Get The App

અવબાહુક અને આયુર્વેદ .

આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
અવબાહુક અને આયુર્વેદ                     . 1 - image


જ્યારે ખભાથી હાથ પૂરી રીતે ઊંચો ન થઇ શકે કે અડધો જ ઊંચો થાય, ખભો આપોઆપ થોડી થોડી વારે ઉંચકાયા કરી, ખભો અને સાથે આખો હાથ ખેંચાયા કરતો હોય તેવું લાગે ત્યારે 'અવબાહુક' રોગ થયો છે તેમ સમજવું જોઇએ.

'અવબાહુક' એ સમાજમાં ૬૦% લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે. ખભા અને હાથની નસો ખેંચાઈને દુ:ખવા માંડે છે. કેટલીકવાર આ ખેંચાણ છેક છાતીની નસો અને મસલ્સ સુધી પણ થતું જોવા મળે છે. ઘણીવાર તો છાતીમાં પણ દુ:ખાવો થાય છે. આ રોગને આયુર્વેદમાં 'અવબાહુક' તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરમાં થતાં ઘણાં બધાં ફેરફારો પૈકીનું એક કારણ 'અવબાહુક' માનવામાં આવે છે.

ખૂબ જ સરળ ભાષામાં સમજાવવું હોય તો કહી શકાય કે, પ્રકુપિત વાયુ ખભાની અંસ સંધિમાં ભરાઈ જાય છે, વળી, કફનું સ્થાન પણ સંધિઓ હોવાથી કફ અંસસંધિમાં પણ રહેલો હોય છે, જેથી 'અવબાહુક' રોગમાં વાત અને કફ બંને દોષો રહેલાં છે. આયુર્વેદમાં દર્શાવેલ 'વિશ્વાચી' નામનાં રોગમાં પણ હાથની પેશીઓ ખેંચાય છે. પરંતુ 'અવબાહુક' અને 'વિશ્વાચી' રોગ માત્ર વાતજન્ય હોય છે, અને તેમાં પીડા અંગુલિતલથી ઉપરની તરફ જાય છે, અને અગ્રબાહુ સુધી આ પીડા સીમિત રહે છે, જ્યારે આથી વિપરીત અવબાહુકમાં વાત અને કફ બંને દોષો રહેલાં છે અને પીડા ખભાનાં મૂળ-અંસસંધિથી શરૂ થઇને અધોગામી હોય છે, તથા સંપૂર્ણ હાથ પર આ પીડા પ્રભાવ પાડે છે.

આધુનિક દ્રષ્ટિએ - Paralysis of the brachiar plexus થી અવબાહુકનું સામ્ય જોવા મળે છે.

અવબાહુક થવાનાં કારણો જોઇએ તો ગ્રીવા કે ડોક પર વાગવું, અક્ષકાસ્થિ કોઈ પણ કારણોસર તૂટવું, અંસસંધિ વિશ્લેષ કે ક્યારેક ખભાનાં મૂળમાં અર્બુદ કે, ગાંઠ થયેલ હોય તો તેનાં દબાણથી ઉક્ત નાડીવાત પર આઘાતને કારણે પણ આ રોગની ઉત્પત્તિ થતી માનવામાં આવે છે.

આ રોગમાં ખભાનાં મૂળ પાસેથી માંસપેશીઓની ક્રિયા ખૂબ ઘટવા લાગે છે. જેથી, હાથનાં હલન-ચલનની ક્રિયામાં ખૂબ તકલીફ ઉભી થાય છે. ઘણી વખત હાથ સીધો કરવામાં કે હાથને પાછળની તરફ લઇ જવામાં પણ ખૂબ કષ્ટ અનુભવાય છે. ઘણી વખત હાથનેં માથા તરફ ઊંચો લઇ જઇ શકાતો નથી અને ખભાથી હાથ જાણે જકડાઈ ગયો હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત, ઘરનાં નાનાં-મોટાં કામો જેવા કે, રોટલી વણવી, કપડાં સુકાવવાં, માથું ઓળળું આવા સામાન્ય કામો કરવામાં પણ ખૂબ જ કષ્ટતા અનુભવાય છે. કેટલીકવાર દર્દીને ખભાનાં મૂળમાં ખૂબ તકલીફ અનુભવાતી હોઈ તે પડખું ફરીને સૂઈ પણ શક્તો નથી. તેણે બીજા પડખે કે પછી ચત્તા જ સૂવું પડે છે. ઘણી વખત દર્દીને નાની અમથી વસ્તુ ઉંચકવામાં પણ અસમર્થતા લાગે છે.

