Magazines

અવોર્ડવિનર નાગા ચૈતન્યને લગ્ન બરાબરનાં ફળ્યાં

By GS TEAM
9 Apr 20263 mins read
અવોર્ડવિનર નાગા ચૈતન્યને લગ્ન બરાબરનાં ફળ્યાં

- 'તમારી પર્સનલ લાઇફનો પાયો મજબુત હોય તો એનો પ્રભાવ તમારી પ્રોફેશનલ લાઈફ ઉપર પણ પડે છે. શોભિતાના સપોર્ટ અને પ્રોત્સાહનનું મારે મન અદકેરુ મહત્ત્વ છે.'

બોલિવુડની જેમ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સુપરસ્ટાર્સની કમી નથી.  નાગાર્જુનનો દીકરો નાગા ચૈતન્ય ૨૦૨૪માં વેબ સીરિઝ 'ધ નાઇટ મેનેજર' ફેમ શોભિતા દુલીપાલાને પરણીને આજકાલ ભારતભરમાં જાણીતો બન્યો છે. એને તાજેતરમાં તેલંગણા ફિલ્મ એવોર્ડ્સમાં એની ફિલ્મ 'થાન્ડેલ' (૨૦૨૫) માટે બેસ્ટ એક્ટરના એવોર્ડની નવાજેશ થઈ છે. 

આન્ધ્ર પ્રદેશના એક ગામના માછીમારોની સત્યકથા પર આધારિત 'થાન્ડેલ'ને સમીક્ષકો અને દર્શકો બંનેએ વખાણી છે. મૂવીની હૃદયસ્પર્શી વાર્તા અને એકટર્સના એકદમ વાસ્તવિક પરફોર્મન્સની ચોમેર પ્રશંસા થઈ રહી છે. 'એ આન્ધ્રના ગામડામાં વસતા માછીમારોની સાચી સ્ટોરી છે. એમની વીર-ગાથાને પડદા પર સાકાર કરવી મારા માટે એક અદ્ભુત અનુભવ બની રહ્યો. માછીમારોને સમજવા અને એમના વિશે વધુને વધુ જાણવા હું એમની સાથે દિવસો સુધી રહ્યો. એમની પાસેથી મને અંગત રીતે પણ ઘણું જાણવા મળ્યું. એમની લાઈફ મારા માટે એક પ્રેરક-બળ બની રહી. એમની જીવનશૈલી અને એમની સ્ટોરીઝ મને બહુ ગમવા લાગી. એમની પાસેથી મળેલી એનર્જી ફિલ્મમાં ટ્રાન્સફર થઈ ગઈ. હવે સરકાર તરફથી પણ મૂવીને સરાહના મળી હોવાથી બહુ ખુશી થાય છે. 'થાન્ડેલ'ના બોક્સ ઓફિસના આંકડા આનંદ આપનારા છે પણ સમીક્ષકોએ સર્વાનુમતે કરેલી પ્રશંસા મારા માટે એકદમ સ્પેશ્યલ છે,' એમ વરસનો અભિનેતા પ્રસન્ન વદને કહે છે. અહીં નોંધવું ઘટે કે 'થાન્ડેલ' ચૈતન્યના શોભિતા સાથેના લગ્ન બાદ રિલિઝ થયેલી એની પહેલી ફિલ્મ છે. એ જોતા શું શોભિતા એના માટે લકી ચાર્મ (ભાગ્યશાળી) છે એવું પૂછાતા એક્ટર જવાબમાં કહે છે, 'યસ, અફ કોર્સ. ઘરમાં તમારો પાયો મજબુત હોય તો એનો પ્રભાવ તમારી પ્રોફેશનલ લાઈફ ઉપર પણ પડે છે. શોભિતાના સપોર્ટ અને પ્રોત્સાહનનું મારે મન અદકેરુ મહત્ત્વ છે.'

તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં આ યુગલ વચ્ચેના ક્રિએટીવ સાહચર્યની ચર્ચા છે. 'અમે ફિલ્મોની બાબતમાં બહુ જિજ્ઞાાસુ જીવો છીએ. અમારી વચ્ચેના જોક્સના કેન્દ્રમાં પણ મૂવી જ હોય છે. એટલા માટે કે અમે આ એક કળા વિશે સૌથી વધુ જાણીએ છીએ,' એવું ચૈતન્યા નિખાલસપણે કબુલે છે. બંનેના સિનેમા માટેના એકસરખા પેશનને જોતા શું તેઓ કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે એવી પૃચ્છાના જવાબમાં એક્ટર કહે છે, 'એ માટે અમારું મન મોકળું છે. અમને બંનેને ઉત્સાહિત કરે એવો કોઈ ફ્રેશ સબજેક્ટર મળશે તો અમે ચોક્કસ એ પ્રોજેક્ટ કરીશું.'

હમણાં નાગા ચૈતન્યની નેકસ્ટ ફિલ્મ 'વૃષકર્મા'નો ફર્સ્ટ લુક રિલિઝ થયો. એમાં અભિનેતાની હૃતિક રોશનની તોલે આવે એવી કસાયેલી સુડોળ બોડી જોઈ બધા દંગ થઈ ગયા હતા. વૃષકર્મા માટે ચૈતન્યએ જિમમાં પરસેવો પાડી આવી બોડી બનાવી હોવાનું મનાય છે. એ વિશે પૂતા હેન્ડસમ હંક કહે છે, 'ફિલ્મમાં હું એક ખજાનો શોધવા નીકળેલા નાયકના રોલમાં છું. એ પાત્રને પુરેપુરો ન્યાય આપવા હું એના સ્ટાઈલિંગમાં ઘણાં પ્રયોગ કરી શકું છું. ફિલ્મ એક પુરાણકથા પર આધારિત છે. મારું ઘણાં વખતથી ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક પિલ્મ કરવાનું સપનું હતું, જે હવે પુરું થયું છે. આજના વીએફએક્સ અને એઆઈના યુગમાં આપણે પુરાણ કથાઓને બહુ સારી રીતે પેશ કરી શકીએ છીએ. આમેય હવે લોકોને પુરાણ કથાઓમાં રસ વધ્યો છે. અને આપણી પાસે તો એકથી એક ચડિયાતી વાર્તાઓનો ભંડાર છે. મારે 'વૃષકર્મા' માટે એકદમ ફિટ બોડી જોઈતું હતું. એટલે મેં એ માટે વિશેષ પ્રયાસ કર્યા. પર્સનલી પણ મને ફિઝિકલ ફિટનેસ બહુ ગમે છે. એક્ટર તરીકે આજના જમાનામાં કોઈને ઢીલાઢફ રહેવું પોસાય નહિ.'