શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા
આરોગ્ય પ્રશ્નોત્તરી - વત્સલ વસાણી
એલર્જિક ખાંસી, શરદી, કફ, રાત્રે ખાંસી વધે ત્યારે શ્વાસ ચડે, ગભરામણ થાય
* શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા
પ્રશ્ન : મારી ઉંમર હાલ ૩૪ વર્ષની છે અને હું 'સહિયર'માં આવતી 'આરોગ્ય પ્રશ્નોત્તરી' નિયમિત વાંચું છું. છેલ્લા બે ત્રણ વર્ષથી હું ખૂબ જ રીબાઉં છું. મને શેની બીમારી છે તે ખબર પડતી નથી. ડોકટરની દવા કરી પણ રોગ મચક આપતો નથી. છેલ્લા બે ત્રણ વર્ષથી મને સાથળ પર ચકામા જેવું થાય છે. પહેલાં જરા, લાલ ટપકાં જેવું લાગે, જાણે મચ્છર કરડી ગયું હોય તેવું લાગે. પછી તે ધીમે ધીમે ફેલાતું જાય અને પછી ખંજવાળવાનું પણ ખૂબ મન થાય. જાત પર કાબૂ રાખવા છતાં ઘણીવાર ખૂબ ખંજવાળાઇ જાય છે. હવે મને બગલ પાસે પણ આવું થવા માંડયું છે. મેં ડોકટરને બતાવ્યું તો ડોકટરે દસ દિવસનો દવાનો કોર્સ કરાવ્યો.
દવા લીધી ત્યાં સુધી ઠીક પણ ફરી પાછું એનું એ જ. મને ખ્યાલ છે ત્યાં સુધી સવારે નથી થતું પણ બપોર પછી જ થાય છે. પહેલાં ટપકાં જેવું લાગે. સાથળ પર જરા સોજો આવે. ઘણીવાર એ ભાગ પણ જાણે કડક થઇ જાય અને બધાં ટપકાં મોટા થઇને આખા સાથળ પર ફેલાઇ જાય. હું ત્યાં ઘણીવાર ટેલ્કમ પાવડર લગાડું છું. થોડી રાહત લાગે રાત્રે સૂઇને ઊઠું ત્યારે ગાયબ થઇ જાય. પણ પાછું બીજા દિવસે ચાલુ થઇ જાય. કોઇક વાર જરાક થાય તો કોઇક વાર ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે અને મટી ગયા પછી તે ભાગ જાણે કાળો પડતો જાય છે. 'ગુજરાત સમાચાર'માં તમારા લેખ વાંચીને મહામરિચ્યાદિ તેલ લગાવી જોયું. તો આ તેલ સાથળ પર તકલીફ થાય ત્યારે જ લગાવું કે પછી રોજ લગાડવું ?
બીજું મેં બે ત્રણ ડોકટરને બતાવ્યું છે. એવું નથી કે બેસી રહી છું. પણ એમણે સૂચવેલા કોઇ જ ઈલાજ કારગત નથી થયા અને આથી જ થાકીને આપને કોઇ ઈલાજ સૂચવવા વિનંતી કરી રહી છું. દરેક ડોકટરના અલગ અલગ અભિપ્રાય હોય છે. અને આથી હવે તો હું કંટાળી ગઇ છું. કાલે ઊઠીને મારા લગ્ન થશે તો મારા Husband accept કરશે કે નહીં તે ચિંતા ખૂબ જ સતાવે છે.
બીજું હું રોજ બે દિવસને આંતરે લીંબુનું શરબત પીઉં છું. તો મારાથી લીંબુનું શરબત પીવાય કે નહીં તે જણાવશો.
- એક યુવતી (નવસારી)
ઉત્તર : પત્રમાં લખેલી તમારી તકલીફને ધ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
સૌથી પહેલાં તો તમે લીંબુ શરબત પીવાનું બંધ કરો. દહીં, ટમેટા, શિખંડ, લીંબુ, જમરૂખ, ખાટાં તમામ ફળ, કેરાનું અથાણું, લીંબુનું અથાણું તથા હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા તથા તથા ખાટાં પીણાં પીવાથી આ રોગ વધે. અને વકરે છે. એ જ રીતે આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ ઢીમચાં અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રિની ઠંડક અથવા એરકન્ડીશન્ડના કારણે પણ રાત્રે આ શીળસ, શીતપિત્ત અથવા તો અર્ટિકેરિયાની તકલીફ ચાલુ થઇ જાય છે.
