ઋતુરાજ વસંતનું આગમન વસંત-પંચમી
મહાસુદ.૫ એટલે વસંત પંચમીનો દિન. આ દિવસે વસંતની ઋતુ પ્રર્વત્ત થતી હોય છે. વસંતનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. સુંદર બની જતી આ પ્રકૃતિ વસંતમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃતિ વસંતઋતુમાં વધુ લોભામણી બને છે. જે રીતે યૌવન માનવજીવનની વસંત છે, તો વસંત ઋતુએ સૃષ્ટિનું યૌવન છે. પોતાની અદ્ભૂત સુંદરતાથી વસંત, માનવીની તરફ આકર્ષિત કરે છે. આવી ઋતુ ખીલવાથી ધરતીએ જાણે યૌવન ધારણ કરી લીધું હોય તેમ લાગે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલોની ગોષ્ઠી, ઉપરાંત ફૂલગુલાબી ઠંડીની હસતાં, હસતાં વિદાય. ખરેખર, આ સરસ વાતાવરણમાં માનવી ખૂબ પ્રસન્નતા અનુભવે છે.
મહર્ષિ વાલ્મીકિએ રચેલી રામાયણમાં વસંતઋતુનું અતિમન મોહક, આહ્લાદક વર્ણન કર્યું છે. તો ભગવાન શ્રીકૃષ્ણે પણ ભગવદ્ગીતામાં ઋતુ કુસુમાકર. કહીને ઋતુ રાજ વસંતને પોતાનીજ વિભૂતિગણીને બિરદાવ્યા છે. દેશનાં અનેક કવિઓ એ પોતાની કવિતામાં વસંત પર વિશિષ્ઠ કાવ્યો રચ્યા છે. તો લેખકો પોતાની રચનામાં વસંતનું રસપ્રદ વર્ણન કરતાં થાકતા નથી. વસંત પંચમીથી સંગીતકળા પણ નિખરે છે. ગાયકો આઠ પ્રહર વસંત પરના રાગો આલાપે છે.
વસંત તો શ્રીકૃષ્ણચંદ્રનું ઐશ્વર્ય છે. લત્તાઓથી શોભતી વાટિકાઓમાં રાધાકૃષ્ણ વિહાર કરે છે. શ્રીકૃષ્ણે રાધા-ગોપીઓ સાથેની રાસલીલા વસંતમાં કરેલી. આવા વસંતરાસથી તો શ્રીકૃષ્ણ રસેશ્વર અને રાસેશ્વર કહેવાયા.ભાગવતના દશમ સ્કંધમાં રાધાકૃષ્ણની રાસલીલા જેવી વાસંતી ક્રીડાઓનું સુંદર વર્ણન જોવા મળે છે.
વસંત પંચમીથી જ વસંતોત્સવનો પ્રારંભ થાય છે. વસંતોત્સવ એટલે રાસલીલાનો, પ્રેમવિલાસનો, ગોપી વલ્લભ શ્રીકૃષ્ણને ફૂલોનાં ઝૂલે ઝૂલાવવાનો ફૂલડોલ રંગોત્સવ. વસંત પંચમીએ પુષ્ટિમાર્ગીય મદન-મોહન-મંદિરો-હવેલીઓ 'હવેલી સંગીત'થી ગુંજી ઉઠે છે. ઠાકોરજીનો પાટોત્સવ ઉજવાય છે. શ્રીકૃષ્ણ-હિંડોળાનાં ગીતો ગવાય છે. ત્યારે વસંત રાગ આલાપાય છે. વિવિધ આસનો ફૂલ છડી તથા તેના પાન ડાળખીઓથી શણગારાય છે. વસંતઋતુની પણ પૂજા થાય છે.