Magazines

અશ્વમેધ યજ્ઞા - વિજય પછી શાંતિની સ્થાપના પણ શાસકની ફરજ છે

By GS TEAM
27 May 20263 mins read
અશ્વમેધ યજ્ઞા - વિજય પછી શાંતિની સ્થાપના પણ શાસકની ફરજ છે

આજની વાર્તા દરેક સમયના નેતૃત્વ સાથે સંવાદ કરે છે. ચૂંટણી, સંસ્થા કે સ્પર્ધા જીતી લેવી એ માત્ર એક ઘટના છે, પરંતુ જીતેલાને સંભાળવું એ એક શિસ્ત છે. જે વિજયના ઉન્માદમાં પુનનિર્માણ કરવાનું ભૂલી જાય છે, તે બીજા યુદ્ધના બીજ વાવી દે છે.

મહાભારત કથા: યુધિષ્ઠિરનો અશ્વમેધ યજ્ઞા

યુદ્ધ સમાપ્ત થયું, પણ શાંતિ ન આવી, કુરુક્ષેત્રની ધરતી અઢાર અક્ષૌહિણી સેનાના શબોથી ભરેલી હતી. યુધિષ્ઠિર સિંહાસન પર બેઠા, પરંતુ તેમનું મન રાખ થઈ ચૂક્યું હતું. જે રાજ્ય માટે આટલું આત્મજનોનું લોહી વહાવ્યું, તેનો ભોગ તેમને મહાપાપ જેવો લાગતો હતો. તેઓ બધું ત્યાગીને વન તરફ જવા પ્રેરાયા. ત્યારે મહર્ષિ વ્યાસ અને શ્રીકૃષ્ણે તેમને રોક્યા. તેમણે કહ્યું કે પલાયન એ ધર્મ નથી, હવે શાસન કરવું એ જ તપસ્યા છે. સ્વજનોની હત્યાના પ્રાયશ્ચિત અને વિખરાયેલી ભૂમિ પર ફરીથી શાંતિની સ્થાપના માટે અશ્વમેધ યજ્ઞા કરવાનું વિધાન જણાવવામાં આવ્યું. રાજાની ફરજ માત્ર જીતવાની નથી, જીતેલા સામ્રાજ્યને સંભાળવાની પણ છે. એક શ્વેત (સફેદ) અશ્વને મુક્ત કરવામાં આવ્યો અને અર્જુન તેના રક્ષક બન્યા. અશ્વ જે રાજ્યમાંથી પસાર થાય, ત્યાંના રાજાએ કાં તો આધીનતા સ્વીકારવી પડતી અથવા યુદ્ધ કરવું પડતું. મોટાભાગના રાજાઓએ પ્રણામ કર્યા, તો ક્યાંક સંઘર્ષ પણ થયો. મણિપુરમાં અર્જુનનો સામનો પોતાના જ પુત્ર બભ્રુવાહન સાથે થયો. પુત્રના બાણોથી અર્જુન ધરતી પર ઢળી પડયા. નાગકન્યા ઉલૂપીની સંજીવની મણિથી તેમને પુનર્જીવન મળ્યું. વિજય-યાત્રા પણ મૃત્યુથી અછૂતી નથી રહેતી. યજ્ઞા પૂર્ણ થયો. વૈભવનો વરસાદ થયો. ત્યારે જ એક અર્ધ-સુવર્ણ (અડધો સોનાનો) નોળિયો આવ્યો અને બોલ્યો કે,' એક ગરીબ બ્રાહ્મણના સકતુ (સાથવા) દાન આગળ આ વિશાળ યજ્ઞા પણ નાનો છે.' દાનનો મર્મ આડંબરમાં નથી, પણ ભાવમાં છે.

શાસકની ભીતરનું બીજું યુદ્ધ

કુરુક્ષેત્રનું યુદ્ધ બહાર તો સમાપ્ત થઈ ગયું, પણ યુધિષ્ઠિરની અંદર તે જ સમયે શરૂ થયું. આ અશ્વમેધ કથાનો મનોવૈજ્ઞાનિક મર્મ છે. વિજયે તેમને સિંહાસન આપ્યું. મનની શાંતિ નહીં. જેણે પોતાના જ લોકોને મારીને રાજય મેળવ્યું હોય, તેના માટે તે રાજય પુરસ્કાર નહીં, પરંતુ અપરાધભાવ (ગિલ્ટ)નો બોજ બની જાય છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું દરેક વિજય પોતાની સાથે એક અદ્રશ્ય પરાજય પણ લાવે છે, જે વિજેતાના અંતરાત્મામાં વસે છે ? સત્તાનો ધર્મ-પક્ષવ્યાસ અને કૃષણની સલાહ આ કથાનું રાજકીય હૃદય છે. સંન્યાસ લઈને ભાગી જવું સરળ હતું, મુશ્કેલ હતું ઘવાયેલી ભૂમિ પર પાછા ફરીને તેને ફરીથી બેઠી કરવી.

અશ્વમેધ: વિજય નહીં, સમન્વયનું અનુષ્ઠાન

અશ્વમેધને માત્ર દિગ્વિજયનો અહંકાર માનવો એ આ પ્રસંગને નાનો ગણવા બરાબર થશે. અહીં આ યજ્ઞા વેરવિખેર થયેલા જનપદોને ફરીથી એક ધર્મ-સૂત્રમાં પરોવવાનું અનુષ્ઠાન છે. અશ્વની યાત્રા વાસ્તવમાં એક તૂટેલા રાજકીય નકશાને ફરીથી અખંડ બનાવવાનું પ્રતીક છે. વૈધતા (Legitimacy) માત્ર બળથી નથી જન્મતી, સ્વીકૃતિથી જન્મે છે. આ જ યુદ્ધ પછીના પુનર્નિર્માણનું પ્રાચીન મોડેલ છે.

આડંબર વિરુદ્ધ ભાવ

અર્ધ-સુવર્ણ નોળિયાની વાર્તા આખી કથાને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. રાજસૂય વૈભવથી ભરેલો યજ્ઞા એક ગરીબના સાચા સક્તુ-દાન સામે નમી જાય છે. ઉપનિષદની દૃષ્ટિએ જ કહે છે કે બાહ્ય કર્મકાંડ જો ભાવશૂન્ય હોય તો તે વ્યર્થ છે. શ્રેષ્ઠ પુરુષનું આચરણ જ સમાજ માટે પ્રમાણ બને છે.

આપણા સમયનો પડઘોઃ આ કથા આજના દરેક નેતૃત્વ સાથે વાત કરે છે. ચૂંટણી, સંસ્થા કે સ્પર્ધા જીતી લેવી એ માત્ર એક ઘટના છે, પરંતુ જીતેલાને સાંભળવું એ એક શિસ્ત છે. જે વિજયના ઉન્માદમાં પુનનિર્માણ કરવાનું ભૂલી જાય છે. તે બીજા યુદ્ધના બીજ વાવી દે છે. તો પ્રશ્ન બાકી રહે છે કે, શું આપણે વિજયને જ અંતિમ લક્ષ્ય માનીએ છીએ કે તે શાંતિને, જે વિજય પછી સ્થાપિત કરવાની હોય છે?