એવોર્ડ, સર્ટીફીકેટ કે બોનસ આપવામાં આવે છે. લશ્કરમાં જવાનોને એવોર્ડ, ચક્ર કે અન્ય પદવી અપાય છે. કેટલાકનું તો મરણોપરાંત સન્માન કરવામાં આવે છે.
સ્તુતિ કે પ્રશંસા કોને ન ગમે ? કહેવાય છે ને કે ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. ગૃહિણીઓના ગૃહકાર્ય કે રસોઈ કળા માટે પ્રશંસા થતી હોય છે. માણસને નીંદા કરવી ગમે છે પણ સાંભળવી ગમતી નથી. સ્તુતિ કે પ્રશંસા સાંભળવી ગમે છે. પણ તેનાથી કોઈ ગર્વ કે અહંકાર ન આવે તે પણ જોવું જોઈએ.
આપણે ત્યાં દેવોની કે માતાજીની ઘણી સ્તુતિઓ પ્રચલિત છે. જેમકે શક્રાદિ સ્તુતિ, નારાયણી સ્તુતિ વગેરે. આ ઉપરાંત ગણપતિ, હનુમાનજી, શિવજી, નવગ્રહ, દત્તાત્રેય, સત્યનારાયણ દેવ, રામ, વિષ્ણુ, ગુરૂની પણ સ્તુતિઓ હોય છે. ભારતમાં નદીઓ અને પર્વતોની પણ સ્તુતિ થાય છે. ભારત એવો દેશ છે કે જ્યાં ગાય, નાગ, પવન, સૂર્ય આદિની પણ સ્તુતિઓ કરવામાં આવે છે. વિવિધ સ્તુતિઓમાં દેવોનાં કાર્યો, રૂપ, ગુણની પ્રશંસા કરવામાં આવતી હોય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૨ ભક્તિયોગના શ્લોક ૧૯માં કહ્યું છે.
તુલ્યનિંદા સ્તુતિમૌંની સંતુષ્ટો યેન કેન ચિત્ ।
અનિકેત: સ્થિરમતિ ભક્તિ માન્મે પ્રિયોનર:।।
અર્થાત્ શત્રુ-મિત્ર તથા માનઅપમાનમાં સમ વ્યક્તિ પ્રભુને પ્રિય છે. જે નિંદા સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે. તથા ગમે તે પ્રકારે શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે અને રહેવાનાં સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન ભક્ત મને સદા પ્રિયા છે, તેમ શ્રી કૃષ્ણે કહેલ છે. સુખ દુઃખમાં સમ રહે છે તેવો ભક્ત ભગવાનને પ્રિય છે.
આપણે ત્યાં વિવિધ સ્તુતિઓ કર્યા પછી નારાયણાયેતિ સમર્પયામિ કહીને બધું નારાયણને અર્પણ કરીને શાંતિ પાઠ બોલવામાં આવે છે. અને પ્રદક્ષિણા કરીને પુષ્પાંજલિ અર્પણ થાય છે.
કેટલાક લોકો સ્તુતિ કે નિંદામાં સમ રહે છે. તેઓ સ્તુતિ સાંભળીને કે પોતાની પ્રશંસા સાંભળીને હરખાઈ કે ફુલાઈ જતા નથી તો નિંદા તેમનું કશું બગાડી શક્તી નથી. નિંદાની તેઓ અવગણના કરે છે. બન્ને સ્થિતિમાં સ્થિત પ્રજ્ઞા અવસ્થામાં રહી શકે તેવા કોઈક વીરલા હોય છે. કોઈ પણ સ્થિતિમાં સમ કે સમતોલ રહે તે જ મહાવીર છે.
ઘણાં ઘરોમાં કે મંદિરોમાં સ્તવન અને સ્તુતિ ગાન કરવામાં આવે છે. દેવોના આશીર્વાદ મેળવવા માટે સ્તુતિઓ ગાવામાં આવે છે. સ્તુતિથી દેવો પ્રસન્ન રહે છે. અને તેમની કૃપા કે આશીર્વાદ ઉતરે છે. સ્તુતિ એ પ્રાર્થનાનું સ્વરૂપ પણ છે.
દરરોજ દેવી-દેવતાઓની સ્તુતિ કરવાથી નવી ઉર્જા મળે છે. આત્મબળ વધે છે અને સકારાત્મક ભાવો ઉત્પન્ન થાય છે. સ્તુતિથી પાપ, તાપ ટળે છે અને સંતોષની પ્રાપ્તિ થાય છે. સ્તુતિ કરવાથી આપણને કોઈકનું કે દેવી-દેવતાઓનું ઋણ ચુકવ્યાનો અહેસાસ થાય છે. કોઈના પ્રત્યે ધન્યવાદ કે આભારની લાગણી પણ પ્રશંસા કે સ્તુતિ દ્વારા વ્યક્ત થાય છે.
સ્તુતિગાન સામેની વ્યકિત કે દેવી-દેવતાઓનાં ગુણોનું કથન છે. સ્તુતિ ગમે ત્યારે કરી શકાય છે. કોઇ પણ વ્યકિત પાસે કામ કઢાવવું હોય કે આપણું ધાર્યું કરાવવું હોય ત્યારે તેની પ્રશંસા કે ખુશામત કામ લાગે છે. આપણા સંતો શંકરાચાર્ય વેદવ્યાસ, તુલસીદાસ, વલ્લભાચાર્ય ઇત્યાદિની સ્તુતિ પણ કરવામાં આવે છે.
આમ પુજા વિધિ તથા સામાજિક અને ધાર્મિક વિધિઓમાં સ્તુતિનો ફાળો મહત્વનો છે. સ્તુતિનો મહિમા ગવાયો છે. સ્તુતિની મુલ્યવાન પ્રથાને સાદર વંદન.
- ભરત અંજારિયા