Magazines

અરિજિત સિંહની સંગીત પ્રતિભાનું ગગન વિશાળ છે : મોહિત સૂરી

By GS TEAM
12 Mar 20263 mins read
અરિજિત સિંહની સંગીત પ્રતિભાનું ગગન વિશાળ છે : મોહિત સૂરી

- 'અરિજિત સિંહ એક ગાયક તરીકે એક સન્માનનીય ઊંચાઇએ પહોંચી ગયો હતો. ચાહકો પોતાને ફક્ત એક ફિલ્મગાયક તરીકે જ યાદ કરે તે બાબત અરિજિત સિંહને જરાય પસંદ નહોતી.'  

યન્દી ફિલ્મ જગતના પ્લેબેક સિંગર નંબર વન અરિજિત સિંહે થોડા દિવસ પહેલાં અચાનક જ નિવૃત્તિ જાહેર કરી  દીધી. અરિજિત સિંહનાં ચાહકો પૂછે  છે કે અચાનક એવું તે શું બન્યું કે  અમારા પ્રિય ગાયકે ગીતો ગાવાની ના કહી દીધી. ગાયન ક્ષેત્રમાંથી નિવૃત્તિ શા માટે  લઇ લીધી ? આ તબક્કો  તો અરિજિત માટે સોનેરી છે.  

બોલિવુડમાંથી પણ જુદા જુદા મંતવ્ય રજૂ થયા છે. 'મર્ડર-૨', 'આવારાપન', 'એક વિલન', 'આશિકી-ટુ', 'સૈયારા' વગેરે સુપરહિટ ફિલ્મોના  દિગ્દર્શક મોહિત સૂરી કહે છે, 'જુઓ, હું અરિજિત સિંહને દસ વર્ષથી ઓળખું છે. એમ કહો કે હું  અરિજિત સિંહને એક ગાયક અને એક  વ્યક્તિ, એમ બંને રીતે  બહુ સારી રીતે જાણું પણ છું. મને અરિજિતની સંગીત પ્રત્યેની નિષ્ઠા અને ઉંડી સૂઝ પ્રત્યે બેહદ સન્માન છે. અરિજિત સિંહે મારી ફિલ્મ 'મર્ડર-ટુ' (૨૦૧૧)નું 'ફિર મોહબ્બત'  ગીત  ગાઇને બોલિવુડમાં એક નવા-પ્રતિભાશાળી ગાયક તરીકે શરૂઆત કરી   છે. ત્યાર બાદ અરિજિતે મારી ફિલ્મ 'આશિકી-ટુ' (૨૦૧૩)માં પણ 'તુમ હી હો' ગીત ગાયું. મ્યુઝિક ડાયરેક્ટર મિથુનની સંગીત ધૂન 'તુમ હી હો' ગીત આખા ભારતમાં બેહદ લોકપ્રિય થયું. સાથોસાથ અરિજિત સિંહ પણ સુપરહિટ થઇ ગયો. બોલિવુડને એક પ્રતિભાશાળી ગાયક મળ્યો. ઉપરાંત, મારી હમણાંની ફિલ્મ 'સૈયારા' (૨૦૨૫)નું  'ધૂન' ગીત પણ અરિજિત સિંહે જ ગાયું છે. રહી વાત અરિજિત સિંહની ગાયક તરીકેની  નિવૃત્તિની. તો ખરું કહું તો મને તેના આ નિર્ણયથી જરાય આશ્ચર્ય નથી થયું કે નથી દુખ થયું. હું અરિજિતના નિર્ણય સાથે વણાયેલી તેની સંવેદનાને જાણી અને સમજી શકું છું.  અરિજિત સિંહ એક ગાયક તરીકે એક સન્માનનીય ઊંચાઇએ પહોંચી ગયો હોવાથી તેને કોઇ એક ચોક્કસ વર્તુળમાં કે મર્યાદામાં બંધાઇ રહેવું ગમતું નહોતું. અરિજિત સિંહની પ્રતિભાનું આકાશ બહુ વિશાળ છે. અને એટલે જ ભારતના સંગીતપ્રેમીઓ અને ચાહકો પોતાને ફક્ત એક ફિલ્મગાયક તરીકે જ યાદ કરે તે બાબત અરિજિત સિંહને જરાય પસંદ નહોતી.' 

બોલિવુડના પ્રયોગશીલ ફિલ્મોના સર્જક મહેશ ભટ્ટના કુટુંબીજન મોહિત સૂરી ઉમેરે છે, 'અરિજિત સિંહના ચાહકો તો એમ જ  વિચારે છે કે બસ, હવે બોલિવુડમાં ગાયિકીના સ્વરૂપમાં પૂર્ણવિરામ  મૂકાઇ ગયું છે.  જોકે આ સાચું નથી. અરિજિત સિંહની સંગીત કલા કંઇ સમાપ્ત નથી થઇ ગઇ. હું તો અરિજિતને બોલિવુડના અચ્છા   મ્યુઝિક  ડાયરેક્ટર પ્રીતમનો એ મદદનીશ હતો ત્યારથી  ઓળખું છું. મને એ જ તબક્કે તેની સંગીત  સૂઝ અને લગનીની જાણ થઇ ગઇ હતી. મેં   અરિજિત સિંહની આ જ સંગીત પ્રતિભાને ધ્યાનમાં રાખીને તેને મારી ફિલ્મ 'મર્ડર-ટુ'(૨૦૧૧)નાં ગીતો ગાવાનું આમંત્રણ આપ્યું હતું. બસ, 'મર્ડર-ટુ' નાં ગીતો સાંભળીને ફિલ્મપ્રેમીઓ રાજીના રેડ થઇ ગયા હતા. પછી તો અમારી દોસ્તી બહુ જામી. અરિજિતે મારી બધી ફિલ્મોનાં ગીતો ગાયાં. સુપરહિટ પણ થયાં.  અરિજિત સંહ  મૂળભૂત રીતે નખશિખ કલાકાર છે... અને કોઇ કલાકારની કલા ક્યારેય સમાપ્ત થતી નથી.' 

 બોલિવુડમાં તો એવી ચર્ચા પણ થાય છે કે  અરિજિત સિંહે એક ગાયક તરીકે  છેલ્લા એક દસકાથી પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. વળી, અરિજિતે મોટા ભાગનાં સેડ સોંગ્ઝ ગાયાં છે.  તેની અમુક મર્યાદા છે  વગેરે વગેરે. મોહિત સૂરી ભારપૂર્વક સ્પષ્ટતા કરતા કહે છે, 'ના, જરાય નહીં.  અરિજિતે તો તમામ પ્રકારનાં ગીતો ગાયાં છે. ઉદાહરણરૂપે અરિજિત સિંહે 'જગ્ગા જાસૂસ' ફિલ્મમાં 'ઉલ્લુ કા પઠ્ઠા' અને 'ગલતી સે મિસ્ટેક' જેવાં રમતિયાળ ગીતો ગાયાં છે. ઉપરાંત, તેણે 'તુમ હી હો' અને 'ચન્ના મેરે આ' જેવાં રોમેન્ટિક ગીતો પણ ગાયાં છે. ખરું કહું તો બોલિવુડના ગાયક-ગાયિકાએ વિવિધરંગી ગીતો ગાવાનાં જ હોય છે. અરિજિત સિંહે બોલિવુડમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનો  કોઇ જ  પ્રયાસ નથી કર્યો, કારણ કે તેને આવી હલકી  કક્ષાની રમત રમવાની કોઇ જ જરૂર નથી.'