અનિદ્રાના આયુર્વેદિક ઉપચાર
ઊંઘ માટે બજારુ દવા લેવાથી અનિદ્રાનું કારણ દૂર થયા વિના જ ઊંઘ આવી જાય છે. અને આથી દવાનું વ્યસન વધતું જાય છે
અનિદ્રાના વ્યક્તિદીઠ જે જુદા જુદા કારણો હોય તેને જાણી, સમજી, તેના નિવારણનો મૂળગામી ઉપચાર થવો જોઇએ. જેમકે કોઇ વ્યક્તિને અમ્લપિત્તનો વ્યાધિ છે. એ કારણે સખ્ત માથું દુખે છે અને કોઇ રીતે ઊંઘ આવતી નથી તો શું એને મગજને બહેરું કરનાર કોઇ દર્દ શામક ટીકડી આપી દેવાથી, મૂળ કારણ દૂર થઇ જશે ? કદાચ એ ટીકડી લેવાથી એવું પણ બને કે મૂળ રોગ વધી જાય અને તાત્કાલિક રાહત માટે માત્ર માથાની વેદના ભુલાવી ઘેન ભરી ઊંઘ લાવી દે એવો ઉપચાર ચાલુ રહે અને છેક છેડે જતાં ખ્યાલ આવે કે રોગ તો મટવાને બદલે વધતો જ જાય છે.
અનિદ્રાના ઉપચાર અંગે જેમ વ્યક્તિગત સ્તરથી પ્રયાસ થવો જરૂરી છે તેમ સામાજિક સ્તરથી પણ અનિદ્રાના કારણો સામે લાલબત્તી ધરી એની રોક થાય માટે પ્રયત્ન થવો ઘટે. રાત્રે મોડે સુધી ચાલતા માઇક, કશીયે રોકટોક વિના ઊંચા અવાજે વાગ્યા કરતા ગીત, ઘોંઘાટ, પ્રકાશનો અતિરેક... આ બધું સમજણ આપી નિવારી શકાય.
અનિદ્રાથી પીડાતી વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી બજારમાં મળતી નિદ્રાપ્રદ દવાઓ ન લેવી. ઊંઘ માટે બજારુ દવા લેવાથી અનિદ્રાનું કારણ દૂર થયા વિના જ ઊંઘ આવી જાય છે. અને આથી દવાનું વ્યસન વધતું જાય છે. પરિણામે દવાના જ્ઞાાનતંતુ નબળા થઇ જવાથી શરીરમાં સુસ્તી અને મનમાં આખો દિવસ નિરુત્સાહનો અનુભવ થાય છે.
અશ્વગંધા એ આયુર્વેદનું ઉત્તમ નિદ્રાપ્રદક ઔષધ છે. અનિદ્રામાં વાયુની વૃદ્ધિ મુખ્ય હોય છે. અને અશ્વગંધા એ પરમ વાત શામક છે. તે બળવર્ધક, પૌષ્ટિક, રસાયન અને પીડાશામક પણ છે.
એક કપ ભેંસના દૂધમાં એક કપ પાણી ઉમેરી તેમાં પાંચથી દસ ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને જરૂરી સાકર યા ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. પાણી બળી જાય એટલે ઉતારીને નવશેકું હોય ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં એકાદ કલાક અગાઉ પી જવું. હાઈ બી.પી. ન રહેતું હોય તેવા લોકો અશ્વગંધા સાથે પીપરીમૂળનું ચૂર્ણ પણ ઉમેરી શકે. ગંઠોડા પાચન સુધારી વાયુનો નાશ કરે છે. ગોળમાં ગંઠોડાનું ચૂર્ણ તથા થોડું ઘી નાખી ગોળી વાળીને રોજ રાત્રે ખાવાથી સરસ મજાની ઊંઘ આવે છે.