અવબાહુક રોગ માટે આયુર્વેદમાં ઘણાં જ ઉપચારો બતાવવામાં આવ્યાં છે. જેમાં સૌ પ્રથમ તો

અવબાહુક માટે 'અગ્નિકર્મ' શ્રેષ્ઠ છે. આ સારવારથી એક જ સીટીંગમાં ૩૦% જેટલો દુ:ખાવામાં આરામ પડી જાય છે. આ પધ્ધતિમાં વાયુનું શમન થવાથી તુરંત દર્દમાં રાહત મળે છે.

આ ઉપરાંત 'રોલર થેરાપી' પણ આ રોગ માટે અસરકારક ઇલાજ સાબિત થઇ શકે છે.

જો ઔષધોપચારની વાત કરીએ તો, કપૂરકાચલીનું ચૂર્ણ બનાવી પાણી સાથે ખૂબ લસોટવું, પછી તેની ચણા જેવડી ગોળીઓ બનાવી સૂકવી લેવી. આ ગોળી એક એક સવાર-સાંજ લેવી. જો ખભાનું ખેંચાણ કે પીડા ખૂબ વધારે હોય તો વૈદ્યની સલાહ મુજબ તે વધારી પણ શકાય છે.

આ ઉપરાંત મહારાસ્નાદી ક્વાથમાં ૧ ચમચી કેસ્ટર ઓઇલ મેળવીને દર્દીને આપવું. આભ્યાંતર ઔષધોપચાર વૈદ્યની સલાહ મુજબ જ કરવો. આભ્યાંતર ઔષધોપચારમાં બૃહતવાતચિંતામણી રસ, યોગેન્દ્ર રસ કે એકાંગવીરરસ જેવાં ઔષધો નિષ્ણાંતની સલાહ મુજબ આપી શકાય છે. આ ઉપરાંત સિંહનાદ ગુગળ અને યોગરાજ ગુગળ પણ અવબાહુકમાં સારું પરિણામ આપે છે. 'અવબાહુક'માં સરળ કસરતો, યોગનાં આસનો કે હાથ અને ખભાની ફીઝીયોથેરાપી પણ આ રોગમાં સારું પરિણામ આપે છે. આ ઉપરાંત બીજો એક સરળ ઉપાય સૂચવું છું, રાત્રે ૧ તોલો મેથી ૧ કપ પાણીમાં પલાળવી, સવારે તેમાં ૨થી ૩ ગ્રામ સૂંઠ અને ૧૦ ગ્રામ ગોળ નાખી ઉકાળવી, મેથી બરાબર બફાઈ જાય પછી ઉતારી, ગાળી, નવશેકી ગરમ ગરમ હોય ત્યારે તેનો ઉકાળો પીવાથી શરીરનો બધો જ આમ ઝાડા વાટે નીકળી જશે, અને પકડાઈ ગયેલ હાથ એકદમ છૂટો થઇ જશે.

આ રોગમાં દર્દીએ ખોરાકમાં મગ-ભાત, ખીચડી જેવો સાદો ખોરાક જ લેવો. લસણ, આદું વગેરેનું સેવન લાભદાયી છે.

યોગ્ય ઔષધ અને આહારની સાવધાની આ રોગમાંથી ચોક્કસ મુક્તિ અપાવે છે.

Tags :