Magazines

અર્જુન રામપાલઃ ફિલ્મો હોય કે ડીજે નાઈટ્સ, પોતાના જ તાલમાં મસ્ત

By GS TEAM
28 May 20264 mins read
અર્જુન રામપાલઃ ફિલ્મો હોય કે ડીજે નાઈટ્સ, પોતાના જ તાલમાં મસ્ત

- અર્જુનના મંતવ્યો એક કલાકારના વૈચારિક અને આત્મિનિરીક્ષણાત્મક પાસાને દર્શાવે છે અને ઉજાગર કરે છે કે કેવી રીતે તેની રુચિઓ સિનેમાથી આગળ વધીને સંગીત, લાઈફસ્ટાઈલ અને કલાત્મક કદર સુધી વિસ્તરે છે.

- ઓર્જુન રામપાલ લાંબા સમયથી પોતાની સ્ક્રીન હાજરી અને બિનપરંપરાગત વ્યક્તિત્વ માટે પ્રસિદ્ધ છે, પણ તાજેતરના વર્ષોમાં તેના અંગત જીવને પણ એટલું  જ ધ્યાન ખેંચ્યું છે. ૨૦૧૮થી અર્જુન ગેબ્રિલા ડેમેટ્રિયાડેસ સાથે સંબંધમાં છે અને બંનેએ સાથે મળીને આજે જેને આધુનિક મિશ્રિત પરિવાર કહી શકાય તેનું ઘડતર કર્યું છે. કપલને આરિક અને આરિવ નામના બે પુત્રો છે અને તેમણે લગ્ન ફરતે વિંટળાયેલી પરંપરાગત અપેક્ષાઓ અનુસરવાની બદલે પોતાની શરતે તેમનો સંબંધ ઘડવાનું નક્કી કર્યું.

ડિસેમ્બર ૨૦૨૫માં અર્જુને ગેબ્રિલા સાથે સગાઈ થઈ હોવાની જાણકારી એક પોડકાસ્ટ પર આપીને ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા. તેણે માત્ર એટલું જ કહ્યું, એક સમયે એક જ પગલુ. તેના આ વાક્યમાં કપલે અપનાવેલા સૌમ્ય અને પરિપકવ અભિગમ પ્રતિબિંબિત થાય છે.

અંગત જીવન ઉપરાંત તાજેતરમાં ગુરુગ્રામમાં એક નાઈટક્લબમાં ડીજે તરીકે પોતે પરફોર્મ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અર્જુન ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અનેક લોકોએ તેના આત્મવિશ્વાસ અને સંગીતમય ઊર્જાની પ્રશંસા કરી તો અન્યોએ તેનો પરફોર્મન્સ ખરેખર વાસ્તવિક હતો કે માત્ર સ્ટન્ટ હતું તેવા સવાલ ઉઠાવ્યા.

અટકળોનો જવાબ આપતા અર્જુને સ્પષ્ટતા કરી કે છેક ટીનેજ વર્ષોથી સંગીત તેના જીવનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. તેણે જાણકારી આપી કે માત્ર ૧૭ વર્ષની વયથી તે ઈલેક્ટ્રોનિક સંગીતમાં રસ લઈ રહ્યો છે અને તેની પાસે વર્ષોથી ડીજે પણ છે. અર્જુનના મતે ઈલેક્ટ્રોનિક સંગીત તેનો કામચલાઉ શોખ નથી પણ સમય જતા તેના અનેક હિતો અને મૈત્રીને આકાર આપનાર તેની ગાઢ ધગશ છે.

અર્જુને જાણકારી આપી કે એક સમયે તો તેની પાસે ઈલેક્ટ્રોનિક સંગીતને સમર્પિત નાઈટક્લબ પણ હતી અને તેણે ડીજે સમુદાયમાં નજીકના મિત્રો પાસેથી સઘન તાલીમ મેળવી. શરૂઆતમાં જે અંગત ધગશ સાથે શરૂ થયું તે ક્રમશઃ જાહેર પરફોર્મન્સમાં પરિવર્તિત થઈ ગયું. તેને પરફોર્મ કરતા સાંભળનારા લોકો પોતાના કાર્યક્રમો ખાતે આમંત્રિત કરવા લાગ્યા. અર્જુને નોંધ કરી કે ઈલેક્ટ્રોનિક સંગીતનો એક વફાદાર અને ઉત્સાહિત ચાહક વર્ગ હોય છે અને તેમના પ્રોત્સાહને જ તેને પરફોર્મન્સ ચાલુ રાખવા પ્રેરિત કર્યો. અર્જુને કબૂલ કર્યું કે હાલ તે શક્ય એટલા ડીજે કામ લઈ હ્યો છે કારણ કે એકવાર ફિલ્મી પ્રોજેક્ટમાં વ્યસ્ત થયા પછી તેને લાઈવ પરફોર્મન્સ કરવાનો સમય નહિ મળે. તેના માટે તેનો હાલનો ડીજે તબક્કો કોઈ જાહેરાત કવાયત નથી પણ જીવનભરની ધગશનું પ્રમાણિક વિસ્તરણ છે.

