બાંધણી: રંગોના આકર્ષક સમન્વય અને મનોરમ્ય ડિઝાઈન ધરાવતી સાડી
સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રતિક સમી બાંધણી પ્રત્યેક નારીને મન અનેરું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં વિવિધ પ્રાંતોની સાડીમાં બાંધણીનું એક આગવું સ્થાન છે અને બાંધણીની ડિઝાઈનને ખૂબ જ શુકનિયાળ અને શુભ માનવામાં આવે છે એટલે તો નવવધુ સપ્તપદીના ફેરા ફરતી વખતે બાંધણી પહેરે તેવોે આગ્રહ રાખવામાં આવે છે.
બાંધણીની ડિઝાઈનથી સાડી રંગીન બની જાય છે અને તેથી જ તે પ્રત્યેક સ્ત્રીનું મન મોહી લે છે. ગુજરાતી અને મારવાડી પરિવારોમાં સૌૈભાગ્યવતી સ્ત્રીઓ બાંધણી પહેરે છે અને તહેવારો તથા લગ્નપ્રસંગે ખાસ ડિઝાઈનવાળી બાંધણીના ઘરચોળા પહેરવામાં આવે છે. નવરાત્રિમાં પણ ચણિયાચોળી અને અન્ય બાંધણી ડિઝાઈનના પરિધાનો જ પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. લાલ-લીલી બાંધણી પહેરીને ગરબે ઘુમતી ગુજરાતની નારીની ગરવાઈ જ અનોખી જ તરી આવે છે. એટલે તો હવે શહેરની યુવતીઓ પણ ગામડાની ગોરી જેવા ખુલ્લી પીઠના કસવાળા ચણિયાચોળી પહેરીને દાંડિયારાસ રમે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને રાજસ્થાનમાં બાંધણી બનાવવાનું ભાતીગળ કામકાજ ચાલે છે અહીંના ગામડાંઓમાં વસતી પ્રજાના હાથમાં બાંધણી બાંધવાની અનોખી કલા છે. રાજસ્થાન સ્થાપત્ય કલા, સંગીત, નૃત્ય તથા શૌર્ય માટે પ્રખ્યાત છે. તે જ રીતે અહીંના કારીગરોએ બાંધણીની ઉત્કૃષ્ટ ડિઝાઈનો બનાવીને આ વિસ્તારને રંગીન કરી દીધો છે. બાંધણીને આપણે 'ચુંદડી' તરીકે પણ ઓળખીએ છીએ. આપણા શાસ્ત્રોમાં પણ અંબા, દુર્ગા, બુટભવાની, શાકંભરી, રાંદલ વગેરે માતાજી ઉપર ચુંદડી ઓઢાડવાનું અનોખું મહાત્મ્ય છે.
બાંધણી ડિઝાઈનની સાડી, શાલ, સાફા, લુંગી, ચાદર, સલવાર-કુર્તા, શર્ટ વગેરે પરિધાન બને છે. અને આજે ફેશન ડિઝાઈનરોએ બાંધણી ડિઝાઈનના પાશ્ચાત્ય પરિધાન બનાવીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બનાવી દીધી છે.
મોટે ભાગે બાંધણીનું કામ સુતરાઉ અને ઊનના કપડા ઉપર જ કરવામાં આવે છે તે ઉપરાંત સિલ્ક ઉપર કરવામાં આવેલી બાંધણીની ડિઝાઈન ખૂબ જ સુંદર લાગે છે. સુતરાઉ કપડા ઉપર બાંધણી કરવાનું કામ જેસલમેર, બાડમેર, જોધપુર, નાગૌર, પાલી તથા બીકાનેર જીલ્લામાં થાય છે. ઊનની ઉપર બાંધણી કરવાનું કામ જેસલમેરમાં શરૂ થયું જે પછી ધીમે ધીમે બાડમેર અને બીકાનેર સુધી વિસ્તરી ગયું. અહીંની પ્રાચીન સંસ્કૃતિ તથા ઐતિહાસિક વિગતો પરથી જાણવા મળે છે કે આ કલા ખૂબ જ જુની છે અને રાજા-મહારાજાઓના સમયથી વંશપરંપરાગત રીતે ચાલી રહી છે. આ કલાએ સમયના ઘણા ચઢાવ-ઉતાર જોયા છે, થોેડા વર્ષો પહેલાં તો કૃત્રિમ ડિઝાઈન અને પાશ્ચાત્ય કપડાનું એટલું ઘેલું લાગ્યું હતું કે આ કામકાજ ઠપ્પ થવાની અણી પર હતું પણ ત્રણ દાયકા પૂર્વે આશાના કિરણ સ્વરૂપે ખાદી ગ્રામોદ્યોગ પરિષદ જેસલમેરની સ્થાપના થઈ અને આ પરિષદે બાંધણીને ફરીથી લોકપ્રિય કરવા કમર કસી તથા આ કલા ઉપર જીવન ગુજારનાર પ્રજાના જીવનમાં પણ હેવ આશાનો સંચાર થયો છે.