ટૂંકમાં તમને લાલ ચકામા, ઢીંમચા અને ખંજવાળની જેમ તકલીફ થાય છે તેનો ઈલાજ આ પ્રમાણે છે.
(૧) સારી ફાર્મસીનું હરિદ્રાખંડ લાવી સવારસાંજ એક એક ચમચી ફાકી જવું. હરિદ્રાખંડમાં હળદર, દારૂહળદર, નસોતર, નાગરમોથ, અજમો, અજમોદ, ચિત્રકમૂળ, કુડુ, સફેદ જીરૂ, પીપર, સૂંઠ, નાની એલચી, તજ, તમાલપત્ર, વાવડિંગ, ગળો, અરડૂસી, કઠ (ઉપલેટ), હરડે, બહેડા, આમળાં, ચવ્ય, ધાણા, લોહભસ્મ, અભ્રકભસ્મ અને ખાંડ વગેરે સત્તાવીસ ઔષધોનું સંયોજન હોય છે. આ ઔષધ સ્વાદિષ્ટ હોય છે. રોજ સવારસાંજ એકથી બે ચમચી લેવામાં આવશે તો આપની તકલીફ અવશ્ય જશે.
(૨) આ સિવાય એક ઘરગથ્થુ પ્રયોગ આ પ્રમાણે છે :
અજમો, મરી અને હળદરનું સમભાગે ચૂર્ણ લઇ જૂના ગોળમાં મેળવી સોપારી જેવડી ગોળી વાળી સવારસાંજ બે બે ખાવી.
કાળા મરી (તીખા)નું ચપટીક ચૂર્ણ ચોખ્ખા ઘીમાં મેળવી સવારસાંજ ચાટી જવાથી પણ લાભ થાય છે.
(૩) મહામરિચ્યાદિ તેલની રોજ સાંજે અથવા તો તકલીફ થાય તે પહેલાં માલિશ કરવી. તકલીફ જડમૂળથી જાય ત્યાં સુધી આ બધા ઉપચાર ચાલુ રાખવા.
* એલર્જિક ખાંસી, શરદી, કફ; રાત્રે ખાંસી વધે ત્યારે શ્વાસ ચડે, ગભરામણ થાય.
પ્રશ્ન : મારી ઉંમર ૧૯ વર્ષની છે અને વજન ૩૮ કિલો છે. મને છેલ્લા ત્રણ વર્ષથી એલર્જિક ખાંસીની તકલીફ છે. ઠંડી હવા, ધૂળ, ધૂમાડાથી મને ખાંસીની તકલીફ થાય છે. ખાંસી થતાં જ શરદી અને કફની તકલીફ વધી જાય છે. અને ખાંસી તો વધારે આવે તો ઉલટી પણ થઇ જાય છે. ઠંડા વાતાવરણમાં અને ખાસ કરીને રાત્રે આ તકલીફ વધારે થાય છે. સીઝન બદલાય ત્યારે તો ખૂબ જ તકલીફ થાય છે. ખાંસી વધારે થાય ત્યારે શ્વાસ ચઢી જાય છે. અને ગભરામણ પણ થાય છે.
છાતીમાં ખૂબ જ દુ:ખવા લાગે છે. મેં એલોપેથિક દવાઓ લીધી છે પણ જ્યાં સુધી દવા લઉં ત્યાં સુધી સારું રહે છે અને દવા બંધ કરતાંની સાથે જ ફરી ચાલુ થઇ જાય. ડોકટર કહે છે કે આ એલર્જી તો જીવીશ ત્યાં સુધી ચાલુ રહેશે તો શું આ વાત સાચી છે ? હું ગભરાઇ ગઇ છું. આટલી નાની ઉંમરે આવી તકલીફ થવાથી મારા મમ્મી પપ્પાનું ટેન્શન પણ વધી ગયું છે. તો સાહેબ, મારું આ દર્દ જડમૂળથી જાય એવી સારવાર સૂચવવા વિનંતી.
- એક યુવતી (વેજલપુર, જિ. પંચમહાલ)
ઉત્તર : સાચી સમજણના અભાવે અને તાત્કાલિક રાહત મેળવવાના લોભમાં થતી કુચિકિત્સાના કારણે જ તમારા જેવી નાની ઉંમરના અને યુવાન કહી શકાય એવા લોકો જિંદગીભર ખસે નહીં એવા એલર્જિક ખાંસી અથવા તો એલર્જિક બ્રોન્કાઇટિસના રોગમાં ફસાય છે.
