અર્ચના પુરણસિંહ : યુટયુબ પર નિયમિત કોન્ટેન્ટ મૂકવું જરાય સહેલું નથી

- 'હું ખાતરી કરવા માગતી હતી કે જ્યારે આપણે પ્રેક્ષકો સાથે કંઈક શેર કરીએ છીએ, દબાણ હેઠળ નહીં, પણ સહજતાથી, ત્યારે તે તેમના સુધી પહોંચે છે કે કેમ. નિયમિતપણે વ્લોગિંગ કરવું ખૂબ અઘરું કામ છે.'
અભિનેત્રી-રિયાલિટી ટીવી જજ અર્ચના પુરણસિંહ અત્યારે તો કોમેડી શોમાં દર્શકોને હસાવવા માટે ઉત્સાહિત કરવા આતુર રહે છે અને લોકો સાથે ખડખડાટ હસે પણ છે. હજુ થોડા સમય પહેલા જ એ ૧૨ લાખના સબ્સ્ક્રાઈબર્સના સીમાચિહ્ન પર પહોંચી હોવા છતાં તેણે પોતાની યુ-ટયુબ ચેનલ 'આપ કા પરિવાર'થી થોડા સમય માટે વિરામ લેવાનો નિર્ણય લીધો છે.
તેના પતિ પરમિત સેઠી અને તેના બે પુત્રો આર્યમાન સેઠી તથા આયુષ્યમાન સેઠીને દર્શાવતા તાજેતરના વ્લોગમાં આ પરિવારે જાહેરાત કરી છે કે તેઓ એક વર્ષથી વધુ નિયમિત કોન્ટેન્ટ બનાવ્યા પછી હવે થોડો વિરામ લેશે. તેમની આ નિર્ણય અંગે વધુ વિગતે જણાવતાં અર્ચના પુરણસિંહ કહે છે, જ્યારે તમે તમારા જીવનને વ્લોગમાં પેશ કરો છો ત્યારે તમે સતત કેમેરા અંગે વિચારતા રહો છો. મારી વ્યાવસાયિક પ્રતિબધ્ધતા સાથે તે હેન્ડલ કરવું જરા અઘરું પડતું હતું. હું ખાતરી કરવા માગતી હતી કે જ્યારે આપણે પ્રેક્ષકો સાથે કંઈક શેર કરીએ છીએ તેમાં અસલી આનંદ હોય, સહજતા હોય, પ્રેશર નહીં.
આ સાથે જ અર્ચના સમજાવે છે કે ફિલ્મો અને ટીવી શોઝના શુટિંગ દરમિયાન નિયમિતપણે વ્લોગિંગ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
પોતાના નિર્ણય પ્રત્યે પરિવારની પ્રતિક્રિયા પર જણાવતાં અર્ચના કહે છે, મારા પરિવારજનો તરત જ મારી મૂંઝવણ સમજી ગયા. તેઓ સતત મારી સાથે પ્રક્રિયાનો ભાગ બની રહ્યા છે. અમારા માટે યુટયુબ એટલે આનંદ, સ્પોન્ટેનિટી અને અમારા જીવનને દર્શકો સાથે પ્રામાણિકપણે શેર કરવું. હું ક્યારેય ઇચ્છતી નહોતી કે તે એવી વસ્તુ બને જે ઉતાવળમાં અથવા દબાણપૂર્વક કરવામાં આવે. અમને સૌને લાગ્યું કે થોભો, આપણે ભવિષ્યમાં વધારે સારા કોન્ટેન્ટ સાથે પાછા ફરીશું.
અર્ચનાની ફેમિલી વ્લોગ ચેનલ ૨૦૨૪ના અંતમાં શરૂ થઈ હતી. તેમાં અત્યારે ૨૬૫ વીડિયો છે. તેના યુટયુબ વીડિયો દ્વારા અર્ચનાએ ચાહકોને તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક આપી છે, એવી ઝલક જે અનસ્ક્રિપ્ટેડ છે. અર્ચના યુટયુબ પર ધમાકેદાર કમબેક કરશે એ તો નક્કી.