રાજસ્થાનના પશ્ચિમી સીમાડે આવેલો જેસલમેર ખૂબ જ મોટો જીલ્લો છે. જેમાં થાર રણનો ઘણો ભાગ આવે છે. અહીં પાણીના અભાવને કારણે માઈલો સુધી કયાંય જીવ-જંતુ પણ નિવાસ કરતા નથી. આ નિર્જન ક્ષેત્રમાં ક્યારેક ઊંટ અથવા બકરી દેખાય છે. અહીંના લોકો ઘેટા-બકરા ઉછેરીને જીવન ગુજારે છે. અહીંની વસતિ ખૂબ જ ઓછી છે અને અહીંના લોકો જ ઊન ઉપર બાંધણીની ડિઝાઈનર કરીને તેને મનોહર બનાવે છે.
ખાદી ગ્રામોદ્યોગ પરિષદ, આ લોકો પાસેથી ઊન ખરીદીને તેને જેસલરમેરની ગ્રામ્યપ્રજાને દોરા બનાવવા આપે છે. તેમની પાસેથી દોરા લઈને વણકરોને આપવામાં આવે છે. વણકરો તેને વણીને શાલ અથવા પટ્ટુ (લાંબી-ચાદર) બનાવે છે અને તેને ખાદી ભંડારમાં જમા કરાવે છે. ત્યારબાદ તેના ઉપર 'બેક ગ્રાઉન્ડ કલર' કરવામાં આવે છે અને પ્રોસેસ કરીને બાંધણીની ડિઝાઈન માટે તૈયાર કરવામાં આવે છે.
બાંધણી બાંધવાનું કામ મોટે ભાગે સ્ત્રીઓ અને નાના બાળકો તથા છોકરીઓ કરે છે. આ ખૂબ જ કપરી પ્રક્રિયા છે જેમાં જેસલમેરની ખત્રી અને છીપા જાતિના લોકો નિપુણ છે. તેઓનોે આ વારસાગત વ્યવસાય છે.
બાંધણીમાં મુખ્યત્વે પાંચ રંગોેનો ઉપયોગ કરવામાં આવે છે અને રંગાઈ તથા બાંધકામની જુદી જુદી રીતથી જ અલગ અલગ ડિઝાઈનનો જન્મ થાય છે 'આરાધના', 'સુબહ કા તારા', 'ઈન્દ્રધનુષ', 'સંગમ', 'નાની બીંદી' અને 'પત્તીદાર' જેવા વિવિધ ડિઝાઈનોના નામ છે.
શાલમાં બાંધણીની ડિઝાઈન કરવા પહેલા 'માર્કિંગ' કરવું પડે છે. જેમાં શાલને નીચે પાથરીને વચ્ચેના એક મીટરના ભાગમાં દુધિયામાં પલાળેલી સુતળીથી નિશાની કરવામાં આવે છે. ત્યારબાદ ડિઝાઈન પ્રમાણે નિશાન કરવામાં આવે છે. જેને અહીં 'મંતાઈ' અથવા 'કોરની' કહે છે. આ લાઈન ઉપર ડિઝાઈન પ્રમાણે બાંધવાનું કામ શરૂ થાય છે તે માટે પહેલા ૧ ૧/૨ ઈંચની પ્લાસ્ટીક અથવા લાકડીની પાઈપ જેવી 'ઘંુંડી' નો ઉપયોગ કરવામાં આવે છે જેને 'મુગલી' કહે છે. દોરા આ મુંગલીની વચ્ચેથી પસાર કરવામાં આવે છે અને પછી ડિઝાઈન અનુસાર સ્ત્રીઓ શાલ ઉપર બાંધે છે. આ રીતે સ્ત્રીઓ એક દિવસમાં એક અથવા બે શાલ તૈયાર કરે છે. અને ડિઝાઈન પ્રમાણે તેમને પૈસા આપવામાં આવે છે. સ્કુલમાં ભણતી છોકરીઓ પણ માતાને આ કામમાં સંપૂર્ણ મદદ કરે છે.
એક સર્વેક્ષણ અનુસાર જેસલમેરની આસપાસના લગભગ સાડા ત્રણસોથી ચારસો એવા કુટુંબો છે જેઓ બાંધણીનું કામકાજ મોટી ઉંમરની સ્ત્રીઓ ખૂબ જ એકાગ્રતાથી કરે છે. શાલ ઉપર બાંધણી બંધાઈ જતા તેને ફરી ખાદીગ્રામોદ્યોગમાં જ આપી દેવાની હોય છે. જ્યાં રંગારાઓ ડિઝાઈન પ્રમાણે રંગ કરે છે. કેટલાક રંગારાઓ આ કામ ઘરે બેઠા કરે છે તો કેટલાક ખાદીગ્રામોદ્યોગમાં આવે છે.
