Magazines

ક્રૂડના કારણે આરબ દેશો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે...

By GS TEAM
10 May 20263 mins read
ક્રૂડના કારણે આરબ દેશો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે...

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ઓપેકની રચના થકી પેટ્રોલીયમ ઉદ્યોગ પર પ્રભુત્વ હાંસલ કરાયું

ઈ.સ. ૧૯૭૩માં ઓપેક દેશોએ ઓઈલના ઉત્પાદન પર કાપ મુકીને ક્રૂડ ઓઈલના ભાવો ૩ ડોલર્સના બેરલથી વધારીને ૧૨ ડોલર્સ પર પહોંચાડી દીધા હતા અને અમેરીકામાં અને યુરોપમાં મંદી (રીસેશન) ઊભી કરી હતી. ઓપેક એટલે ઓઈલ પ્રોડયુસીંગ કન્ટ્રીઝ ઓફ ધ વર્લડ જેની રચના કરી પશ્ચિમ જગતને પડકાર્યું છે.

ઓપેકની રચના ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ બગદાદમાં થઈ હતી અને શરૂઆતમાં તેના માત્ર પાંચ સભ્ય દેશો (ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબીયા અને વેનેઝુએલા) હતા. તેનો ઉદ્દેશ ઓઈલ-પેટ્રોલીયમ-ગેસ ઉદ્યોગમાંથી પશ્ચિમ જગતના પ્રભુત્વને પડકારી તે ઉદ્યોગને હસ્તગત કરવાનું હતું. ઉત્પાદકો સપ્લાય પર કાબુ મેળવીને કૃત્રીમ રીતે ભાવો વધારવાનું કાવતરૂ ઘડે છે. તેને 'કાર્ટેલ' કહે છે. ઓપેક એક કાર્ટેલ છે. અલબત્ત તે પહેલાં જગત પર ઓઈલ ગેસના ઉત્પાદન અને વિતરણ પર સાત કંપનીઓનો સંપૂર્ણ કાબુ હતો અને આ બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતના ૭૦ ટકા પેટ્રોલીયમ બજાર પર કાબુ ધરાવતી હતી.

યુરોપ અને અમેરીકાની રાક્ષસી કદની આ સાત કંપનીના નામ નીચે મુજબ છે ઃ ૧) એક્ષોન મોબીલ, ૨) શેવરોન કોર્પોરેશન, ૩) પેટ્રોઆઈના, ૪) શેલ, ૫) સીનોપેક, ૬) ટોટલ એર્નજીઝ, ૭) બ્રીટીશ પેટ્રોલીયમ. રાક્ષસી કદની આ સાત કંપનીઓએ ૧૯૪૦ થી ૧૯૭૦ સુધી જગતના પેટ્રોલીયમ ઉદ્યોગ પર પ્રભુત્વ જમાવ્યું હતું. આજે આ સાત કંપનીઓ મર્જર દ્વારા ચાર રાક્ષસી કદની કંપનીઓ બની ગઈ છે. ૧) બ્રીટીશ પેટ્રોલીયમ, ૨) શેવરોન, ૩) એકસોન મોબીલ અને ૪) શેલ. ટૂંકમાં, ઓપેકની રચના મુખ્યત્વે મધ્યપૂર્વ એશિયાના (ખાસ કરીને આરબ) દેશો હતા જેમને અમેરીકા અને યુરોપીયન દેશોનું પેટ્રોલીયમ ઉદ્યોગ ઉપરનું પ્રભુત્વ માન્ય ન હતું. ઓપેકના દેશોએ પેટ્રોલીયમ ઉદ્યોગ પર વિદેશીઓના પ્રભુત્વને ચેલેન્જ કર્યું અને ઓપેકની રચના કરી. ઓપેકના ૧૨ (હવે ૧૧) દેશો માત્ર એશિયા અને આફ્રીકાના દેશો છે અને એક લેટીન અમેરીકન દેશ વેનેઝૂએલા છે.

પેટ્રોલીયમ ઉદ્યોગ પર કાબુ ધરાવતી ઓપેક નામની કાર્ટેલમાં અત્યાર સુધી ૧૨ સભ્ય દેશો હતા પરંતુ હવે ૧૧ દેશો છે. ૧) અલ્જીરીયા (૬૬૨૮ ડોલર્સ) ૨) કોંગો (૨૫૫૪ ડોલર્સ) ૩) ગીની (૧૮૪૮ ડોલર્સ) ૪) ગેબોન (૯૯૧૮ ડોલર્સ) ૫) ઈરાન (૩૪૧૫ ડોલર્સ) ૬) ઈરાક (૫૬૭૭ ડોલર્સ) ૭) કુવૈત (૩૩૧૬૪ ડોલર્સ) ૮) લીબ્યા (૧૯૬૨ ડોલર્સ), ૯) નાઈજીરીયા (૧૫૫૬ ડોલર્સ) ૧૦) સાઉદી અરેબિયા (૩૭૮૧૧ ડોલર્સ), ૧૧) વેનેઝૂએલા (૪૧૪૦ ડોલર્સ) દરેક દેશની સામે કૌંસમાં આપેલ આંકડા જે-તે દેશની સરેરાશ માથાદીઠ આવકનાં આઈએમએફે રજૂ કરેલા છેલ્લાં આંકડા છે.

ઓપેકના કેટલાક સભ્ય દેશો આફ્રીકા ખંડના છે જેમની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક મીડલ ઈસ્ટના સભ્ય દેશોથી ઘણી ઓછી છે. અમેરીકા સાથે લડી રહેલા ઈરાનની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક માત્ર ૩૪૧૫ ડોલર્સ છે અને વસતી ૯ કરોડની છે. જ્યારે અમેરીકાની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક આઈએમએફના છેલ્લા અહેવાલ પ્રમાણે ૯૪,૪૩૦ ડોલર્સ છે અને તેની વસતી ૩૪ કરોડની છે અને તેનું મીલીટરી બજેટ લગભગ એક ટ્રીલીયન ડોલર્સ (એટલે કે ૧૦૦૦ બીલીયન ડોલર્સ)ની નજીક પહોંચી ગયું છે. બાય ધ વે આઈએમએફના છેલ્લાં રીપોર્ટ મુજબ ભારતની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક ૨૮૮૦ ડોલર્સ છે અને એક અંદાજ મુજબ અત્યારે ભારતની અંદાજીત વસતી ૧૪૭.૪૫ કરોડ પર પહોંચી ગઈ છે જેને કારણે ભારતના ૬.૫ ટકાના ઝડપી આર્થિક વૃદ્ધિદર છતાં તેની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક હજી ૩૦૦૦ ડોલર્સ સુધી પણ પહોંચી નથી. જગતના ઓપેક દેશો તથા યુનાઇટેડ આરબ એમીરેટ્સને લીલાલહેર છે કે કોઈપણ જાતની મહેનત કર્યા વિના કુદરતે તેમને મફતના ભાવે મબલખ ઓઈલ અને ગેસની ભેટ આપી છે જેને કારણે આરબ દેશો સમૃદ્ધિમાં આળોટે છે.