Magazines

અર્જન બાજવાની સીધી વાત: આપ ભલા તો જગ ભલા!

By GS TEAM
14 Aug 20253 mins read
અર્જન બાજવાની સીધી વાત: આપ ભલા તો જગ ભલા!

- 'તમે સામી વ્યક્તિને જેવું આપો છો એવું જ તમને પાછુ મળે છે. તમે જો સારા વાઇબ્સ અને પોજિટીવ એનર્જી આપો અને સામી વ્યક્તિને એમ ન લાગવા દો કે હું અસલામતિ અનુભવી રહ્યો છું તો બધુ સારું જ થાય.'

હિન્દી ફિલ્મોમાં બે ભાઈનો રોલ કરનાર એકટર્સ વચ્ચે ક્યારેક ઇગો પ્રોબ્લેમ ઊભો થાય છે. જુની ક્લાસિક ફિલ્મ 'પૈગામ'માં દિલીપકુમાર અને રાજકુમાર વચ્ચે આ સમસ્યા સર્જાતા એમણે દાયકાઓ સુધી એકબીજા સાથે કામ કરવાનું ટાળ્યું. 'આંખેં'માં ગોવિન્દા અને ચંકી પાંડે વચ્ચે આવો જ પ્રોબ્લેમ ઊભો થતા બંનેએ લાંબા સમય સુધી જાહેરમાં એકબીજાની ઠેકડી ઉડાડી હતી. તો શું દરેક ફિલ્મમાં ભાઈનો રોલ કરનાર કો-એકટર્સના અહમ ટકરાય છે? શું એને લીધે સેટ પર ટેન્શન રહે છે? સુપર હિટ ફિલ્મ 'કબીર સિંહ'માં શાહિદ કપૂરના મોટા ભાઈનું પાત્ર ભજવનાર અર્જન બાજવાએ હમણાં આ વિષયમાં વિગતવાર વાત કરી છે. આ બાબતમાં અર્જનનો જાત અનુભવ એટલા માટે વધુ મહત્ત્વનો બની રહે છે કે 'કબીર સિંહ'માં એની શાહિદ સાથેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીની પ્રશંસા થઈ હતી. ઇન્ટરવ્યૂમાં સૌપ્રથમ શાહિદ એક કો-સ્ટાર તરીકે કેવો હતો અને શૂટિંગ દરમિયાન એમની વચ્ચે કોઈ અસલામતિની લાગણી હતી ખરી એ વિશે વાત કરતા બાજવા કહે છે, 'શાહિદ ઇઝ અ ફેન્ટાસ્ટિક મેન. સેટ પર અમારી વચ્ચે બહુ સરસ ભાઈચારો હતો. અમારી વચ્ચે ઘણી બધી વાતો થતી. આમેય એ મારા ફેવરીટ એકટર્સમાંનો એક છે. મને એ એક એક્ટર અને વ્યક્તિ તરીકે બહુ ગમે છે. 'કબીર સિંહ'માં એની સાથે કામ કરવાનો અનુભવ ખરેખર અદ્ભુત બની રહ્યો. એનું કારણ છે એને ખબર હતી કે એ શું કરી રહ્યો છે અને મને હું શું કરું છું એની જાણ હતી. મને લાગે છે કે અમારી વચ્ચેના સહકાર અને સમન્વય તથા કામ પ્રત્યેની અમારી પ્રામાણિકતાનું સ્ક્રીન પર સુંદર પરિણામ જોવા મળ્યું. ખબર નહીં, ફિલ્મના સેટ પર આવું જવલ્લે જ જોવા મળે છે કે નહીં, પરંતુ મેં જે પણ એકટર્સ સાથે કામ કર્યું છે એ સારો અનુભવ બની રહ્યો છે. મારું માનવું છું કે તમે સામી વ્યક્તિને જેવું આપો છો એવું જ તમને પાછુ મળે છે. તમે જો સારા વાઇબ્સ અને પોઝિટીવ એનર્જી આપો અને સામી વ્યક્તિને એમ ન લાગવા દો કે હું અસલામતી અનુભવી રહ્યો છું તો બધું સારું જ થાય. હા, તમે ખોટી ચાલબાજી અપનાવો તો બધાને એની ગંધ આવી જતી હોય છે. મેં લોકોને આવું કરતા જોયા છે. ઉસમેં ફિર બાત નેચરલી બિગડ જાતી હૈ.'

વાતમાં વધુ ઊંડા ઉતરવા અર્જનને એવું પૂછાય છે કે શું 'કબીર સિંહ' જેવા કોઈ બીજા પ્રોજેક્ટમાં, જેમાં શાહિદ જેવા હીરો પર વધુ સ્પોટલાઈટ હોય, તમને ક્યારેય ઇનસિક્યોરિટી ફીલ થઈ છે ખરી? બાજવા એના જવાબમાં ભારપૂર્વક કહે છે, 'મને તો ક્યારેય એવો અનુભવ નથી થયો. કોઈને ઈનસિક્યોરિટી લાગવી પણ ન જોઈએ, કારણ કે તમને ખબર છે કે તમારો રોલ શું છે અને તમારે કેવા સિનારિયોમાં કામ કરવાનું છે. એમાં ખોટું લાગવા જેવું શું છે? બીજુ, તમે સ્ક્રીન પર ક્યુ કેરેક્ટર સાકાર કરવાનો છો, તમારો ફિલ્મમાં લુક કેવો હશે અને તમારું કામ શું એ બધી બાબતોની તમને ખાતરી હોય તો કોઈ પ્રોબ્લેમ નડે નહિ. બીજી એક વાત દરેક એક્ટરને, ટેકનિશિયનને મેન્ટલી અને ઈમોશનલી સંતોષની લાગણી થાય એવો માહોલ ઊભો કરવાનું કામ ડિરેક્ટરનું પણ છે એણે પોતાનું યોગદાન આપવું પડે.'