Magazines

સુંદર મન:સ્થિતિનું સર્જન આપણા હાથમાં છે...

By GS TEAM
29 Apr 20263 mins read
સુંદર મન:સ્થિતિનું સર્જન આપણા હાથમાં છે...

- પ્રેરણાની પરબ - આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

એકવાર પત્નીએ પતિને આંગળીનો ઇશારો કરીને પોતાની પાસે બોલાવ્યો. કોઈક જરૂરી કાર્ય હશે એમ વિચારીને પતિ દોડતો પત્ની પાસે પહોંચ્યો અને બોલ્યો : 'બોલ, શું કામ હતું ?' અને પત્નીએ બેફિકરાઈથી કહ્યું : 'કામ તો કાંઈ નથી. આ તો આંગળીમાં કેટલી તાકાત છે ! એ હું ચેક કરતી હતી.' ક્યારેક કો'ક વિશિષ્ટ-મહાન ઉપલબ્ધિ મેળવી હોય ત્યારે અંદર અહંકારાદિ પ્રગટે એ હજી સંભવ છે. પરંતુ ક્યારેક કારણ વિના પણ વ્યક્તિમાં આ રીતે અભિમાનાદિ દોષો જોવા મળતા હોય છે. આ દોષો બાહ્યસ્તરે તો વ્યક્તિને નુકસાન કરે જ છે. પરંતુ અભ્યંતર સ્તરે પણ સંસારવૃદ્ધિ વગેરે દ્વારા જીવને અનલ્પ નુકસાન કરે છે. એટલે જ તો શાસ્ત્રમાં સચોટ માર્ગદર્શન આપતા લખાયું છે કે 'કષાયમુક્તિ: કિલ મુક્તિરેવ.' મતલબ કે કષાયોથી-ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષાદિ તમામ દોષોથી મુક્તિ, એ જ ખરેખર સાચી મુક્તિ છે.

જીવનમાં શુભ પ્રવૃત્તિઓમાં સફળતા હાંસલ કરાવે તેવા ત્રિસૂત્રી ચિંતનનો ગતલેખથી પ્રારંભ કર્યો હતો. જેમાંનું બીજું સૂત્ર છે 'જીતવું છે...' આજ પર્યંત સ્પર્ધામાં-બિઝનેસમાં-વ્યવહારમાં-અભ્યાસમાં વગેરે અનેક ક્ષેત્રોમાં આપણે જીત હાંસલ કરી. પરંતુ આપણો ખરો વિજય એ નથી. કષાયો-દોષો ઉપર વિજય મેળવવો એ જ આપણી સાચી જીત છે. આ પરિપ્રેક્ષ્યમાં જ્યારે 'જીતવું છે' સૂત્ર આત્મસાત્ થાય ત્યારે કેવા અદ્ભુત સમત્વની પ્રાપ્તિ થાય છે તેની કરવી છે પ્રતીતિ ? તો વાંચો આ નાનકડી સત્ય ઘટના :

નામ હતું એમનું ગોવર્ધન ત્રિપાઠી. વ્યવસાયે તેઓ વકીલ હતા. રોજ કોર્ટમાંથી ઘરે આવ્યા બાદ પોતાના રૂમમાં તેઓ મોડે સુધી કોર્ટકેસના અગત્યના કાગળો તૈયાર કરીને રૂમના એક ખાનામાં રાખી દેતા. એક દિવસની વાત. તેઓ કોર્ટમાંથી પરત આવ્યા અને ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેમની સાત-આઠ વર્ષની દીકરી હસતી હસતી દોડીને તેમના પાસે આવી અને બોલી : 'પપ્પા ! આ જુઓ આજે મેં મારી મહેનતથી આ પતંગ બનાવી છે. કેવી સુંદર છે, નહિ ?' નાનકડી દીકરીએ આપેલી પતંગ ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાના હાથમાં લીધી. પતંગ ઉપર નજર કરતાં જ તેઓ ક્ષણભર ધ્રુજી ઉઠયા. કારણ કે પોતાના કોર્ટકેસના મહત્વના કાગળમાંથી આ પતંગનું સર્જન થયું હતું. કોઈપણ વ્યક્તિ મગજ ગુમાવે તેવી આ ઘટના હતી. પરંતુ ગોવર્ધનરામ ત્રિપાઠી શાંત રહ્યા. એ જ સમયે દીકરીનો ઘંટડી જેવો સ્વર ફરી રણક્યો : 'પપ્પા ! કહોને કેવી લાગી મારી પતંગ ?' જવાબમાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ દીકરીના મસ્તકે વાત્સલ્યથી હાથ પ્રસારીને કહ્યું : 'બેટા ! પતંગ તો બહુ સરસ છે. પણ એમાં તેં જે કાગળો વાપર્યા છે એ પપ્પાના કોર્ટના જરૂરી કાગળો હતા. તેથી હવે પતંગ બનાવે ત્યારે પપ્પાના રૂમમાંથી કાગળો તારે લેવાના નહિ.' પોતાની પ્રશંસાથી ખુશ થયેલી દીકરીએ પપ્પાના સૂચનને સહર્ષ સ્વીકારી લીધું. યાદ રહે, વિપરીત અને અણધારી ઘટના દરેકનાં જીવનમાં બને છે. પરંતુ તેમાં આપણે સમતાશીલ રહીએ છીએ તો આપણો વિજય છે અને ક્રોધાદિ કરીએ છીએ તો આપણો પરાજય છે. આજ પર્યંત આ રીતે આપણે ઘણું હાર્યા. પણ આવો, હવે નક્કી કરીએ 'જીતવું જ છે.' અને તે માટે યાદ રાખીએ કે 'સુંદર પરિસ્થિતિ સર્જવી આપણા હાથણાં નથી, પણ સુંદર મન:સ્થિતિ સર્જવી આપણા હાથમાં છે...'