જેમનું પાચન નબળું હોય અને ગેસ થતો હોય તેમણે રોજ રાત્રે જમ્યા બાદ ચાર ચમચી દ્રાક્ષાસવમાં ચાર ચમચી અશ્વગંધારિષ્ટ અને સામે આઠ ચમચી પાણી ઉમેરી હલાવીને પી જવું. આ ઔષધથી વાયુનું શમન થતું હોવાથી સરસ મજાની ઊંઘ આવી જાય છે અને સવારે સ્ફૂર્તિ તથા ઉત્સાહ સાથે ઊઠવાનું પણ શક્ય બને છે. પોત પોતાની પ્રકૃતિ અને અનુકૂળતા પ્રમાણે બે ચમચી જેટલો અશ્વગંધા અવલેહ પણ સવાર સાંજ ભેંસના દૂધ સાથે લઇ શકાય.
રોજ રાત્રે સૂતા પહેલાં, અશ્વગંધા, મહા માષ તથા મહા નારાયણ તેલની માલિશ કરી હુંફાળા પાણીથી સ્નાન કરવામાં આવે તો પણ અનિદ્રાની તકલીફ દૂર થાય છે.
રાત્રે સૂતા પહેલાં ગંઠોડાની રાબ બનાવીને પીવાથી પણ લાભ થાય છે. લસણ તથા તલનું તેલ નાખેલી અડદની દાળ રાત્રે જમતી વખતે અવાર નવાર લેવામાં આવે તો અનિદ્રાની તકલીફ થતી નથી.
ઉનાળામાં અને શરદ ઋતુમાં માથા પર અને પીઠ પર પાણી પડે (ધારા થાય) એ રીતે ફુવારામાં સ્નાન કરવું. રાત્રે અગાસીમાં કે કંપાઉન્ડમાં ઠંડો પવન આવતો હોય એ રીતે સૂવું. હાઈ બ્લડપ્રેશરના કારણે ઊંઘ ના આવતી હોય તો બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, જટામાંસી, ખુરાસાની અજમો અને સર્પગંધાનું મિશ્રણ રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું. ઉપર દૂધ યા પાણી પીવું.
પિત્ત અને ગરમીના કારણે ઊંઘ ન આવતી હોય તો પગના તળિયે ઘી ઘસવું. સાકર નાખેલું એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી જવું. શતાવરી, આમળા અને જટામાંસીનું સમભાગે ચૂર્ણ બનાવી રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું.
દવાઓ કરવા છતાં પરિણામ ન મળે ત્યારે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિનો ય આશરો લેવો. આમાં 'શિરોધારા' અને સ્નેહબસ્તિનો પ્રયોગ ઉત્તમ પરિણામ આપે છે. ઘણા દિવસોથી સરખી ઊંઘ ન આવી હોય એવી વ્યક્તિ શિરોધારા ચાલતી હોય ત્યારે પણ ટેબલ પર ઊંઘી જતી હોય છે. રોજ રાત્રે માથામાં - વાળના મૂળમાં - આંગળીના ટેરવાથી મસાજ સાથે ચંપી થાય એ રીતે બ્રાહ્મી, ક્ષીરબલ્લા, અશ્વગંધા અથવા મહા નારાયણ તેલની માલિશ કરવી.
રોજિંદા ખોરાકમાં ઘી, દૂધ, માખણ, દહીં, ગોળ, કેળા, અડદની દાળ, ડુંગળી વગેરેનો પોતાની પ્રકૃતિ અને અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવો. અનિદ્રાનો એક ઉત્તમ અને અસરકારક ઉપાય છે શવાસન. આ સિવાય પ્રાર્થના, ધ્યાન, પ્રિય સંગીત અને શાંત ખુલ્લું પવિત્ર વાતાવરણ પણ ઊંડી-મીઠી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
એક વિશેષ પ્રયોગ પણ ધ્યાનમાં રાખવા જેવો છે. એરંડતેલની જ્યોત દ્વારા બનાવેલું કાજળ આંખમાં આંજવાથી અનિદ્રા દૂર થાય છે. અથવા તો એકલા એરંડતેલનું રોજ રાત્રે આંખમાં અંજન કરવાથી સરસ મજાની ઊંઘ આવે છે.