સૌંદર્ય સમસ્યા - સુરેખા મહેતા
મારી ત્વચા તૈલી છે અને ચહેરા પર ખૂબ ખીલ થાય છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવશો?
પ્રશ્ન: મારી ઉંમર ૧૭ વર્ષની છે. મારા ચહેરા પર નાના નાના સફેદ દાણા છે. તેથી મને બહુ ચિંતા થાય છે. મારી ઊંચાઈ ખૂબ ઓછી છે. બજારમાં ઊંચાઈ વધારવા માટે 'લોંગ લુક' નામની કેપ્સ્યુલ મળે છે તો શું હું એનું સેવન કરી શકું?
ઉત્તર: તમારા ચહેરા પરના નાના નાના દાણા ત્વચાની સફાઈ પર ખાસ ધ્યાન ન આપવાથી થઈ શકે અથવા તો એ ખીલની શરૂઆત પણ હોઈ શકે. તેથી ત્વચાને નિયમિત રીતે મેડિકેટેડ સાબુથી સાફ કરોે. અઠવાડિયે એક વાર ફેસપેક લગાવો તેમ છતાં દાણા રહી જાય તો સ્કિન સ્પેશિયલિસ્ટનો સંપર્ક કરો કારણ કે આવું એલર્જીના કારણે પણ થઈ શકે છે.
તમારી ઊંચાઈ આપમેળે વધી શકે છે તેથી ઊંચાઈ વધારવાની કોઈ પણ કેપ્સ્યુલનું સેવન ન કરવું. જોકે ઊંચાઈ વધારવા માટે કેટલીક કસરત કરી શકાય. ઉપરાંત તમે ઊંચી એડીવાળા ચંપલ કે સેન્ડલ પણ પહેરી શકો છો.
પ્રશ્ન: મારી ઉંમર ૧૪ વર્ષની છે. થોડા સમય પહેલાં હું જીન્સ પહેરતી હતી. પરંતુ હવે કમર વધી ગઈ છે તેથી જીન્સ પહેરી શકતી નથી. મારે કમર પાતળી કરવા માટે શું ખાવું અને કેવી કસરત કરવી જોઈએ એ વિશે જણાવો. પહેલાં હું બાસ્કેટબોલ તથા બેડમિન્ટન રમતી હતી, પરંતુ હવે ભણતરને લીધે રમવાનું છૂટી ગયું છે. શું સ્વિમિંગથી કોઈ ફાયદો થશે?
ઉત્તર: ખાનપાનમાં વઘુ પડતાં તૈલી ખાદ્યપદાર્થનું સેવન કરવાથી તમારી કમર વધી ગઈ છે. સમતુલિત માત્રામાં ભોજન કરો. જમ્યા પછી ચાલવાનું રાખો. જીન્સ પહેરવાનો સવાલ છે તો તમે હજુ પણ પહેરી શકો છો. પરંતુ લૂસ ફિટિંગવાળા જીન્સને બદલે ટાઈટ ફિટિંગવાળા જીન્સ પહેરો સાથે લૂસ ટોપ કે ટીશર્ટ પહેરો. આનાથી તમારી કમર વધેલી દેખાશે નહીં. સવારસાંજ ચાલવા જાવ. બાસ્કેટબોલ અને બેડમિન્ટન રમવાનું ચાલું રાખો. સ્વિમિંગ અને સાઈકલ ચલાવવી તમારા માટે લાભદાયી છે.
પ્રશ્ન: મારી ઉંમર ૧૭ વર્ષની છે. મારા હેર બોબકટ છે. જ્યારે પણ હું કટિંગ કરાવું છું ત્યારે વાળ સીધા રહેવાને બદલે ઊંભા થઈ જાય છે જે ખરાબ દેખાય છે. વાળ સેટ કરવા માટેનો કોઈ ઉપાય જણાવો.
ઉત્તર: તમે હેરકટ બહુ શોર્ટ ન કરાવો. કટિંગ કરાવ્યા પછી દર ૧૫ દિવસે વાળમાં હિના કન્ડિશનિંગ કરવાનું રાખો જેનાથી વાળ મુલાયમ અને સીધા રહેશે. હેર સેટ કરવા માટે તમે હેર સ્પ્રે તથા હેર જેલનો ઉપયોગ પણ કરી શકો છો.
પ્રશ્ન: હું ૧૮ વર્ષની વિદ્યાર્થિની છું. મારી ત્વચા તૈલી છે અને ચહેરા પર ખૂબ ખીલ થાય છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવશો?
ઉત્તર: તૈલી ત્વચાને સરખી રીતે સાફ ન રાખવાને કારણે ખીલ થયા છે. તેથી દરરોજ મેડિકેટેડ સાબુથી ત્વચા દિવસમાં બે વખત સાફ કરવી જોઈએ. ચહેરો ધોયા પછી ખીલ પર કોઈ એન્ટિસેપ્ટિક ક્રીમ જરૂર લગાવવું જોઈએ તથા તૈલી મેકઅપનો ઉપયોગ ન કરવો.
મસાલેદાર તથા તળેલી વસ્તુ ઓછી ખાવી. દિવસમાં ઓછામાં ઓછું ૯ થી ૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું. ફળ, ફણગાવેલા કઠોળ તથા પાનવાળાં લીલાં શાકભાજી વધુ ખાવા.
ખીલ વધતા અટકાવવા માટે અઠવાડિયામાં બે-ત્રણ વખત કોઈ ફેસપેક જરૂર લગાવવો જોઈએ. ખીલ ક્યારેય ફોડવા નહીં તેનાથી ચહેરા પર ડાઘ પડી જશે. ચહેરો સ્વચ્છ ટુવાલથી જ સાફ કરવો.