Get The App

એશિયાટીક લાયન્સ .

Updated: Nov 23rd, 2019

GS TEAM

Google News
Google News
એશિયાટીક લાયન્સ                                                  . 1 - image


દુનિયામાં અત્યારે આફ્રિકા અને એશિયા એમ બે સ્થળે જ સિંહોની વસ્તી છે. એશિયામાં ફક્ત એક સ્થળે ગુજરાતના ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં સિંહો જોવા મળે છે. એટલે જ આપણા સિંહો એશિયાટીક લાયન્સ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે સિંહો ઘટ્ટ જંગલો કરતા ઘાસ અને ઝાડી ઝાંખરાવાળા જંગલોમાં નિવાસ કરવાનું પસંદ કરે છે. કારણ કે આ પરિસ્થિતિ તેને શિકાર માટે બહુ અનુકૂળ છે. ગીર ફોરેસ્ટ તેના નિવાસસ્થાન માટે આદર્શ સ્થળ છે.

સિંહોનું આયુષ્ય તેના પરંપરાગત જંગલના વસવાટમાં ૧૦-૧૪ વર્ષનું હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં સંભાળ અને સારવારને હિસાબે તેઓ ૨૦ વર્ષથી વધારે જીવી શકે છે.

પરંતુ નર સિંહોનું આયુષ્ય જંગલના વસવાટમાં ભાગ્યે જ ૧૦ વર્ષનું હોય છે, કારણ કે તેણે તેના હરીફ જૂથના સિંહો સાથે ખોરાક બાબત, પોતાના ઈલાકાની સરહદ અને પરિવારના સભ્યો રક્ષા કાજે તેમજ માદા સિંહ પર આધિપત્ય જાળવી રાખવા સતત હરીફો સાથે લડતા રહેવું પડે છે જેથી ઘણીવાર ગંભીર રીતે ઘવાઈ જવાથી જિંદગી ટૂંકાઈ જાય છે.

આથી જ હાલના ગીરના સિંહોની ૫૦૦થી વધુ સિંહોની સંખ્યામાં પુખ્ત નર સિંહોનું પ્રમાણ પુખ્ત માદા સિંહો કરતા અર્ધાથી પણ ઓછું છે.

સિંહો મૂળભૂત રીતે એક નંબરના શિકારી છે. મજબૂત અને સ્નાયુબદ્ધ શરીર, તેજ દ્રષ્ટિ, અસ્ત્રા જેવા ધારદાર દાંત અને તીક્ષ્ણ નહોર સાથે ત્વરિત અને ચપળતાથી હુમલો કરવામાં માહેર છે. તે તેના શિકારને ગુંગળાવી મારી નાખે છે.

સિંહ બાળ એક વર્ષનું થતાં જ જૂથ સાથે શિકારની તાલીમ લેવી શરુ કરી દે છે. બે વર્ષે તે નિપૂણ શિકારી બની જાય છે. સિંહબાળ ૨-૩ વર્ષના થતાં જ તેને કબીલામાંથી સ્વતંત્ર રીતે જીવવા ધકેલી દેવામાં આવે છે. Survival of the Fittest  (તાકતવર હોય તે જ ટકી શકે) એ જંગલનો કાનૂન છે.

એટલે એ વરવી હકિકત છે કે, સિંહ જંગલનો રાજા હોવા છતાં જ્યારે માંદો પડે છે કે ઘરડો થવાથી ખોરાક મેળવવા કે લડવા માટે અશક્ત થાય ત્યારે જૂથના અન્ય સભ્યો તેને એકલો છોડી ચાલ્યા જાય છે. અંતે તેને ઝરખ કે જંગલી કુતરા જેવા નાના પ્રાણીઓ જીવતા જ ફોલી ખાય છે અને તે નિસહાય હોય છે.

સિંહો નિશાચર હોય છે એટલે આછા અજવાળામાં કે રાત્રે શિકારની શોધમાં નીકળે છે.

જૂથની માદા સિંહો મળીને મોટા સસ્તન પ્રાણીઓનો શિકાર કરે છે જ્યારે નર સિંહો પાછળથી પરિવારનું ધ્યાન રાખે છે.

સિંહના એક જૂથમાં એક સરદાર અને ૩-૪ નર સિંહો, કેટલીક માદા સિંહણો અને યુવાન અને બાળ સિંહોનું મળીને લગભગ વધુમાં વધુ ૧૫ સિંહોનું જૂથ સાથે રહેતું હોય છે.

નર સિંહોનું વજન ૧૫૦ થી ૨૦૦ કિલો અને માદા સિંહોનું વજન ૧૨૦ થી ૧૮૦ કિલો હોય છે. નર સિંહોને દરરોજ ૭ કિલો અને માદા સિંહોને ૫ કિલો માંસ જોઈતું હોય છે. સિંહ એકી સાથે ૩૦ કિલો સુધી માંસ આરોગી શકે છે.

સિંહો તેનો ૫૦ ટકા ખોરાક શિકાર સિવાય જંગલના કુદરતી કે માંદગીમાં મરેલા પ્રાણીઓ, અન્ય પ્રાણીઓએ કરેલ શિકાર આંચકીને કે પ્રાણીઓએ કરેલ શિકાર આંચકીને કે મરવા પડેલ અશક્ત પ્રાણીઓમાંથી મેળવે છે. આમ તે જંગલોને મૃત પ્રાણીઓના અવશેષોથી સાફ રાખે છે. એટલે તે જંગલનો સારો સફાઈ કામદાર પણ કહેવાય છે. તેઓ સતત આકાશમાં મંડરાતા ગીધોની હાજરીથી મૃત અથવા નિસહાય પ્રાણીઓની ભાળ મેળવતા રહે છે.

અંતમાં આશ્ચર્યજનક વાત. થયેલા સંશોધનો બતાવે છે કે રોજિંદી જિંદગીમાં સિંહો ૨૪ કલાકમાંથી ૨૦ કલાક આરામ ફરમાવે છે. દરરોજ સરેરાશ ૨ કલાક શિકારમાં અને આંટા મારવામાં અને ૫૦ મીનીટ ભોજનમાં ગાળે છે.

- જ્યોતિ ખીમાણી

Tags :