Get The App

બાસમતીના નિકાસકારોની કઠણાઈમાં વધારો

એન્ટેના - વિવેક મહેતા

Updated: Jan 5th, 2020

GS TEAM


Google News
Google News
બાસમતીના નિકાસકારોની કઠણાઈમાં વધારો 1 - image


બાસમતી ચોખા ઉપરાંત ચા, સોયાબિનની નિકાસ કરનારાઓ માટે પણ ઇરાનમાં નિકાસ કરેલી નાણાં કઢાવવા મુશ્કેલ બની જશે

ભારતના બજારમાં ભલે બાસમતીને નામે ડુપ્લિકેટ ચોખા વેચાતા હોય. તેને નામે ભલે તેઓ ગ્રાહકોના ખિસ્સા ખંખેરી લેતા હોય. આજે તેમના માઠાં દિવસો આવ્યા છે. ઇરાનના સૌથી વધુ શક્તિશાળી મિલેટરી કમાન્ડર કાસીમ સોલેઈમની હત્યાના અહેવાલથી ઇરાન કરતાં વધુ ભારતના બાસમતી ઉદ્યોગે વધુ આઘાતનો આંચકો અનુભવ્યો છે.

ભારતની ૨૦૧૮-૧૯ના વર્ષમાં બાસમતીની નિકાસ રૂા. ૯૦૦ કરોડની આસપાસની છે. તેમાંથી ૮૦ ટકા નિકાસ એટલે કે અંદાજે ૭૨૦થી ૭૫૦ કરોડની નિકાસ એકલા ઇરાનમાં જ કરવામાં આવે છે. ઇરાનમાં રાજકીય અસ્થિરતાનો આંચકો ભારતને લાગ્યો છે. અત્યાારે મંદીને કારણે વેપાર ઉદ્યોગો નરમગરમ ચાલી રહ્યા છે તેમાં આ એક નવી મુસીબત આવી પડી છે.

ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાના કાર્યક્રમ પર રોક લગાવવા તૈયાર નથી. અમેરિકા ઇચ્છે છે કે આ કાર્યક્રમમાં ઇરાન વધુ આગળ ન વધે. પરંતુ ઇરાન અમેરિકાની આ વાત માનવા તૈયાર જ નથી. પરિણામે અમેરિકાએ ઇરાન સામે આર્થિક નાકાબંધીની ઘોષણા કરેલી જ છે. તેને પરિણામે ઇરાન સાથેના આર્થિક વહેવારો અટકેલા છે. તેમાં ભારતીય નિકાસકારોના નાણાં અટકેલા હોવાનો અંદાજ છે. તેમાં વળી ઇરાનના મિલિટરી કમાન્ડર કાસીમની હત્યા થઈ હોવાના વાવડ આવ્યા છે.

આ અગાઉના પણ ભારતના બાસમતીના નિકાસકારોના રૂા. ૪૫૦ કરોડ સલવાયેલા છે. તેમાં બીજા ૭૫૦ કરોડ સલવાઈ જવાની ધાસ્તી છે. પરિણામે ભારતના બાસમતીના નિકાસકારો હચમચી ગયા છે. તેમણે ૨૦૧૮-૧૯માં ઇરાનમાં ૧.૫૬ અબજ ડૉલરના મૂલ્યના બાસમતી ચોખાની નિકાસ કરેલી છે. આમ તેમના કુલ મળીને રૂા.૧૨૦૦ કરોડ સલવાઈ જવાની શક્યતા છે.

માત્ર બાસમતી ચોખાના નિકાસકારો જ નહિ, પરંતુ સોયાબિન અને ચાની નિકાસ કરનારાઓના નાણાં પણ સલવાઈ જવાની શક્યતા છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં ઇરાનમાં અંદાજે ૧૫.૩૭ કરોડ ડૉલરના મૂલ્યની ચાની નિકાસ કરવામાં આવેલી છે. ભારતમાંથી સોયાબિનના ખોળની નિકાસ પણ ઇરાનમાં કરવામાં આવી રહી છે.

૨૦૧૭-૧૮ના વર્ષમાં ૨૨,૯૧૦ ટન સોયાબિન ખોળની અને ૨૦૧૯-૨૦માં ૫,૦૮,૦૫૦ ટન સોયાબિન ખોળની ભારતમાંથી નિકાસ કરવામાં આવેલી છે. ભારતમાંથી ખાંડની નિકાસ કરનારાઓ પણ ઇરાનમાં નિકાસ કરવાની સારી તક હોવાનું જોઈ રહ્યા છે. દુનિયામાં બનતી દરેક ઘટનાઓ કેવી રીતે કોમોડિટીના માર્કેટ પર પ્રભાવ પાડે છે તેનો આ એક બોલતો પુરાવો છે. શેરબજાર પર પણ આ જ રીતે દુનિયાના કોઈ ખૂણામાં બનતી ઘટનાની અસર પડતી જોવા મળે છે.

દરમિયાન ભારત સરકારે ઇરાનના મિલીટરી કમાન્ડરની હત્યા કરવામાં આવી ત્યારબાદ ભારત ક્રૂડ ઓઈલના વૈકલ્પિક સપ્લાયરની તલાશ કરી રહી છે. કારણ કે ક્રૂડના ભાવ વર્તમાન સપાટીથી વધી જાય તો ભારતે કમાયેલું વિદેશી હૂંડિયામણ તેમાં જ ખર્ચાઈ અને ખેંચાઈ જવાની સંભાવના છે. બીજી તરફ દેશમાં પેટ્રોલનો ભાવ વર્તમાન સપાટીથી ઊંચે જાય તો તેની સામે બૂમરાણ થવાની ધાસ્તી પણ ભારત સરકારને સતાવી રહી છે. તેથી જ ક્રૂડ ઓઈલના સપ્લાય માટે ભારત સરકાર માત્ર ને માત્ર ઇરાન પર હવે નિર્ભર રહેવા માગતું નથી.

પરિણામે ઇરાનની ઘટનાઓના ક્રમ અંગે ચર્ચા કરવા અને તેની ભારતના અર્થતંત્ર પર પડનારી અસર અંગે વિચાર વિમર્શ કરવા માટે ભારતના નાણાં મંત્રાલયના અધિકારીઓની એક બેઠક પણ બે દિવસ પૂર્વે મળી હતી. આ બેઠકમાં ઇરાનની પરિસ્થિતિની ભારતના અર્થતંત્ર અને આયાતનિકાસના ગણિતો પર કેવી અસર પડી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો તેવા સંજોગોમાં ભારત પર તેની અસર ઓછામાં ઓછી પડે તે માટે વૈકલ્પિક માર્ગોની તલાશ કરવામાં આવી રહી છે.

Tags :