Magazines

આત્મીયતા એટલી જ રાખો, જેટલી તમે વેદના સહન કરી શકો

By GS TEAM
25 Mar 20262 mins read
આત્મીયતા એટલી જ રાખો, જેટલી તમે વેદના સહન કરી શકો

- આપણે ઘણી વાર ભૂલ એ કરીએ છીએ કે પોતાની ક્ષમતા કરતાં વધારે નજીક જઈ બેસીએ છીએ. પછી જ્યારે સામે પક્ષ બદલાય, મૌન થાય કે દૂર થાય ત્યારે દુ:ખ એટલું ભારે લાગે કે આપણે પોતાને જ પ્રશ્ન કરીએ

આ પંક્તિ બહુ શાંતિથી એક કડવું સત્ય કહી જાય છે. 'આત્મીયતા એટલી જ રાખો જેટલી તમે વેદના સહન કરી શકો.' એનો અર્થ આત્મીયતા ટાળવો નથી. એનો અર્થ છે પોતાની સહનશક્તિ ઓળખવી. આત્મીયતા જેટલી ઊંડી, તેટલી અપેક્ષા ઊભી થાય અને અપેક્ષા જ્યાં છે, ત્યાં ભંગની શક્યતા પણ છે. આપણે ઘણી વાર ભૂલ એ કરીએ છીએ કે પોતાની ક્ષમતા કરતાં વધારે નજીક જઈ બેસીએ છીએ. પછી જ્યારે સામે પક્ષ બદલાય, મૌન થાય, કે દૂર થાય ત્યારે દુ:ખ એટલું ભારે લાગે કે આપણે પોતાને જ પ્રશ્ન કરીએ.

અહીં એક વિરોધાભાસ છે. આત્મીયતા વગર જીવન સૂનું છે. પણ અણધારી આત્મીયતા જીવનને ઘાયલ પણ કરી શકે છે.

દરેક માણસ દરેક પ્રકારની નજીકતા માટે બનેલો નથી. કેટલાક લોકો ઊંડા લાગણીના પાણીમાં તરવા જાણે છે, તો કેટલાક માત્ર કિનારે ઊભા રહીને જ સુખી રહે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે કિનારે ઊભેલો માણસ પોતાને દરિયામાં ફેંકી દે. વિચારવાની વાત એ છે કે, શું સામેનો માણસ તમારી આત્મીયતાની જવાબદારી ઉઠાવી શકે છે ? અને જો નહીં, તો શું તમે એની નિષ્ઠુરતા સહન કરી શકો ?

અહીં સ્વાર્થની વાત નથી, સ્વસંરક્ષણની વાત છે. આત્મીયતા સમજદારીથી વહેંચો. બધાને બધું આપવાની જરૂર નથી. ક્યારેક થોડું અંતર સંબંધ બચાવે છે, અને ક્યારેક અતિ નજીકતા આપણી અંદરની શાંતિ ખાઈ જાય છે. એટલે આ પંક્તિ કોઈ નિરાશાવાદ નથી, એ તો જીવનની લાગણીસભર ગણિત છે.

- મુકેશ ટી. ચંદારાણા