Magazines

ભરવરસાદે ભીંજાવાની મોજ માણવામાં સાવચેતી રાખો

By GS TEAM
4 Aug 20253 mins read
ભરવરસાદે ભીંજાવાની મોજ માણવામાં સાવચેતી રાખો

ચોમાસું બેસતાં જ માનવી ગેલમાં આવી જાય. વર્ષા ઋતુ એટલે મોજ મસ્તી અને રોમાંસ કરવાની સિઝન. બાળકોને પાણીમાં ભીંજાવાની અને છબછબિયા કરવાની મઝા આવે તો યુવાનો માટે પ્રેમમાં રોમાંચિત થવાના દિવસો. પણ વરસાદના આ થનગનતા વાયરા એકલા નથી આવતાં. તેઓ તેમની સાથે શરદી, ઉધરસ, તાવ, અતિસાર, મરડો અને બીજાં પાણીજન્ય રોગોની ફોજને પણ લેતાં આવે છે. વરસાદમાં પલળવાની મોજ ચોક્કસ માણો પણ સાવધાનીપૂર્વક. નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો ચોમાસામાં થતાં રોગો તમારાથી હાથવેંત છેટાં જ રહેશે.

પાણીજન્ય રોગોથી બચવા પીવાના પાણીમાં થોડી સેંકડો માટે ફટકડી નાખીને બહાર કાઢી લો. આનાથી તમે અતિસાર અને મરડાથી બચી શકશો. આમ છતાં જો તમને આ રોગ લાગુ પડી ગયાં હોય તો અડધા કપ નવશેકા પાણીમાં એક ચપટી હિંગ નાખીને પાણી પીઓ. હિંગવાળું પાણી ન ભાવે તો દસેક પાંદડા તુલસી ચાવી લો. અથવા એક ટી.સ્પૂન તુલસીના રસને મધ, ગોળ કે પછી સાકર સાથે મિક્સ કરીને પીઓ. આના સિવાય મેથીના દાણાને સેકીને અથવા પીસીને દહીમાં નાખીને લઈ શકાય.   અપચો અથવા ગેસ થતો હોય તો દિવસમાં બે વખત એક ટી.સ્પૂન આદુના રસમાં મધ, ગોળ અથવા સાકર મેળવીને પીઓ. શરદી અને ઉધરસને ભગાડવા માટે કાચી હળદરનો પા ઈંચ ટુકડો ખાઈ જાઓ અથવા એક ટી.સ્પૂન પીસેલી હળદરને નવશેકા પાણીમાં મધ, ગોળ અથવા સાકર સાથે મેળવીને દિવસમાં બે વખત પીઓ.

ત્વચા રોગથી બચવા લીમડાના પાણીથી સ્નાન કરો. આને માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઉકાળેલું  પાણી નાહવાના પાણીમાં મિક્સ કરી લો. આ પાણી તમારા માટે એન્ટિસેપ્ટિકની ગરજ સારશે. ચોમાસામાં શક્ય એટલું દૂધ, ફળોનો રસ અને પાંદડાવાળા શાક ખાવાનું ઓછું રાખો. કારણ કે આ બધી ખાદ્ય સામગ્રીમાં રહેલા બેક્ટેરિયા ચોમાસા દરમ્યાન ઝડપથી વૃધ્ધિ પામે છે. આ ઉપરાંત આયુર્વેદિક પંચકમ પ્રક્રિયાનો પ્રયોગ કરો. આ પ્રક્રિયાથી શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો ઝડપથી બહાર ફેંકાઈ જાય છે.

આ તો થઈ કુદરતી છોડવાંઓ અને કંદમૂળ જેવી વસ્તુઓથી સ્વસ્થ રહેવાની પધ્ધતિ. આના સિવાય પણ એવી કેટલીક વૈકલ્પિક પધ્ધતિઓ છે જેનાથી તમે ચોમાસામાં તમારા શરીરને બીમારીથી બચાવી કો છો.  જેમ કે સફેદ રંગના સ્ફટિકને પીવાના પાણીના વાસણમાં મૂકી રાખો. આ સ્ફટિકથી પાણીમાં રહેલી અશુદ્ધતા નાશ પામે છે. સ્ફટિકથી શુધ્ધ થયેલું પાણી પીઓ અને આ પાણી વડે જ રસોઈ પણ બનાવો. આના સિવાય તમે સફેદ ટપકાં ધરાવતાં લીલી શેવાળ જેવા રંગના સ્ફટિકનું પેંડંટ પણ પહેરી શકો છો. આમાંથી પેદા થતી પોઝિટિવ શક્તિ તમારા શરીરમાં રહેલી ૭૨,૦૦૦ વાહિનીઓને તંદુરસ્તત રાખવામાં મદદ કરશે.

ચોમાસાની ઋતુમાં હવામાનમાં અચાનક જ પલટો આવી જાય છે. સુકી હવામાં ભરપૂર ભેજ ભરાઈ  જાય છે જે  આપણા શરીરને સીધી અસર કરે છે.આ અસરથી બચવા કુદરતે આપણી સામે સુંદર જ નહીં ઔષધ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય એવાં ફૂલોનો ખજાનો મૂકી દીધો છે. બસ આપણે આ ફૂલોની સ્વાસ્થ્યપ્રદ કામગીરીથી અજાણ છીએ. શું તમે જાણો છો કે ગુલાબી રંગના કમળ બદલાયેલા મોસમના  મિજાજની માઠી અસરથી આપણી રક્ષા કરી શકે છે? તેવી જ રીતે જાંબુડી રંગના જળ કમળ અને એવા જ રંગના મોર્નીંગ ગ્લોરી નામના ફૂલો શરદી, ઉધરસમાં રાહત આપે છે. તેવી જ રીતે સૂરજમુખીના ફૂલ ચોમાસામાં આવતા ડિપ્રેશન (એક પ્રકારની ઉદાસીનતા કે સુસ્તી)માંથી છૂટકારો આપી શકે છે. આ સિઝનમાં મોટાભાગે સાંધા અક્કડ થઈ જાય છે જેને લીધે સાંધાનો દુખાવો વધી જાય છે. સફેદ રંગના ડ્રમસ્ટિક (ઢોલની દાંડી જેવાં) ફૂલોથી આ દર્દમાં ઘણી રાહત મળે છે. જ્યારે સફેદ રંગના કમળથી અતિસારમાં ઘણી રાહત મળે છે.

ઈશ્વરે આપણા શરીરમાં એવા ઘણાં પોઈન્ટ મુક્યા છે જે દબાવવાથી શરીરના ચોક્કસ ભાગમાં થતાં દુ:ખાવામાં રાહત મળે છે. આ સારવાર એક્યુપ્રેશર પધ્ધતિના નામે પ્રચલિત છે. જો આ પોઈંટને કોરા  હાથે  દબાવવાને બદલે વરસાદની સિઝન દરમ્યાન નિલગીરીના તેલ વડે ખાસ પ્રકારે સારવાર આપવામાં આવે તો શરદી, ખાંસી, ફ્લુ અને સાઈનસમાં ચમત્કારિક રાહત મળે છે. તો હવે તૈયાર થઈ જાવ. ચોમાસામાં ભીંજાવાની મોજ માણવા માટે  પણ પૂરી સાવચેતીથી.

- હિમાની