રંગારા મહમ્મદ યુસુફે કહ્યું હતું કે બાંધેલી શાલ અથવા અન્ય કપડાને રંગવા પહેલા તેના ઉપર પ્લાસ્ટિકનું કવર સુતળીથી બાંધવામાં આવે છે. પછી તેને ખોલતા જઈને ડિઝાઈન પ્રમાણે રંગ કરવામાં આવે છે. રંગ સૂકાઈ જતા વળી પાછી તેની બાંધણી ખોલવા આપવામાં આવે છે. જોકે બાંધણી ખોલવા માટે ૫૦ પૈસાથી એક રૂપિયો મજૂરી આપવામાં આવે છે.
બાંધણી ખુલી ગયા બાદ તેને ધોઈને પ્રેસ કરીને વેચાણ માટે દુકાનમાં મોકલવામાં આવે છે. બાંધણી તો દેશી અને વિદેશી પર્યટકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અને તેને આપવા લેવા માટે પણ ખરીદે છે. ખાસ કરીને લોકોેને ભેટ આપવા માટે ખરીદવામાં આવે છે. સ્ત્રીઓની શાલ ૮૨ થી ૨૦૦ રૂપિયા સુધી તથા પુરુષોની શાલ ૨૦૦ થી ૩૫૦ રૂપિયાની મળે છે.
ગુજરાત અને કચ્છમાં સુતરાઉ અને સિલ્ક કપડા ઉપર બાંધણી બાંધવામાં આવે છે જ્યારે ઊનની બાંધણી ફક્ત જેસલમેરમાં જ થાય છે. અને અહીંથી ભારતના વિવિધ પ્રાંતોેની માંગ પૂરી કરવામાં આવે છે. આ હસ્તકલાથી ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન થાય છે એટલે તેને વિદેશોેમાં મોકલી શકાતી નથી પણ પર્યટકો દ્વારા ભારતની બાંધણી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. જોકે હવે બીકાનેર અને જોધપુરમાં પણ આ કામની શરૂઆત થઈ ગઈ છે. પણ વર્ષોથી આ કામમાં નિપુણતા મેળવી ચૂકેલા જેસલમેરના કારીગરોની તુલનાએ તેમનું કામ બીજી શ્રેણીમાં આવે છે.
ખાદી ગ્રામોદ્યોગ વિકેન્દ્રીકરણ યોજના હેઠળ ૧૯૬૯-૭૦ થી પોખરણ, સાંકડા જેવા અનેક સ્થાને તેની શાખાઓ ખુલી રહી છે અને કામકાજ વધી રહ્યું છે. એક વર્ષમાં લગભગ દોઢ કરોડ જેટલો વેપાર થાય છે અને બધી જ સંસ્થા હેઠળ ૫૦ થી ૬૦ ગામડા આવે છે. અને અહીંથી જ ગામવાળાઓને કાચો માલ આપવામાં આવે છે.
મધ્યમવર્ગની સ્ત્રીઓ મજૂરી કરવા નથી જતી અને મહિને લગભગ બસોથી પાંચસો રૂપિયા કમાય છે. ઓગસ્ટથી માર્ચનો સમય અહીંની વેપારની ઋતુ કહેવામાં આવે છે. તે દરમિયાન તેમને ઘણી સગવડો પણ આપવામાં આવે છે તથા તેમની મજૂરી પણ વધારે આપવામાં આવે છે.
ફેશન ડિઝાઈનરોએ બાંધણીની ભાતીગળ ડિઝાઈનના કપડામાંથી વેસ્ટર્ન ડ્રેસ બનાવવાનું શરૂ કરીને પૂર્વ-પશ્ચિમનું ફ્યુઝન સર્જી દીધું છે. પહેલા બાંધણીની ડિઝાઈન ફક્ત સ્ત્રીઓ જ પહેરતી હતી પણ હવે તો ડિઝાઈનરોને કારણે પુરુષો પણ બાંધણી ડિઝાઈનના શર્ટ પહેરવા લાગ્યા છે.
બાંધણી પ્રિન્ટમાં આભલા, બાદલા તથા ઝરદોશી ભરત કરવાથી તેનો અનુપમ ઉઠાવ આવે છે. મોટે ભાગે બાંધણીની ડિઝાઈન ઘેરા રંગની જ હોય છે પણ ફેશન રસિયાઓએ તેમાં પણ હળવા રંગનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.
ભારતીય કલા, સંસ્કૃતિ અને સ્ત્રીનું સૌભાગ્ય ગણાતી બાંધણીએ ભારતીય નારીની ગરિમાને ચાર ચાંદ લગાવ્યા છે!