સૌંદર્ય સુધારે પાણી અને મોઈશ્ચરાઈઝર
જીવનનો આધારસ્તંભ 'પાણી' શરીરની સુંદરતા વધારવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. ત્વચાને ચમકદાર અને મુલાયમ રાખવામાં પાણી અગત્યની ભૂમિકા ભજવે છે.આપણી ત્વચા ત્રણ પડની બનેલી હોય છે, જેમાં વચ્ચેનું પડ પ્રાકૃતિક જળસંચયનું કાર્ય કરે છે. આ પડમાં ૭૦ ટકા પાણી અને શરીરના ૧૬ ટકા તરલ પદાર્થો હોય છે. આપણા શરીરમાં જ્યારે પાણીનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે ત્વચા શિથિલ તેમજ નિસ્તેજ થઈ જાય છે. આવું ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આખા દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવામાં આવે, તો ત્વચા સ્વસ્થ અને મુલાયમ રહે છે.
વધારે વખત સુધી પાણીમાં પગ પલાળી રાખવાથી અથવા વધુ લાંબા સમય સુધી સ્નાન કરવાથી ત્વચા સંકોચાઈ જાય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે ત્વચા સુકાઈ જવાથી આવું બને છે. પરંતુ હકીકત તો એ છે કે વધુ પ્રમાણમાં પાણી શોષી લેતી હોવાથી ત્વચા ફૂલી જાય છે, તો કોઈક જગ્યાએ સંકોચાઈ જાય છે. સ્નાન કર્યા બાદ જો મોઈશ્ચરાઈઝર લગાવવામાં આવે તો ત્વચા મૂળ સ્થિતિમાં આવી જાય છે.
મોઈશ્ચરાઈઝર શું છે?: મોઈશ્ચરાઈઝર બે પ્રકારનું હોય છે. તેમાં તેલ અને પાણીનું ઓછેવત્તે અંશે મિશ્રણ કરેલું હોય છે.
તેલમાં પાણી : એક મોઈશ્ચરાઈઝર એવું હોય છે, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેલ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. 'ઓઈલ ઓફ ઓલે' આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર છે.
આ પ્રકારના મોઈશ્ચરાઈઝરમાં વધુ પ્રમાણમાં પાણી અને બહુ ઓછા પ્રમાણમાં તેલ હોય છે.
તેલથી ત્વચાને પોષણ મળે છે, જ્યારે પાણીથી ભેજ ઉત્પન્ન થાય છે અને ત્વચાનું બાહ્ય પડ મુલાયમ બને છે.
એ જ રીતે ગ્લિસરીન એક એવું રસાયણ છે, જેનાથી ભીનાશ અનુભવાય છે. આ જ કારણસર એનો મોઈશ્ચરાઈઝરમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણી ત્વચા ભીનાશયુક્ત હોય એ જરૂરી છે. શિયાળામાં ત્વચા શુષ્ક ન થાય તે માટે વધુ ચીકાશયુક્ત મોઈશ્ચરાઈઝર ઉપયોગી નીવડે છે.
આજે જાહેર સમારંભો, પ્રદર્શનો કે મુસાફરીમાં આપણે મિનરલ વોટરથી તરસ છિપાવતાં હોઈએ છીએ, પરંતુ તેમાં નાઈટ્રેટનું પ્રમાણ ન હોય અથવા બહુ જ ઓછું હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
-સુરેખા