'જબાન સંભાલ કે' પતિ-પત્નીના સંબંધોને ઠોકરે ચડાવે વાદવિવાદ વખતે બોલાયેલા નઠારા શબ્દો

આપણે આપણા વડિલોના મુખેથી ઘણીવાર સાંભળ્યું હશે કે તમારી જબાન તમને ઘોડે પણ ચડાવે અને ગધેડે પણ બેસાડે. તેથી લુલીને વશમાં રાખવી. કારણ કે થૂંકેલું ક્યારેય ચટાતું નથી. ભાથામાંથી નીકળેલું તીર અને મોઢેથી નીકળેલા શબ્દોને પાછા નથી વાળી શકાતા. અને શબ્દો જે ઘા કરે તે ઝટ રૂઝાતા નથી. તેના ઉપર તમે શીતાળ લેપ લગાવવાનો પ્રયાસ કરો તોય સમયાંતરે તેમાંથી રક્તની ટશરો ફૂટી જ નીકળવાની. મનોચિકિત્સકો કહે છે કે પતિ-પત્નીનો સંબંધ આપણા સમાજનો સૌથી મહત્ત્વપૂર્ણ રિશ્તો છે. સમગ્ર સંસારની ધરી તેની આસપાસ ફરે છે. આમ છતાં કોઈપણ દંપતી વચ્ચે ક્યારેય ચણભણ ન થાય એવું ભાગ્યે જ બને. પરંતુ જ્યારે આવી નોબત આવે ત્યારે અમુક બાબતો ભૂલેચૂકેય ન કહેવી. જેમ કે.....
'હું તને જે કરવાનું કહું તે તું ક્યારેય કેમ નથી કરતો?
હકીકતમાં આવું નથી હોતું. તમારો જીવનસાથી તમારી એકેય વાત ક્યારેય માન્યો જ ન હોય તે શક્ય નથી. પણ તમે ક્રોધે ભરાયા હો ત્યારે તમે આવું બોલો તો તમારા પતિને માઠું લાગે તે સ્વાભાવિક છે. બહેતર છે કે તમારી જે વાત એ ન માન્યો હોય તેનો જ ઉલ્લેખ કરો. વળી જો તમારો પતિ ક્રોધી સ્વભાવનો હશે તો તમને લેવાના દેવા થઈ જશે. તે ખરેખર જ તમારી કોઈપણ વાત નહીં માને.
'તું તારા માતા/પિતા જેવો/ જેવી છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે બંનેમાંથી કોઈના પણ મોઢામાંથી આવા શબ્દો ન નીકળવા જોઈએ. જો તમારી વાત સો ટકા સાચી હશે તોય તે કહેવાનો સમય તદ્ન ખોટો ગણાશે. કોેઈપણ વ્યક્તિને પોેતાની તુલના પોતાના માતા/ પિતા સાથે થાય તે ન ગમે. હા, પ્રશંસા રૂપે કરાયેલી સરખામણી તેના મનને આનંદિત કરશે. પરંતુ ઝઘડા દરમિયાન થયેલી તુલના ક્યારેય સકારાત્મક નહીં હોય. તેથી સામી વ્યક્તિના મનમાં તે ભાલાની જેમ ભોંકાશે.
'આપણને વાત કરવાની જરૂર છે, પણ હમણાં વાત કરવા માટેનો સમય ઊચિત નથી.'
ઘણીવાર પતિ-પત્ની વચ્ચે થયેલા મતભેદ છેક મનભેદમાં પરિણમે ત્યાં સુધી તેઓ જે તે વાતની સ્પષ્ટતા નથી કરતાં. તેઓ એમ માને છે કે વાત કરવા માટે હજી ઉચિત સમય નથી આવ્યો. હકીકતમાં આ વલણ ઘણીવાર જોખમી બની રહે છે. કોઈપણ વાતનો બને એટલો જલદી ખુલાસો થઈ જાય એ વધુ સારું. જો એક જણ પાસે થોડો સમય હોય તો તેણે સામી વ્યક્તિને પૂછી લેવું જોઈએ કે તેને વાત કરવા માટે ક્યારે અને કેટલો સમય મળશે.
'તું મારી સાથે વાત નહીં કર' અથવા 'બસ ચૂપ રહે.'
વાદવિવાદ વચ્ચે બોલાતા આ શબ્દો સામી વ્યક્તિને ચૂપ કરવા માટે બોલાય છે. પરંતુ આ બોલનાર વ્યક્તિન ે વાતની કલ્પના પણ નથી હોતી કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. જ્યારે તેનો/ તેની સાથે જીવનસાથી કાંઈક વાત કરી રહી/ રહ્યો હતી/ હતો, ત્યારે તેણે તેની વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો. પરિણામે એ વાત તેના મનમાં સતત શૂળની જેમ ભોંકાયા કરશે. જ્યારે તમે સામી વ્યક્તિને ચૂપ કરી દો છો ત્યારે ઘણી ચોખવટો બાકી રહી જાય છે જે ભવિષ્યમાં મોટી ગેરસમજ સુધી દોરી જાય છે.
'મને છૂટાછેડા જોઈએ છે' અથવા 'મને તારી સાથે નથી રહેવું'
આ એવા શબ્દો છે જે દંપતીના સંબંધોને કોેરી ખાય છે. જો તમે સંબંધ તોડવા બાબતે ગંભીર હો તો જ આ શબ્દો ઉચ્ચારો. ઘણાં લોકો સામી વ્યક્તિને ઠાલી ધમકી આપવા વારંવારર છૂટાછેડાની વાત કરે છે. પરંતુ આ ધમકી તેમની વચ્ચે અદ્રશ્ય છતાં અભેદ્ય દિવાલ રચી દે છે. તેઓ આ દિવાલ ભેદીને ક્યારેય એકમેકના થઈને નથી રહી શકતા. અથવા એવું પણ બને કે એક હદ પછી સામી વ્યક્તિ પર તમારા આવા શબ્દોની કોઈ અસર જ ન રહે. અને તમારી કિંમત કોડીની થઈ જાય.
'આપણે ક્યારેય લગ્ન નહોતા કરવા જોઈતા.'
સામાન્ય રીતે આ શબ્દો ઘવાયેલી વ્યક્તિના મોઢામાંથી નીકળે છે. અથવા જ્યારે એક જણને એમ લાગે તે તેનો/ તેની જીવનસાથી તેને યોગ્ય નથી. અને હવે તે આ બંધનમાં ભેરવાઈ ગયો/ ગઈ છે. પણ જો કે ખરેખર આવું બન્યું હોય તો પણ વાદવિવાદ દરમિયાન આવા શબ્દોનોે ઉચ્ચાર સામી વ્યક્તિના હૈયાને વીંધી નાખે છે. આ શબ્દો છૂટાછેડાની ઠાલી ધમકી જેવું જ કામ કરે છે. જો સામી વ્યક્તિ માથાફરેલ હશે તો લાગલું જ સંભળાવી દેશે કે 'પડયું પાનું નિભાવી લે, નહીં તો થાય એ કરી લે.'
અને જો આવો જવાબ સાંભળવાની નોબત આવે તો 'આપણે ક્યારેય લગ્ન નહોતા કરવા જોઈતા' બોલનાર વ્યકિતને જ ભોેંઠા પડવાનો વારો આવે. પરંતુ જો સામી વ્યક્તિ શાંત હોય તો તેનું હૈયું ઘવાય અને તેનામાં લઘુતાગ્રંથિ જન્મે.








