આકર્ષક અને કિંમતી ધાતુ : સોનું
તે જસ્વી પીળા રંગનું સોનું માણસ માટે પ્રાચીનકાળથી આકર્ષણનું કેન્દ્ર છે. જમીનમાંથી ખાણ ખોદીને સોનું મેળવવાની પધ્ધતિ ઇ.સ. પૂર્વે ૩૫૦૦ માં શરૃ થયેલી. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિએ ઇજિપ્ત, સિંધુ, મેસોપોટેમિયા અને સુમોરિયન માં આકર્ષક ઘરેણાં બનાવવા માટે સોનાનો ઉપયોગ થતો. ભૌતિક ગુણવત્તા અને આકર્ષક રંગને કારણે સોનુ આકર્ષક બન્યું છે. તે મહામૂલી સંપત્તિ ગણાય છે. સોના માટે ઇતિહાસમાં ઘણા યુધ્ધો પણ થયાં છે. આજે પણ સોનુ એટલું જ આકર્ષક અને કિંમતી છે.
વિશ્વમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન દક્ષિણ આફ્રિકામાં થાય છે. દક્ષિણ આફ્રિકાના પ્રિકેમ્બીયન વિટવોટર સ્ટ્રાન્ડ ખાતે સેંકડો કિલોમીટર વિસ્તારમાં ત્રણ થી ચાર કિલોમીટરની ઊંડાઇ સુધી ખનીજ સ્વરૃપે પુષ્કળ સોનું મળે છે. સોનાના જથ્થાનો ૬૫ ટકા ભાગ ઘરેણા બનાવવામાં વયરાય છે. બાકીનું સોનું ઇલેકટ્રોનિક અને સિરામિક ઉદ્યોગોમાં વપરાય છે.
સોનું ગરમી અને વીજળીનું ઉત્તમ વાહક છે, તેને કાટ લાગતો નથી. તે ટીપીને સૌથી પાતળું પડ બનાવી શકાય છે. કોઈ પણ ધાતુ કરતાં સોનાના પાતળા તાર બતાવી શકાય છે. એટલે ઇલેકટ્રોનિક સાધનોની સર્કિટ બનાવવા ઉપયોગી છે. સોનાનો એક જ દુર્ગુણ તે અતિ નરમ હોવાનો છે. ઉદ્યોગોમાં સોના સાથે અન્ય ધાતુ મેળવીને ઉપયોગ કરાય છે. સોનાને કેરેટથી મપાય છે. ૨૪ કેરેટ એટલે સંપૂર્ણ સોનું ૧૮ કેરેટ એટલે ૧૮ ભાગ સોનું અને ૬ ભાગ અન્ય ધાતુનું મિશ્રણ.
ખાણમાંથી સોનું મોટે ભાગે શુધ્ધ સ્વરૃપે મળે છે. તેના બે પ્રકાર છે. લીડ અને પ્રેશર. લીડ પ્રકારની ખાણમાં સોનું પથ્થર કે સિલિકોનના ખડક સાથે મળી આવે છે. પ્રેશર પ્રકારની ખાણમાં મોટે ભાગે સોનાની રજકણો અને ટૂકડા મળી આવે છે. લીડ પ્રકારના ખડકોમાં પાણીના ઘસારાથી ધોવાઈને પ્રેશર પ્રકારનો જથ્થો બને છે. આ પ્રક્રિયા થતાં હજારો વર્ષ લાગે છે. ખાણમાંથી કાચા સ્વરૃપે નિકલેલા સોનાના જથ્થાને ચાળીને દળીને અને રાસાયણિક પ્રક્રિયાઓ કરી તે શુધ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી લાંબી અને ખર્ચાળ પણ છે.