સૌંદર્ય સમસ્યા - સુરેખા મહેતા
મારા ચહેરા પર ખીલ થાય છે તેમજ તેના ડાઘા પણ રહી જાય છે. મેં વિવિધ દવાઓ કરી પરંતુ કોઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
હું ૨૨ વરસની યુવતી છું. મારે એ જાણવું છે કે બજારમાં ઘણા શેંમ્પૂ વીથ કંડિશનર મળે છે. તો ઉપયોગ કરવો યોગ્ય છે કે અલગ-અલગ તે જણાવશો.
- એક યુવતી (મણીનગર)
સામાન્ય રીતે શેમ્પૂ વીથ કંડિશનરના ઉપયોગથી ખાસ કોઇ નુકસાન થતું નથી. પરંતુ બન્નેનો અલગ-અલગ રીતેનો ઉપયોગ કરવો વધારે સારું છે. તેનું મુખ્ય કારણ એ છે કે શેમ્પૂનો ઉપયોગ સામાન્ય રીતે વાળના પ્રકાર પર આધારિત છે.
જેમ કે, રૂક્ષ વાળવાળાએ તેના માટેની ખાસ બનાવટનું શેમ્પૂ વાપરવું જોઇએ. તેજ રીતે સામાન્ય અને તૈલીય વાળવાળાએ તે માટેની બનાવટનું શેમ્પૂ વાપરવું યોગ્ય છે. ડ્રાય વાળ માટે નરિશિંગ શેન્પૂ મળે છે જે વાળનું યોગ્ય રીતે કંડિશનિંગ પણ કરે છે. વાળમાં ખોડો હોય તો તેના માટે પણ ખાસ શેમ્પૂ મળે છે.
શેમ્પૂ કર્યા બાદ કંડિશનરથી વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે તેમજ વાળને પોષણ મળે છે. તેથી શક્ય હોય તો શેમ્પૂ અને કંડિશનિંગ મિક્સ હોય તે શેમ્પૂનો ઉપયોગ કરવો શક્ય હોય ત્યાં સુધી ટાળવો.
હું ૧૯ વરસની યુવતી છું. મને હોઠની કાળજીની ટિપ્સ આપશો.
- એક યુવતી (મુંબઇ)
એક ટીસ્પૂન સ્ટ્રોબેરી જ્યૂસ અને બે ટી સ્પૂન વેસલીન ભેળવી રાખવું. લિપ બાલ્મ તૈયાર થશે.
હોઠ પરની કાળાશ દૂર કરવા લીંબુનો રસ લગાડવો.
હોઠ પર ગુલાબની પાંખડીઓ રગડવાથી હોઠ ગુલાબી થાય છે.
હોઠ પર કોથમીરનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે.
હોઠ પરની રૂક્ષતા દૂર કરવા રોજ રાતના સુતી વખતે નાભિમાં દેશી ઘી લગાડવું.
હું ૨૫ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે મારે પિગમેન્ટેશનથી બચવા શું કરવું જોઇએ તે જણાવશો.
-એક યુવતી (સુરત)
પિગમેન્ટેશનથી બચવા માટે બે મોટા ચમચા કાચું દૂધ, એક મોટો ચમચો દહીં, એક નાનો ચમચો મધ, એક ઇંડાની જરદી. એક મોટો ચમચો પપૈયાનો પલ્પ અને એક મોટો ચમચો જવનો લોટ લઇ સઘળી સામગ્રી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું વીસ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.ત્યાર બાદ મોઇશ્ચરાઇઝર લગાડવું.
હું ૨૭ વરસની યુવતી છું અને શોર્ટ ડ્રેસ પહેરું છું. પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પગની નસ દેખાય છે. શું એને મેકઅપ દ્વારા છુપાવી શકાય કે નહીં તે જણાવશો.
- એક યુવતી (નાસિક)
પગની નસ છૂપાવવા હેવી ડયુટી કન્સિલર ઉપયોગમાં લઈ શકાય. ઘટ્ટ કંસિલરથી સ્પાઇડર વેન્સ એટલે કે પગ પર ઉપસતી નસ છુપાડી શકાય છે. કંસિલર વોટર રેઝિસ્ટંટવાળું હોવું જોઇએ જેથી પરસેવાની અસર તેના પર થાય નહીં.
મારી વય ૧૬ વર્ષની છે. અને હું કોલેજમાં ભણું છું. મારા ચહેરા પર ખીલ થાય છે તેમજ તેના ડાઘા પણ રહી જાય છે. મેં વિવિધ દવાઓ કરી પરંતુ કોઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
- એક વિદ્યાર્થીની (ગુજરાત)
આ વયે ખીલ થવા એ સામાન્ય બાબત છે. હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થવાથી ખીલ થાય છે. તમે રોજિંદા આહારમાંથી તૈલીય, મસાલાયુક્ત વાનગી, મિઠાઇ, કેક તેમજ ચોકલેટનું પ્રમાણ નહીંવત કરી નાખશો. આ બધા ખાદ્યપદાર્થો ખીલને આમંત્રણ આપે છે.
મુલતાની માટીમાં ચંદન તેમજ ગુલાબજળ ભેળવી લગાડશો સુકાઇ જાય બાદ ધોઇ નાખશો. તમે ખીલને સ્પર્શ કરશો નહીં ખીલને હાથેથી અડવાથી કે ફોડવાથી ત્વચા પર તેના ડાઘ રહી જવાની શક્યતા રહે છે.ચણાના લોટમાં મલાઇ તેમજ હળદર નાખી લગાડશો તો ફાયદો થશે.કબજિયાત ન રહે તેનું ધ્યાન રાખશો.ખીલ પરના ડાઘ સરળતાથી જશે નહીં તમારે ધીરજ રાખવીપડશે.