Magazines

'અર્જુનનો પુત્ર મોહ' .

By GS TEAM
3 Jun 20262 mins read
'અર્જુનનો પુત્ર મોહ'                                             .

અર્જુનની ગેરહાજરીમાં કૌરવો દ્વારા ગોઠવાયેલા સાત કોઠાના યુધ્ધમાં તેના પુત્ર અભિમન્યુને અનીતિપૂર્વક હણવામાં આવ્યો. આ સમાચાર સાંભળતાં અર્જુન વિલાપ કરવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનનો પુત્રમોહ ભંગ કરવા તેને એક પોપટના પાંજરા પાસે લઈ જાય છે.

ભગવાન અર્જુનને કહે છે : આ પોપટના દેહમાં તારા પુત્ર અભિમન્યુનો આભા છે. આક્રંદ કરતાં પોપટને બેટા, અભિમન્યુ કહીને પોકારે છે. ત્યારે પોપટને વાચા ફુટે છે.

હે અર્જુન. તું પુત્ર મોહમાં આટલો આશક્ત કેમ છે ? કોઈ જીવ જન્મે છે. તેનું મૃત્યુ નિશ્ચિત છે. તારે આ રીતે મારી પાછળ આવવું નહિ. કારણ કે તું અત્યારે મને હે પુત્ર... હે પુત્ર કરીને પોકારે છે. તે મારૃં અભિમન્યુ નામ ધારી ખોળીયું તો હું તારી પાસે મૂકીને આવ્યો છું.

જો તું પુનર્જન્મમાં માનતો હોય તો... હું તારો આ જન્મમાં પુત્ર બન્યો. એ રીતે તું મારો બાપ બન્યો. પરંતુ પૂર્વના અનેક જન્મોમાં હું તારો બાપ રહી ચૂક્યો છું. માટે હે અર્જુન, તું હવે શાંત થઈ જા. પુત્રમોહમાં રહેલી તારી આશક્તિ છોડ.

ચોયાર્સી લાખ યોનિઓમાં ભટક્તો આ આત્મા અજર છે, અમર છે અવિનાશી છે. તે કોઈનો બાપ, પુત્ર, ભાઈ, બહેન કે ગુરુ-ચેલા જેવા સંબંધે જોઈ રહ્યો છે. તેવું કાંઈ નથી. પ્રકૃતિ અને પુરુષના સંયોગે થઈને જન્મેલા આ પિંડને તું જન્મતો. વિકસીત થતો અને મરણને શરણ થતો જોઈ રહ્યો છે. તે તો માત્ર પ્રકૃતિની માયા છે. તેથી આવા ક્ષણ ભંગુર દેહની માયાને છોડવામાં જ તારું હિત છે.

ભગવાનની આ માયાને (શ્રીકૃષ્ણ લીલાને) મોટા યોગીઓ પણ પાર પામી શક્યા નથી. માટે મારે કે તમારે આપણી વિપરીત જ્ઞાનવાળી સમજણ ઉપર ભરોંસો ના કરવો.

પુત્ર, પુત્રી, મા-બહેન, બાપ, ભાઈ, ભત્રીજા, મામા કે ગુરુ, ચેલા જેવા સ્વજનો આપણી સામે રમી રહેલા દેહધારી પાત્રો તણખલાંની જેમ આ વહેતા પાણીના પ્રવાહમાં ભેગાં થાય છે અને કાળની થપાટ લાગતાં છૂટાં પડે છે. તેમ આપણે આપણાં કહેવાતાં સ્વજનોથી એક દિવસ છૂટાં પડવુ પડશે. માટે આવા ક્ષણભંગુર સંબંધોના મિલનને કે વિયોગને સહજભાવે સ્વીકારતાં શીખવું. પરમાત્માની લીલા કલાને માણતાં શીખવું.

આપણા આર્શદ્રષ્ટા ઋષિઓએ વેદો, ઉપનિષદો, ભાગવત, મહાભારત, રામાયણ અને ગીતા જેવાં અનેક પુસ્તકો દ્વારા આપણને જીવન જીવવાની રીત સમજાવી છે. તેમના વિચારોને આત્મસાત કરીને જીવનને મંગલકારી બનાવીએ.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય