વાચકની કલમ .
તોડશો નહીં
મારી સિમેન્ટની ચણેલી ઈમારત
ભલે તોડી નાખજો પણ.....
કોઈના સંધાયેલા પ્રેમ તાંતણાને
તોડશો નહીં.
વિશાળ વટવૃક્ષની ડાળીએ
કિલ્લોલ કરી રહેલા નિર્દોષ પંખીના
માળાને તોડશો નહીં.
સુંદર ઉપવનના ખોળે રમતાં
પતંગિયાનાં સાથી ખીલેલા પુષ્પોની
નાજૂક કળીઓને તોડશો નહીં.
હૈયાના હિંચકે બેસી ઝૂલતી,
તમારી યાદમાં ખોવાયેલી પ્રિયાના
હેતની સ્નેહમાળાને તોડશો નહીં.
સુમન! કોઈના જીવનમાં ખીલેલા
યૌવન પુષ્પને તોડશો નહીં
તેના અરમાનો અને આશાઓને
ખીલવા દેજો, મધમધવા દેજો.
- સુમન ઓઝા : (ખેરાલુ)
પરોપકારી વૃક્ષ
માનવીથી પણ પરોપકારી
હોય છે એ વૃક્ષ,
પશુ- પંખીઓનું આશ્રય સ્થાન
હોય છે એ વૃક્ષ
સઘળા જીવોને છાયંડો, શિતળતા
આપે છે એ વૃક્ષ,
માનવીઓના આરોગ્ય માટે
ઔષધી આપે છે એ વૃક્ષ,
ઈમારતો, ફર્નિચરો બનાવી
આપે છે એ વૃક્ષ
પ્રાણવાયુ આપી પ્રદૂષણ
ભગાડે છે એ વૃક્ષ,
વિકાસના નામે કપાય છે
એ વૃક્ષ કાપો, મારો, ઘા કરો તોય
શિકાયત ન કરે એ વૃક્ષ,
યાતના - વેદના સહન કરનાર,
સહનશિલતાની મૂર્તિ છે એ વૃક્ષ,
વૃક્ષ છે તો જળ છે, જળ છે તો જીવન છે,
એટલે ''મીત''
કહે વૃક્ષો વાવીએ. તેનું જતન કરી
વરસાદ લાવીએ માનવીના
પાર્થિવ દેહને બાળવા વૃક્ષ
પોતે પણ સાથ બળી જઈ
પરોપકાર્ય કરે છે એ વૃક્ષ,
- ચૈતન્ય યશ ડી. પટેલ :
(ગણેશપુરા- સુરત)
કમી
પ્રેમ હોય છે. પણ બસ વિશ્વાસની કમી
વિશ્વાસ બતાવે છે બધાં પણ
તેને પારખવાની કમી
જરૂરિયાત મુજબ માણસની
સમજણની કમી
જીવન જીવવા માટે એંકબીજાની
સમજણની કમી
અહીં બધું છે દુનિયામાં બસ બધામાં
વિશ્વાસની કમી
જીવન જીવવાની રીત હોય પણ
જીવનને સમજવાની કમી
બસ કશું પણ કરો દુનિયામાં
કોઈપણ માટે
પણ બસ કમી કમી કમી....
- દક્ષા મકવાણા : (અમદાવાદ)
ચાંદ તારે જોઈ તને
આખો ખુલી ચાંદ તારે જોઈ તને
મેં રાતના શાંત રાહે જોઈ તને
ખ્વા બે નથી ખ્યાલ
પૂરાં રોજ મળે
આથી જ તો ભાત ભાતે જોઈ તને
સાચી હશે તુંજ તો તો દિલ લાગે
એમાં જ તો સાથ સાથે જોઈ તને
જોજે ઘરે સંયમતા મૈત્રીમાં
રોજે તને યાદમાંયે જોઈ તને
સપનાં જ તો રાહ ચીંધે જે દિલમાં
લાગે નવી રાત વાસે જોઈ તને
મનથી ભલે જે હશે જે સ્વરૂપે
મારાં સુધી માંગ તારી જોઈ તને
- હિતેશ આર. પટેલ : (સાવન) :
(બારડોલી)
સંગ- દિલ
ઉભરતી એની જવાની છે
તોય ક્યાં કોઈની દિવાની છે?
ધસમસમતી હોય બે કાંઠે ભરપૂર
સરીતા જેવી ક્યાં આપની રવાની છે
લૈલાની છે - હીરની પણ છે
એના જેવી ક્યાં આપની કહાની છે?
નજર કરી યે ને શરમનો શેરડા ઘૂટે
ક્યાં આપના વદન પણ એવી નીશાની છે
તમન્ના શું અહીં ચાહતની રાખવી?
એની ક્યાં કોઈ પર મહેરબાની છે?
- મણીલાલ ડી. રૂધાણી : (રાણાવાવ)
મરણ પછીનું સ્મરણ
નથી ભુલાતા તમે, નથી ભુલાતા તમે
મરણ પછી પણ સ્મરણ
તમારું પ્રતિદિન કરીએ અમે,
નથી ભુલાતા તમે, નથી ભુલાતા તમે.