હજુ પણ જો તમે ચેતી જાવ અને સાહસ કરી સમજણપૂર્વકની સાચી સારવાર કરો તો જીવો ત્યાં સુધી રહેનારા આ વ્યાધિને મૂળમાંથી ઉખેડીને ફેંકી શકો છો. હું તો વારંવાર કહું છું કે શરદી કે કફ થાય તો ઉતાવળ કરીને કફને સૂકવનારા ઔષધો ન લો. થોડી ધીરજ રાખી, ભલે વાર લાગે તો પણ શરદી, સસણી, ખાંસી અને શ્વાસના રોગને મૂળમાંથી મટાડે એવી જ સારવાર લો. ઔષધો આ પ્રમાણે સૂચવું છું.
(૧) કંટકારિ અવલેહ અથવા તો ભાર્ગીગુડ અવલેહ બે બે ચમચી સવારસાંજ ચાટી જવો.
(૨) શ્વાસકુઠારરસ ૧ ગોળી, ચંદ્રામૃત રસ ૧ ગોળી, કફકુઠાર રસ ૧ ગોળી, શ્વાસકાસ ચિંતામણી રસ ૧ ગોળી બારીક વાટી મધમાં મેળવીને ચાટી જવું. સવારસાંજ આ પ્રયોગ ચાલુ રાખવો.
(૩) છાતીમાં કફ જામી જવાથી ખાંસી આવે અને ખૂબ ખાંસવા છતાં કફ છૂટો ન પડે તો છાતી, પીઠ અને પડખા પર પંચગુણ તેલ લગાવી હીટીંગપેડથી અથવા તો ગોટાથી શેક કરવો.
(૪) કફ સૂકાઇ જવાથી ખાંસી આવતી હોય અને કફ છૂટો ન પડતો હોય તો ઉપયોગી થાય એવું એક ઔષધ છે. શૃંગ્યાદિ ચૂર્ણ સવારસાંજ એકથી બે ગ્રામ જેટલું ચૂર્ણ મધ સાથે ચાટી જવાથી ખાંસી, શ્વાસ અને શરદી મૂળમાંથી જશે. શૃંગી એટલે કાકડાશિંગી વગેરે સોળ દ્રવ્યોના સંયોજનથી આ ઔષધ બને છે. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડા, આમળાં, નાની ભોંયરીંગણી, ભારંગમૂળ, પુષ્કરમૂળ, જટાંમાસી, કાકડાશિંગી, સિંધવ, સંચળ, બીડલવણ, સમુદ્રલવણ (મીઠું) અને સાંભરલૂણ (ગડ) આ સોળ દ્રવ્યો સમભાગે લઇ તેનું બારીક ચૂર્ણ બનાવવું. સવારસાંજ બે ગ્રામ જેટલું ચૂર્ણ મધ અથવા તો નવશેકા પાણી સાથે લેવાથી ફેફસામાં ચોંટેલા કફને ખોતરી, ઉખેડીને ખાંસી તથા શ્વાસને મૂળમાંથી મટાડશે.
(૫) ઉંમરના પ્રમાણમાં તમારું વજન ઓછું કહેવાય. આથી ખાધેલો ખોરાક પચે, ભોજન પ્રત્યે રુચિ થાય અને પરિણામે લોહી, માંસ, મેદ વગેરે ધાતુઓ વધે એ માટે જમ્યા બાદ બે બે ગોળી ચિત્રકાદિવટી તથા લશુનાદિવટીની ચૂસી જવી. જમતાં પહેલાં કુમળા આદુની કચુંબરમાં થોડું મીઠું મેળવી થોડીક કચુંબર ચાવી જવી. ચાર ચમચી અશ્વગંધારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પી જવું.
ખોરાકમાં દહીં, શિખંડ, આઇસક્રીમ, ગોળ, મિઠાઇ, પપૈયા સિવાયના તમામ ફળ, ચીઝ, બટર, પનીર, ઠંડા પીણાં વગેરે બંધ કરી દેવું. લસણ, આદુ, ફુદીનો, કોથમીરની ચટણી તથા પચવામાં હળવા હોય તેવા રુચિકર પદાર્થો લેવા. મગ, ભાત, ખીચડી, કઢી, દાળ, રોટલી, ભાખરી, મમરા, ખાખરા તમારા માટે પથ્ય છે. બાજીરનો રોટલો, રીંગણનો ઓળો પણ તમારા માટે પથ્ય છે.