Magazines

અર્જુન રામપાલઃ મારી પુત્રીઓ અને ગર્લફ્રેન્ડ વચ્ચે પાક્કાં બહેનપણાં છે...

By GS TEAM
19 Mar 20264 mins read
અર્જુન રામપાલઃ મારી પુત્રીઓ અને ગર્લફ્રેન્ડ વચ્ચે પાક્કાં બહેનપણાં છે...

- 'મારા માટે લગ્ન નિષ્ફળ જવા એ બહુ મોટી વાત હતી. આજે જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે મેં કેવી કેવી ભૂલો કરી હતી.' 

આજકાલ અર્જુન રામપાલ ન્યુસમાં છે. ધુરંધર ફિલ્મની સફળતાને પગલે તેણે ભજવેલી ભૂમિકાની પણ નોંધ લેવાઇ છે. પરંતુ અર્જુન રામપાલે પણ આ સમયગાળામાં એક રસપ્રદ જાહેરાત કરી છે. હાલ અર્જુન અનેક પોડકાસ્ટર્સને તેની મુલાકાતો આપતો રહે છે. આવી જ એક મુલાકાતમાં અર્જુને જાહેરાત કરી છે કે તે તેની છ વર્ષ જુની પાર્ટનર ગેબ્રિયેલા સાથે સગાઇ કરી લીધી છે. આજકાલ અર્જુન ગેબ્રિયેલાને પોતાની ફિયાન્સી ગણાવે છે. પરંતુ અર્જુન રામપાલનો પ્રથમ પ્યાર તો મેહર જેસિયા હતી. અર્જુન અને મેહર જેસિયાની લવ સ્ટોરી હિન્દી સિનેમાની કોઇ લવ સ્ટોરીથી કમ નથી. 

મેહર જેસિયા ૧૯૮૬માં મિસ ફેમિના ઇન્ડિયાનો તાજ જીતી હતી. એ સમયે તેની મોડેલિંગની કારકિર્દી સફળ હતી. તે ટોચના ડિઝાઇનર્સ સાથે કામ કરતી હતી અને ફેશન મેગેઝિન સર્કલમાં તેનો દબદબો હતો. બીજી તરફ અર્જુન રામપાલ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. એ સમયે ફિલ્મી પાર્ટીઓ અને ઇન્ડસ્ટ્રીઓની ઇવેન્ટ મોડેલ્સ અને ડિઝાઇનર્સ માટે મળવાના સ્થાન બની રહેતા હતા. આવી જ એક પાર્ટીમાં મેહર અને અર્જુન એકમેકને મળ્યા હતા. બંને યુવાન અને મહત્વાકાંક્ષી હતા એટલે બંનેનું મળવાનું પ્રેમમાં પલટાયું. ૧૯૯૮માંં અર્જુન અને મેહરના લગ્ન થયા એ સમયે અર્જુનની વય માંડ ચોવીસ વર્ષની હતી. 

એક પોડકાસ્ટમાં આ બાબતે અર્જુને જણાવ્યું હતું કે મને લાગે છે કે મેં વહેલાં લગ્ન કરી લીધાં હતા. જ્યારે તમે યુવાન હો ત્યારે તમારે ઘણું શીખવાનું હોય છે. તમારે પરિપક્વ બનવાનું હોય છે. સામાન્ય રીતે યુવતીઓ યુવાનો કરતાં વહેલી પરિપક્વ બની જાય છે. યુવાનો આ મામલે ધીમાં હોય છે. જો તમારે સફળ લગ્નજીવન જોઇતું હોય તો તેની રાહ જુઓ. હું એક ઘરભંગ થયેલાં પરિવારમાંથી આવતો હોઇ મારા માટે લગ્ન સફળ ન થવું એ મોટી વાત બની રહી હતી. આજે જ્યારે હું પાછું વળીને જોઉં છું તો જણાય છે કે મેં કેવી ભૂલો કરી હતી. હું મારી ભૂલોની જવાબદારી સ્વીકારું છું. 

અર્જુન રામપાલ અને મેહર જેસિયાના ૧૯૯૮માં લગ્ન થયા હતા. બે દાયકા બાદ ૨૦૧૮માં તેઓ અલગ થઇ ગયા અને નવેમ્બર ૨૦૧૯માં તેમના ડાઇવોર્સ પણ થઇ ગયા. પણ આ બે દાયકાના લગ્નજીવન દરમ્યાન અર્જુન અને મેહર બે કન્યા રત્નો માહિકા અને માયરાના માતાપિતા પણ બન્યા. પોતાના સંતાનોની વાત કરતાં અર્જુન કહે છે, દરેક સંતાનનો જન્મ એક ચમત્કાર સમાન હોય છે. જ્યારે માહિકાનો જન્મ થયો ત્યારે હું યુવાન હતો અને ભવિષ્ય ઘડવામાં વ્યસ્ત હતો. હું ઇચ્છતો હોવા છતાં પણ તેને સમય આપી શકતો નહોતો. 

