હોંશિયાર હેત .
શેઠને કામથી બે-ચાર દિવસ બહારગામ જવાનું થયું. તેથી તેઓ ભાણાને જરૂરી સલાહ સૂચનો આપી દુકાન સંભાળવાનું કહી બહારગામ ગયા. શેઠ બહારગામથી પાછા આવીને હેત સાથે દુકાને આવ્યા, હિસાબ ચકાસ્યા બાદ ખબર પડી કે હેતે ગ્રાહકને ઉધાર કપડાં આપ્યાં હતાં
વાલમ નામે એક મોટું ગામ. ગામમાં તૈયાર (રેડીમેઈડ) કપડાંની પ્રખ્યાત દુકાન... દુકાનદાર વહાલચંદ શેઠ ખૂબ પ્રામાણિક અને વ્યવહારુ. તેમજ તમામ પ્રકારનાં તૈયાર કપડાં, સાથે સાથે વળતર (ડિસ્કાઉન્ટ) અને ક્યારેક ક્યારેક મોટા સેલનો પણ લાભ ખરો જ! પરિણામે દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી. રજાના દિવસોમાં ક્યારેક વહાલચંદ શેઠનો ભાણો હેત નાનાને મદદ કરવા દુકાને જતો. નાનાની ગ્રાહકોને આકર્ષવાની અને કપડાં વેચવાની કળાથી હેત ખુશ થતો અને દુકાન સંભાળવાની પ્રેરણા પણ મેળવતો.
હેત ભણી-ગણીને મોટો થયો અને નાનાની ગેરહાજરીમાં દુકાનનો કારોબાર સંભાળતો જેનાથી વહાલચંદ શેઠ ખુશ હતા. શેઠને એ વાતનો આનંદ થતો કે તેઓની ગેરહાજરીમાં હેત સારી કમાણી કરશે. એવામાં શેઠને કામથી બે-ચાર દિવસ બહારગામ જવાનું થયું. તેથી તેઓ ભાણાને જરૂરી સલાહ સૂચનો આપી દુકાન સંભાળવાનું કહી બહારગામ ગયા. શેઠ બહારગામથી પાછા આવીને હેત સાથે દુકાને આવ્યા, હિસાબ ચકાસ્યા બાદ ખબર પડી કે હેતે ગ્રાહકને ઉધાર કપડાં આપ્યાં હતાં.
શેઠે હેતને પુછ્યું કે, ''તેં જેને ઉધાર કપડાં આપ્યાં છે તેને તું ઓળખે છે ખરો?'' હેતે કહ્યું, ''ના, પણ તેઓ એક સજ્જન લાગતા હતા તેથી મેં એમને ઉધાર કપડાં આપ્યાં.'' વહાલચંદ શેઠે કહ્યું, ''હેત, વગર ઓળખાણે કોઈને પણ વેચાણ ન કરાય.'' ત્યારે હેતે જણાવ્યું કે, ''નાનાજી તમારી વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો.
ઉધાર કપડાં લઈ જનાર ગ્રાહક કાલે જ પૈસા આપવા આવશે કેમ કે એમને મેં ૪૨''ના માપ સામે ૩૮''ના માપના કપડાં આપ્યાં છે એટલે કે માપ પ્રમાણેના કપડાં લેવા માટે દુકાને આવવું જ પડશે! અને આવશે ત્યારે બાકીના પૈસા પણ આપણને આપી જશે. ભાણાની વાત સાંભળી વહાલચંદ શેઠ બોલી ઊઠયા, ''નાનાજી શેર તો ભાણાજી શવા શેર.''
- બકુલચંદ્ર પરમાર