તમે કર્યું છે પરિવારનું
પૂરું લાલન-પાલન
તમે કર્યું છે સૂઝ- બૂઝથી
કુટુંબનું સંચાલન.
ધ્યાન રાખતા હતા તમે કે કોેને શું શું ગમે.
નથી ભુલાતા તમે, નથી ભુલાતા તમે.
પરસેવા પાડીને તમે સદા કરી પર સેવા,
છતાં કદી ના રાખી આશા : મળશે
એના મેવા
સૌને સુખ દેવાને કાજે કોણ
આટલું ખમે?
નથી ભુલાતા તમે, નથી ભુલાતા તમે.
તનથી જીવિત નથી તમે પણ
જીવિત છો અ મને
મહેકી રહ્યા છો ફૂલ બનીને
અમ જીવન - ઉપવનમાં
સ્મરણ
તમારું કરવાથી
સૌ દર્દ અમારા શમે.
નથી ભુલાતા તમે, નથી ભુલાતા તમે.
- અરવિંદ કરસનદાસ રૂખાણા :
(ભાયંદર-પશ્ચિમ)
જિંદગી
જિંદગી ભૂલાયેલા રસ્તે,
ભૂલી પડી ગઈ.
વર્ષો જૂની ભૂતકાળની,
ઘડીયોમાં ખોવાય ગઈ.
નથી એનાથી પંથ ખૂટતો
નથી એને કોઈ ભોેમિયો ઝડતો,
અફસોસ કરી કરી ને વગડાની
વાટે પગલા પાડી ગઈ.
નથી એને વટે માર્ગુ વાટ દેખાડતો?
નથી એને કુદરત સહાય કરતો,
બિલકુલ ગભરું બનેલા હૈડાને,
વિના કારણ લાત પડી ગઈ.
નથી એને ઉનાળાની ગરમી દઝાડતી,
નથી એને શિયાળાની ઠંડી ધુ્રજાવતી,
દ્રઢ વિશ્વાસે લીધેલા નિર્ણયને,
કોઈની નજર લાગી ગઈ.
નથી સમયનો સરવાળો કરતી,
નથી વખતની બાદબાકી કરતી
કાચલિયા કહે તારખીયાનું એક, એક,
પાનું ફાડીને જે માર્ગેથી આવી તી,
એ જ માર્ગે પાછી વળી ગઈ.
- નવીનચંદ્ર રતિલાલ કાચલિયા - ધારી
હસી ગ્યો'તો.....!
ભૂતકાળનો વખત ત્યારે
તો ભસી ગ્યો'તો.
આપત્તિ દેખી સમય,
હાલત પર હસી ગ્યો'તો.
મુજ આખ્યું ના અશ્રુઓ પાણી હતા ત્યારે,
બાયલા છે એમ કે
પાંપણ કસ કસી ગ્યો'તો.
દેહના ગોરાપણો માણી રમત સુંવાળી
વાસનાનું વિષ ખંગાળી તું ડસી ગ્યો' તો.
જેઠની શ્રેષ્ઠ ગરમીમાં મેં રાહ જોઈતી.
ઉદરે ઊગ્યું વર્ષા ચિન્હ,
જ્યાં ફસી ગ્યો' તો.
મજ ભવિષ્ય આમ ફેંદી ફેંદી ક્યું વહમું.
મેં સહ્યા છે સિતમો.
જે મુકી ખસી ગ્યો'તો
રોજ કાંસીડો રંગ બદલે, ભાવ બદલે તું,
યાદ કર ભાલે લજ્જાનું
કંકુ થસી ગ્યો' તો.
- વિનોદચંદ્ર બોરીચા : (મુંબઈ)
વૃક્ષ ગંગા
પાવન એવા વૃક્ષોની છે વાત,
અપકાર ઉપર ઉપકાર
કરે તેવી છે જાત....
ફળ, ફૂલ, પર્ણ, આપણને આપે,
વૃક્ષ ગંગા સમ, જીવન કહાવે....
પત્થરના ઘા સહન કરી વહાવે,
અન્ન, વસ્ત્ર, ઔષધ સર્વની સંગાથે....
પરિમલ અર્પી જીવન ફના કરે,
માનવ હરદમ
તેના ઉપર ઘા કરે....
સુખ ન અર્પો તો ચાલશે
ઓ માનવ!
દુ:ખની ચીસો
તું કાને કેમ ન ધરે?
ઊગાડો આંગણિયે
આ વૃક્ષપાવન ગંગા
'મન ચંગા તો કથરોટ
મેં હૈ ગંગા....
મધુર, મઝાની આ વાત ઉર ધરો,
બસ ફળ, ફૂલ, પર્ણનું રક્ષણ કરો....
- રોહિતભાઈ બી. જોશી :
( ધારિયાવાડ- ખંભાત)