સૌંદર્ય સમસ્યા - સુરેખા
હું મુલતાની માટી, ગુલાબજળ, લવિંગ,લીમડાની પેસ્ટ, અને કપૂર નું મિશ્રણ લગાડું છું પરંતુ મારી ત્વચા ચમકીલી થતી નથી.મારી ત્વચા ચમકીલી કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
હું ૨૪ વરસની યુવતી છું. લાંબા સમયથી હોઠના ઉપરના ભાગ પર થ્રેડિંગ કરાવવાથી તે ભાગની ત્વચા કાળી પડી ગઇ છે જે મારા ગોરા વાન પર ચંદ્રમાં કાળા ડાઘ જેવી દીસે છે. મારી સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
- એક યુવતી (ગુજરાત)
* તમારી ત્વચા વધુ પડતી સંવેદલશીલ હોય તેવું જણાય છે.તેથી તમારે ત્વચાની કાળજી પ્રત્યે વધુ ધ્યાન આપવું.
ગુલાબજળને આઇસ ટ્રેમાં મુકી તેના બરફની ક્યુબ થ્રેડિંગ કરાવ્યા બાદ તરત જ ઘસવી. આ ઉપરાંત એક ચમચી બદામનો ભુક્કો લઇ તેમાં દૂધ ભેળવી પેસ્ટ બનાવી તે સ્થાને રગડવું. પ્રથમ દૂધથી અને પછી પાણીથી તે ભાગ લૂછવો. થોડા દિવસ નિયમિત કરવાથી અવશ્ય ફાયદો જણાશે.
હું ૨૦ વરસની યુવતી છું. મારી ત્વચા સામાન્ય છે. મારા ચહેરાનો ટી-ઝોન તૈલીય છે. હું ચંદન સાબુનો ઉપયોગ કરું છું. ઘણા લોકો એ મને એવી સલાહ આપી કે ચંદન સાબુથી લાંબા ગાળે ત્વચાને હાનિ પહોંચે છે. મારે આ સાબુનો ઉપયોગ ચાલુ રાખવો કે પછી બીજો ઉપાય અજમાવવો.યોગ્ય સલાહ આપશો.
- એક યુવતી (મુંબઇ)
* ચંદન સાબુથી કોઈ હાનિ ન થતી હોય તો તેનો ઉપયોગ ચાલુ રાખશો.
ગુલાબજળ તથા કપૂરના મિશ્રણથી ત્વચા વારંવાર લૂછવી જેથી ત્વચામાનુ વધારાનું તેલ શોષાઈ જશે. ૧૦૦ મિલિ. ગુલાબજળમાં અડધી ચમચી કપૂર ભેળવી શીશીમાં ભરી દઈ રેફ્રરિજેટરમાં મુકી રાખવું. આ એક ઉત્તમ એન્ટિસેપ્ટિક ટોનિક છે. દિવસમાં બે થી ત્રણ વાર લગાડવાથી અવશ્ય ફાયદો થશે.
હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળ પાતળા છે તેને જાડા કરવાનો કોઈ ઉપાય હોય તો જણાવશો
- એક યુવતી (અમદાવાદ)
* પાતળા વાળ વંશપરંપરાગત પણ હોઈ શકે છે. માથાની ત્વચામાં કોઈ તકલીફ ન હોય તો ચિંતા કરવી નહીં. પાતળા વાળને જાડા કરવા અશક્ય છે પરંતુ અહીં જણાવેલ ઉપચાર કરવાથી થોડો ફાયદો થશે.
વિટામિન ઇ નો ઉપયોગ કરો. સાથે સમતોલ આહાર લેશો. જેમાં પ્રોટીનની ભરપુર માત્રા વધારે હોય.
યોગાસનથી પણ ફાયદો થશે. એવા આસનોની પસંદગી કરવી જેનાથી થાઇરોઇડ ગ્લેન્ડ ઉત્તેજીત થાય અને રક્તસંચાર વઘે.
વાળમાં માલિશ કરવું. વાળને બ્લિચ કરવાથી પણ વાળ ઘટ્ટ દેખાશે.સાથે પ્રોટીન શેમ્પુ અને કંડિશનરનો ઉપયોગ કરવો.એકાંતરે વાળ ઘોવા. સ્વચ્છ ધોયેલા વાળ ફૂલેલા દેખાશે.
હું ૨૦ વરસની યુવતી છું. ચાર મહિના પૂર્વે મારા લગ્ન થયા છે. હું મુલતાની માટી, ગુલાબજળ, લવિંગ,લીમડાની પેસ્ટ, અને કપૂર નું મિશ્રણ લગાડું છું પરંતુ મારી ત્વચા ચમકીલી થતી નથી.મારી ત્વચા ચમકીલી કરવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
- એક યુવતી (ભરૂચ)
* તમને જેણે પણ આ પેસ્ટ લગાડવાની સલાહ આપી છે તે તદ્દન ખોટ્ટી છે. આ ઉબટન લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે એ ફક્ત તમારો ભ્રમ છે. તમે તમારી ત્વચાનો પ્રકાર પણ જણાવ્યો નથી. આ ફેસપેક તૈલીય ત્વચા તથા ચહેરા પર જેને ખીલ થતા હોય તેના માટે ફાયદાકારક નીવડે છે. તમારી ત્વચાના પ્રકાર જાણ્યા સિવાય હું તમને કોઈ સલાહ આપી શકું નહીં.