વ્યાવસાયિક મોરચે પણ અર્જુન 'ધુરંધર'ની સફળતા પછી નવેસરથી પ્રશંસા હાંસલ કરી રહ્યો છે. ફિલ્મને મળેલા અભૂતપૂર્વ આવકાર વિશે મંથન કરતા તેણે જણાવ્યું કે માત્ર સફળતા જ રચનાત્મક નિર્ણયો માટેનું નિર્ણાયક પરિબળ ન બની શકે. તેના અનુસાર ફિલ્મના સર્જનમાં સામેલ કોઈને  પણ તેના આખરી પરિણામ વિશે જાણકારી નથી હોતી અને એક કલાકારની એકમાત્ર જવાબદારી પ્રોજેક્ટને પોતાનું સંપૂર્ણ સમર્પણ આપવાની ફરજ હોય છે. અર્જુને ફિલ્મ સર્જક આદિત્ય ધરની એવું રચનાત્મક વાતાવરણ રચવા માટે પ્રશંસા કરી જેમાં પ્રત્યેક વિભાગને રચનાત્મક ફાળો આપવા પ્રોત્સાહન મળતું હતું. અર્જુનના મતે ફિલ્મસર્જન ટેકનિશિયનો, એડિટરો, કોસ્ચ્યુમ ડિઝાઈનરો, સાઉન્ડ ટીમો, મેકઅપ આર્ટિસ્ટ્સ તેમજ લેખકોનો સમાવિષ્ટ કરતો સામૂહિક પ્રયાસ છે. ફિલ્મને આખરી ઓપ આપવામાં આ તમામનું યોગદાન સામેલ હોય છે. અર્જુને ખાસ તો ધુરંધરના તમામ પાસાની પ્રશંસા કરી. તેના મતે સંગીત અનેે એક્શનથી લઈને સ્ક્રીનપ્લે અને ડાયલોગ સુધી તમામ વચ્ચે એટલા માટે ઉત્તમ સહયોગ થયો કારણ કે તમામને નિર્ભયપણે તેમજ રચનાત્મક રીતે કામ કરવાની સ્વતંત્રતા હતી. અર્જુને ધરને એવા ફિલ્મસર્જક તરીકે ગણાવ્યો જે ટીમવર્કનું મહત્વ સમજે છે અને પ્રત્યેકના યોગદાનની કદર કરે છે, પછી ભલે તે નાનુ દેખાતું હોય. અર્જુનના મતે ફિલ્મની સફળતા આ તમામ પરિબળો એકમેક સાથે તાલ મિલાવે તેના પર આધાર રાખે છે.

ફિલ્મ અને સંગીત ઉપરાંત અર્જુને પોતાના અન્ય અંગત શોખ વિશે પણ જાણકારી આપી. તેણે જણાવ્યું કે વૈભવી ઘડિયાળો અને હોરોલોજીમાં પણ તેને રસ છે. અર્જુને કહ્યું કે ઘડિયાળો તેના માટે ફેશન સાધનોથી ઘણુ વધુ છે. તેને યાદ છે કે ઉછેર દરમ્યાન તેને કહેવામાં આવ્યું હતું કે ઘડિયાળ ઉપલબ્ધિ અને સફળતાનું પ્રતીક છે. તેને પ્રથમ ઘડિયાળ મળ્યા પછી થયેલી ગર્વની લાગણી હજી પણ યાદ છે. અર્જુન તેને એક અંગત સીમાચિહ્ન માનતો. સમય જતા, જો કે, વસ્તુઓથી મળતા સન્માનની બદલે તેની કારીગરી અને યાંત્રિકી કલામાં પરિવર્તિત થઈ.

ઘડિયાળોના વિશ્વ વિશે ચિંતન કરતા અર્જુને કહ્યું કે તે આવી ઝીણવટભરી એન્જિનીયરીંગ તેમજ ડીઝાઈનની કદર કરે છે. તેના માટે ઘડિયાળ પહેરવી પ્રતીકાત્મક છે કારણ કે તે સમયનું પ્રતિનિધિત્વ કરે છે. અર્જુનના મતે ઘડિયાળ પાછળની સ્ટાઈલ, યંત્રણા અને કારીગરી પહેરનારના વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે. 

અર્જુનના મંતવ્યો એક કલાકારના વૈચારિક અને આત્મિનિરીક્ષણાત્મક પાસાને દર્શાવે છે અને ઉજાગર કરે છે કે કેવી રીતે તેની રુચિઓ સિનેમાથી આગળ વધીને સંગીત, લાઈફસ્ટાઈલ અને કલાત્મક કદર સુધી વિસ્તરે છે.