બી એલર્ટ : આવતી ક્ષણ, બની શકે અંતિમ ક્ષણ .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
એક વ્યક્તિને મુંબઈથી અમદાવાદ જવું હોય તો તેની પાસે વિવિધ પ્રકારના વિકલ્પો હોય છે. એ પ્લેન દ્વારા, ટ્રેન દ્વારા અથવા કાર યા બસ (ટ્રાવેલ્સ)નો ઉપયોગ કરીને પણ અમદાવાદ જઈ શકે છે. બસ એ જ રીતે જીવનમાં શુભકાર્યોમાં સફળતા મેળવવી હોય તો એ માટેના માર્ગો પણ અનેક છે. આજથી શરૂ થતા ક્રમશ: ત્રણ લેખોમાં આ અનેક માર્ગો પૈકી સફળતાપ્રાપ્તિ માટેની એક રસપ્રદ ત્રિપદીનો આપણે વિચાર કરીએ :-
શુભમાં સફળતાને હસ્તગત કરવા માટેના પ્રસ્તુત ત્રિપદીમાર્ગનું પ્રથમપદ છે 'જાગવું છે...'
રોજ સવારે આપણે નિદ્રાત્યાગ કરીએ છીએ એને 'જાગી ગયા' એમ માની લેવાની ભૂલ રખે કરી લેવાય. એને તો માત્ર 'ઉઠયા' જ કહેવાય. ખરેખર 'જાગ્યા' એને કહેવાય જેમાં આત્માના કલ્યાણ માટેની તાલાવેલી હોય-આત્માના શુભ માટે ધર્મ આચરી લેવાની તીવ્ર તમન્ના હોય. આવી તાલાવેલી અને તમન્ના જેનાં અંતરમાં પ્રગટે છે એ વ્યક્તિ માટે ત્રિપદીનું પ્રથમ પદ સાર્થક બને છે. આવી જાગૃતિ-સાવધાની પ્રગટયા બાદ અશક્ત વ્યક્તિ પણ કઈ રીતે ધર્મ આચરવામાં સશક્ત બની જાય એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના :
થોડા વર્ષો પૂર્વેની વાત. ત્યારે વિરમગામમાં એક જૈન શ્રાવક રહે. નામ એમનું રતિભાઈ. જૈનધર્મમાં તપના અનેક પ્રકાર બતાવ્યા છે. એમાં એક પ્રકાર છે આયંબિલતપનો. (જેમાં મિષ્ટાન્ન, સાકર, ઘી, ગોળ, દહીં, તેલ, શાકભાજી, ફળો, તીખું, તળેલું વગેરે કાંઈ જ ન વપરાય. માત્ર બાફેલું, લૂખું ભોજન એક જ સમય વાપરવાનું હોય એવો કઠિન તપ) રતિભાઈને આ આયંબિલ બિલકુલ ન ફાવે. એટલું જ નહિ, આયંબિલના દ્રવ્યોની ગંધથી પણ તેઓ દૂર રહે.
એક દિવસની વાત. રતિભાઈને કો'કે કહ્યું :- 'રતિભાઈ ! તમારાથી આયંબિલ ન થાય એ તો હજી સમજ્યા, પણ તમે આમ આયંબિલના દ્રવ્યોથી પણ દૂર ભાગો તે ન ચાલે. રોજ આયંબિલશાળામાં આવો અને આયંબિલતપસ્વીઓને પીરસો તો પણ મોટો લાભ મળે.' રતિભાઈનાં મનમાં બેસી ગઈ આ વાત. બીજા દિવસથી એવું બન્યું કે આયંબિલશાળામાં બીજું કોઈ હોય કે ન હોય, પરંતુ બપોરે અગિયારથી એકના સમયમાં તપસ્વીઓને પીરસવા રતિભાઈ તો હાજર હોય જ. વાતને ત્રીસ-ત્રીસ વર્ષ વીતી ગયા. રતિભાઈની ઉંમર લગભગ છપ્પન-સત્તાવન વર્ષ થઈ. આ દરમિયાન આયંબિલશાળામાં તેમણે નિયમિત હાજરી આપી. પણ આયંબિલ એક પણ ન કર્યું. આવા જ એક દિવસે રતિભાઈ રાબેતા મુજબ આયંબિલતપસ્વીઓને પીરસી રહ્યા હતા. ત્યાં આયંબિલ માટે બેઠેલા એક કલ્યાણમિત્રે ટકોર કરી :
'રતિભાઈ ! આખી જીંદગી આમ પીરસ્યા જ કરશો કે ક્યારેક આયંબિલ કરશો પણ ખરા ?' અને રતિભાઈનો અંતરાત્મા જાગી ઉઠયો. ટકોર અસર કરી ગઈ. આયંબિલ કરવું જોઈએ એમ મનમાં થયું અને તેમણે પાયો નાંખ્યો. (પાયો=વીસ દિવસનો તપ. જેમાં પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ આવે.) એટલું જ નહિ, પાયો નાંખ્યા બાદ રતિભાઈએ આયંબિલ એવા ફાવ્યા કે તેમણે પારણું કર્યા વિના સળંગ સો ઓળી કરી. (સો ઓળી = સાડા ચૌદ વર્ષનો તપ.) જેમાં સો ઉપવાસ અને બાકીના આયંબિલ આવે.) 'જાગવું છે'નો સંકલ્પ થઈ જાય છે ત્યારે જીવનમાં આ રીતે અશક્ય ઉત્થાન પણ સર્જાઈ શકે છે. આપણે છેલ્લે યાદ રાખીએ અંતરને જાગૃત બનાવતી આ વાત કે 'આવતી ક્ષણ એ અંતિમ ક્ષણ પણ બની શકે છે.... આવતી કાલ એ આપણો 'કાળ' પણ બની શકે છે...'









