કલા કે સાહિત્યના ઉદ્દેશમાં શુભતત્ત્વો હોય તો જ તે સાર્થક

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
કેરળમાં બાલામણી નામની અભિનેત્રી એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતી. આ અભિનેત્રીની અભિનય કલાથી મુગ્ધ એવા તેના અનેક ચાહકો હતા તેથી બાલામણી અભિનય કલાના ક્ષેત્રમાં એક જાણીતું આગવું નામ હતું. તે સમયે એક કલાકાર રાજા રવિવર્માનું નામ પણ એટલું જ જાણીતું હતું. રવિવર્મા એક સફળ ચિત્રકાર તરીકે તે વિસ્તારમાં ખૂબ જ ખ્યાતિ પામેલ હતા. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને જોઈને તે તેનું આબેહૂબ ચિત્ર બનાવી શકતા.
તેના ચિત્રમાં કોઈ પણ વ્યક્તિના મુખારવિંદના એવા ભાવ ઉપસતા કે જોતાં જ એમ લાગે તે ચિત્ર નથી પરંતુ જીવંત વ્યક્તિ છે અને તેનું નિરીક્ષણ કરીને જોતાં જ એમ લાગે છે આ વ્યક્તિ હમણાં બોલશે. અભિનેત્રી બાલામણીની એવી ઈચ્છા હતી કે રાજા રવિવર્મા એક કુશળ અને પ્રસિદ્ધ ચિત્રકાર છે તો એ મારું ચિત્ર બનાવે. એમણે બે-ત્રણ વાર આ ચિત્રકાર આગળ પોતાની ઈચ્છા જણાવતાં કહેલું કે, 'હું ઈચ્છું છું કે તમે મારું ચિત્ર બનવો.' પરંતુ રાજા રવિવર્મા આ વાતને ટાળી દેતા અને તેની વાત પર ધ્યાન ન દેતા. ચિત્રકાર આ અભિનેત્રીનું ચિત્ર બનાવવાનું નહોતા ઈચ્છતા કારણ કે તે અભિનેત્રીને જોતાં તેનું ચિત્ર બનાવવાના કોઈ ભાવ ઉઠતા ન હતા. એનું ચિત્ર બનાવવા માટે ભીતરથી તેને કોઈ ઋચિ ન હતી. કોઈ પણ કલાકારને એક એવો પણ અભિગમ હોય કે તેને પોતાને અંદરથી કોઈ ચિત્ર બનાવવાનો ભાવ જાગે તો જ તે ચિત્ર બનાવે. આવા કાલાકારોનું એવું હોય છે કે જો ભીતરથી તેને આ કાર્ય કરવાની પ્રેરણા મળે, તેને ભાવ ઉઠે અને તે કલાનું સર્જન કરે તો તેની કલા સફળ બને.
રાજા રવિવર્માને આ અભિનેત્રીનું ચિત્ર બનાવવા માટે સારી એવી રકમ પણ આપવામાં આવશે તેવું કહેણ પણ મોકલ્યું, પરંતુ રવિવર્માએ તે અભિનેત્રીને કહ્યું કે, 'તમારું મુખારવિંદ જોતા મને તમારા ચિત્ર બનાવવાના ભાવ બિલકુલ ઊઠતા નથી અને જો મને ભીતરથી આ અંગે સંકેત મળે તો જ હું સર્જન કરું અન્યથા નહીં, માટે હું તમારું ચિત્ર બનાવવાની ના કહું છું.' અભિનેત્રી બાલામણી નારાજ થઈ ગઈ અને તે તેની આસપાસના લોકો પાસે રાજા રવિવર્માના આ કૃત્યની નિંદા કરવા માંડી. લોકોમાં આ વાત ચર્ચાઈ ત્યારે લોકોમાં રાજા રવિવર્માની નિંદાને બદલે પ્રશંસા થવા માંડી કે, આ ચિત્રકાર છે. માત્ર પૈસા, પદ કે પ્રશંસા માટે તેની કલા તે વેચતો નથી, તેથી સાત્ત્વિક છે, કારણ કે ગમે તેનાં ચિત્રો બનાવવામાં તે તેની પવિત્ર કલા અભડાવતો નથી પરંતુ અંતરઆત્માના અવાજ પ્રમાણે જ કલાનું સર્જન કરે છે.
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની એક હાથનોંધ એવું ફલિત કરે છે કે, કલા કે સાહિત્યસર્જનના ઉદ્દેશમાં શુભ તત્ત્વો હોય તો જ તે સાર્થક. ગાંધીજી કહેતા કે, શીલ એવું સર્જન.
સાહિત્ય અને લલિતકલાઓથી માનવજીવન સભર બને છે, મધુર બને છે, માટે અહીં જીવનમાં કલાઓની આવશ્યકતા નહીં અનિવાર્યતા સ્વીકારી છે. સર્જનશક્તિ ખીલવવા માટે કલ્પનાના વિકાસની એક નિશ્ચિત હદ છે. એ હદ પાર કર્યા પછી કલ્પના નિરર્થક છે. જે કલા દ્વારા સદાચાર અને માનવીય ગુણોનો વિકાસ થાય તે કલાક જ સાર્થક. જે કલાનું પરિણામ ઈન્દ્રિયોના ભોગ-ઉપભોગ અને તૃષ્ણા વધારનારું હોય તો તે કલા સાર્થક નથી. ક્ષણિક આનંદ આપનાર કૃતિનું આયુષ્ય પરપોટા જેવું હોય છે, જે કલાકૃતિ અને કલાકાર કાળના પ્રવાહમાં વિસ્મૃત બની જાય છે. અશ્લીલ કલા કે સાહિત્ય ઈન્દ્રિયોને બહેકાવનારું નૈતિક અધ:પતન કરાવનાર છે. નીતિશાસ્ત્ર એ આવી કલાને નિષેધ કર્યો છે, જેના દર્શન શ્રવણ કે વાંચનથી વિકારભાવ અને દ્વેષભાવ વધે, હિંસા, ઝનૂન, વેરની વસુલાત, બળાત્કાર, છેતરપિંડી, ચોરી-લૂંટ, જીવનમાં વિલાસીતા વધે, વ્યસનો વધે તેવી કૃતિઓ જીવનના મૂળભૂત સંસ્કારોનું ધોવાણ કરી નાખે. સત્ત્વશીલ કલા કે સાહિત્યથી તો જીવનસંસ્કારથી સભર બનશે અને અનેરા આત્મશ્રેય તરફ દોરી જશે. આવી કલા કે સાહિત્ય જીવનનો અમૃતકુંભ છે.