બીજી તરફ મેહરે લગ્ન બાદ પોતાની પારિવારિક જવાબદારીઓ પુરી કરવા માટે મોડેલિંગની દુનિયાને બાય બાય કરી દીધું. માહિકા અને માયરા બંને વિદેશમાં ભણી છે અને હાલ તેમના માતાપિતાની જેમ ફિલ્મી દુુનિયામાં તેમનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. પણ જ્યારે અર્જુન અને મેહર અલગ થયા ત્યારે બંને પુત્રીઓ માટે એ સમયગાળો મુશ્કેલ બની રહ્યો હતો. પણ આજે બંને પુત્રીઓ જે કાંઇ છે તેમાં મેહરનો ફાળો મોટો છે તે બાબત અર્જુન સ્વીકારે છે અને મેહર એક ઉત્તમ માતા પુરવાર થઇ છે તેમ ગર્વથી જણાવે છે.  દરમ્યાન અર્જુનના જીવનમાં એક ઓર મોડેલ ગેબ્રિયેલાનું આગમન થઇ ચૂક્યુ હોય છે. લગભગ સાત વર્ષથી ગેબ્રિયેલા અર્જુનની પાર્ટનર બની રહી છે. મજાની વાત એ છે કે કોઇ સામાજિક કરાર વિના એકમેક સાથે રહેતાં અર્જુન અને ગેબ્રિયેલાને બે પુત્રો છે. પ્રથમ પુત્ર આરિકનો જન્મ ૨૦૧૯માં અને બીજા પુત્ર આરિવનો જન્મ ૨૦૨૩માં થયો છે. આજે આરિક સાત વર્ષનો અને આરિવ ચાર વર્ષનો છે. મજાની વાત એ છે કે અર્જુન રામપાલના ચારે સંતાનોને એકમેક સાથે સારું બને છે. 

અર્જુને ગેબ્રિયેલા સાથેના સંબંધો વિશે વાત કરતાં એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે આખરે લગ્ન એ શું છે? એક કાગળનો ટુકડો. હું અને ગેબ્રિયેલા એકમેક પર કોઇ દબાણ કર્યા વિના કે કોઇ નામ વિનાના સંબંધો બાંધવામાં માનીએ છીએ. મને લાગે છે કે અમે એકમેકને પરણી ચૂક્યા છીએ. મારા મનમાં તો તેના વિશે કોઇ શંકા નથી. પણ ઘણીવાર એ કાગળના ટુકડાને કારણે એક એવી ગલતફહેમી ઉભી થાય છે કે તમારું લગ્નજીવન કાયમી છે. પણ આ ખોટો ખયાલ છે અને હકીકત એ હોય છે કે તમે કાનુની રીતે બંધાયેલાં હો છો. 

હાલ અર્જુન જેની સાથે પાર્ટનર તરીકે રહે છે તે ગેબ્રિયેલા ડિમિટ્રિયાડેસ મૂળમાં તો વિદેશી છોકરી છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલી અને ઉછરેલી ગેબ્રિયેલા સોળ વર્ષની વયે મોડેલ તરીકે કામ કરવા માંડી હતી. પણ બાદમાં તે ગાઉતેંગમાં આવેલી સન્નીસાઇડ યુનિવર્સિટીમાં ફેશન ડિઝાઇનિંગ ભણી. એ પછી કિસ્મતના ખેલ કે તે મોડેલ તરીકે મુંબઇમાં આવી. ભારતમાં તેણે  ઘણી ફિલ્મો તથા મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું છે. તેની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ ડેમે પણ છે. 

મજાની વાત એ છે કે અર્જુન રામપાલની બંને દીકરીઓને ગેબ્રિયેલા સાથે સારું બને છે. બંને ગેબ્રિયેલાને ઓરમાન મા નહીં પણ પોતાની સહિયર માને છે. અર્જુન રામપાલના ચારે સંતાનો ને એકમેક સાથે સારું બને છે. હવે ધુરંધરમાં સફળતા મળવાને પગલે અર્જુન રામપાલે એક સારું કામ એ કર્યું છે કે તેણે લગ્નની ડાહી ડાહી વાતો કર્યા બાદ પણ ચૂપચાપ ગેબ્રિયેલાની આંગળીમાં સગાઇની વીંટી સરકાવી દીધી છે. દેર આયે દુરસ્ત આયે. જય ગોરબાપા!