Magazines

વેસ્ટમાંથી બેસ્ટ .

By GS TEAM
13 Feb 20263 mins read
વેસ્ટમાંથી બેસ્ટ                                        .

- આ પથ્થરો અને લાકડાઓનો એવો શું સદ્ઉપયોગ કરી શકીએ, કે જેનાથી આ રસ્તો સાફસુથરો રહે, અને એ પથ્થરો અને લાકડાંઓ કોઈને ઉપયોગમાં પણ આવે?

- આરતી પરમાર

પાંચ મિત્રો હતા. ખુબ જ પાક્કા ભાઈબંધો. શાળાએ જાય. ખૂબ જ મજા મસ્તી કરે. ચાલતા ચાલતા નવા નવા વિચારો મમળાવ્યા કરે.  

એમની શાળા ઘરથી થોડી દૂર હતી. વચ્ચે જંગલ જેવું આવે. અવાવરુ સૂમસામ જગ્યા. આ કારણે ત્યાં ચહલપહલ ઓછી દેખાય. રસ્તામાં વિશ્વકર્મા દાદાનું મંદિર આવતું. ત્યાં શાળાના આવવા જવાના સમયે થોડો કોલાહલ રહે. છોકરાઓ દર્શન પણ કરે. 

જંગલમાં ઠૂંઠાં થઈ ગયેલાં ઝાડ, પથ્થરોના ઢગલા વગેરે રસ્તામાં પડયા હોય. તે છોકરાઓને આવવા-જવાના રસ્તામાં અડચણરૂપ બને.

પણ છોકરાઓ કંઈ કરી શકે નહીં. ત્યારે છોકરાઓને એક વિચાર આવ્યો - આપણે આ પથ્થરો અને લાકડાઓનો એવો શું સદ્ઉપયોગ કરી શકીએ, કે જેનાથી આ રસ્તો સાફસુથરો રહે, અને એ પથ્થરો અને લાકડાંઓ કોઈને ઉપયોગમાં પણ આવે?

છોકરાઓ વિચારમાં પડી ગયા. કેવી રીતે કરીશું? એક છોકરો વિશ્વકર્મા દાદાનો ભક્ત હતો. તેને તરત જ વિચાર આવ્યો કે દાદાના હાથમાં સાધનો છે. તેવાં સાધનો દ્વારા સાફસફાઈ થઈ શકે. પછી તો જાણે કે દાદાની કૃપા વરસી ગઈ.

છોકરાઓએ રજાના દિવસોમાં બધાં લાકડાં અને પથ્થરો સારી એવી જગ્યાએ ભેગા કર્યા. જેમ જેમ સમય મળે ત્યારે આ કામમાં લાગી જાય.

ધીમે ધીમે તેમણે સારા એવાં લાકડાં, પથ્થરો જમા કરી લીધાં. આવવા-જવા માટે જંગલમાં સરસ સડક બની ગઈ. છોકરાઓની આ મહેનત જોઈને ગામના માણસો પણ એમને મદદ કરવા આવ્યા. તેથી છોકરાઓને વધારે પ્રોત્સાહન મળ્યું.

ગામમાં એક નાનો એવો શિલ્પકાર રહે. છોકરાઓ તેની પાસે પહોંચ્યા. શિલ્પકારની મદદ માગી. શિલ્પકાર પાસે કંઈ બીજું કામ નહોતું. એણે છોકરાઓને મદદ કરવાની હા કહી. છોકરાઓ કહે. 'તમે જો એકઠા થયેલા પથ્થરોને ઉપયોગમાં લઈ લેશો તો રસ્તો વધારે સાફસુથરો થશે અને તમે બનાવેલી વસ્તુઓ લોકેને પણ લાગશે.'

આ વાત જાણીને શિલ્પકાર ખુશ થયા.એ પણ છોકરાઓની સાથે આનંદમાં આવી ગયા.       

એકઠા થયેલા પથ્થરોમાંથી સારા સારા પથ્થર અલગ કરીને શિલ્પકાર તેમાંથી સુંદર મૂતઓ બનાવવા લાગ્યા. છોકરાઓને પણ તેઓ શિલ્પકલા શીખવાડવા લાગ્યા!

છોકરાઓ ખૂબ જ ઉત્સાહથી શીખવા લાગ્યા. શિલ્પકાર મૂત બનાવવા માટેનાં સાધનો જેવા કે છીણી, હથોડી, ટાંકણા જેવાં સાધનોની સમજૂતી અને ઉપયોગ જણાવતા જાય, અને છોકરાઓને રસપૂર્વક સાંભળતા જાય.  એમને તો જ્ઞાાન સાથે ગમ્મત મળવા લાગી. 

સમય જતા વેસ્ટ પથ્થરોમાંથી સારી સારી મૂતઓ બનીને તૈયાર થઈ ગઈ. જે વૃક્ષ તૂટી પડયાં હતાં તેના થડના લાકડામાંથી પણ ખૂબ બધાં લાકડાનાં વાસણ, મૂત, રમકડાં વગેરે જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અને ઓજારો બનાવવામાં આવ્યા. 

છોકરાઓના આનંદ અને ઉત્સાહનો પાર ન હતો.  

હવે પછીનો તબક્કો હતો આ બધી વસ્તુઓ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાનો. તેનો વેપાર પણ થઈ શકે.  શિલ્પકારે તરત સંમતિ આપી દીધી. પરમિશન મળતાં જ છોકરાઓ રમકડાં, મૂર્તિઓ અને જુદી જુદી ચીજો શહેરમાં લાવ્યા. એક હિસ્સો ગરીબ લોકોને આપવા માટે અલગ તારવ્યો. બાકીની વસ્તુઓ તેવી વેચવા માગતા હતા. શહેરના લોકોને આ બધી ચીજવસ્તુઓમાં ખૂબ રસ પડયો. તેઓ ઉત્સાહભાવ ઊંચા ભાવે આ વસ્તુઓ ખરીદવા લાગ્યા. છોકરાઓને પાનો ચડી ગયો. એમને થયું કે ભણવાની સાથે સાથે આ સારું કામ પણ કરવા જેવું છે.  

જંગલમાં ધીમે ધીમે માણસોની અવર જવર વધવા લાગી. જંગલ હવે પહેલાં જેવું ઉજ્જડ નહોતું લાગતું. 

ગામલોકો પણ નકામાં લાકડાં અને પથ્થરો એકઠા કરીને શિલ્પકાર અને છોકરાઓને મદદ કરતા રહ્યા. કેટલાય યુવાનોએ શિલ્પકલા શીખી. તેઓ જાતે જુદી જુદી આકર્ષક ચીજવસ્તુઓ બનાવવા લાગ્યા. આ વસ્તુઓના શહેરમાં સારા પૈસા ઊપજતા. આ રીતે ગામના સાવ બેરોજગાર માણસોને પણ કમાણી થવા લાગી. 

આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ. આને કહેવાય શૂન્યમાંથી સર્જન... અને આને કહેવાય ક્રિયેટિવિટી અને કળા!