સંપ્રદાય મોટો કે ધર્મ...?
અંતર - રક્ષા શુક્લ .
થીજી ગયું છે એય પણ તારા અભાવમાંત
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.
- 'બેદિલ'
આજે છાપું ખોલીએ અને ઢોંગી બાબાઓનો એકાદ કિસ્સો તો સામે આવે જ અને આંખમાં કણાંની જેમ ખૂંચે. કોઈ બાબાએ કરેલું દુષ્કર્મ, બાળક સાથે કરેલું સુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, કરોડોના હવાલાની હેરાફેરી, સ્વામીઓ દ્વારા નકલી નોટોનું કૌભાંડ વગેરે... આવી યાદી ખૂબ લાંબી થઈ શકે પણ એ લખતા આંગળા અને અંતરને પીડા થાય છે. આજે ધર્મનો ધંધો ધમધોકાર ધમધમે છે અને કહેવાતા સંતોએ સ્વાર્થની શોપ ખોલી છે ત્યારે ભગવાન બિઝનેસનો એક ભાગ બનીને રહી ગયા છે.
મોરારિબાપુએ એકવાર કહેલું કે 'ગુજરાત સરકારનો 'ભાર વગરનું ભણતરદનો કોન્સેપ્ટ છે એમ મારો પણ 'ભાર વગરનો ભગવાનદનો કોન્સેપ્ટ' છે. આજે ઠેર ઠેર કહેવાતા ધર્મની હાટડીઓ ખૂલી ગઈ છે ત્યારે ધર્મજગતે પણ ચિંતન અને ચિંતા કરવાનો સમય પાકી ગયો છેદ. મોરારિબાપુ પણ આખાબોલા અખાની જેમ ધર્મની બદીઓ તરફ સમયાંતરે અંગૂલિનિર્દેશ કરતા રહે છે. થોડા સમય પૂર્વે ધર્મજગતમાં એક વિવાદ ઊભો થયો હતો જેમાં સનાતન ધર્મ કરતા પણ સંપ્રદાય શ્રે છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થયો હતો ત્યારે મધ્યકાળનો મર્મી અખો યાદ આવ્યા વગર ન રહે...
'તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ;
કથા સુણી સુણી ફુટયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાાન.'
અખો 'અખા ભગત' ના નામે પણ ઓળખાય છે. તેનું મૂળ નામ અખેરામ હતું. એ જન્મે અને વ્યવસાયે સોની હતા. જીવનની શરૂઆતમાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. અખાનું કૌટુંબીક જીવન પણ ઘણું સંઘર્ષ ભર્યું હતું. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. તો એમણે છપ્પા લખી દંભી સમાજના દંભી લોકોને ચાબખા મારવાનું શરૂ કર્યું. અખો વિદ્વાન છે, બહુશ્રુત છે, મહા અનુભવી છે. એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પૂરા બળથી ઉપયોગ કરે છે. ગુરુ ઢોંગી નીકળતાં અખો કહે છે...
ગુરુ કીધા મેં ગોરખનાથ, ઘરડા બળદ ને ઘાલી નાથ.
ધન લે ને ધોખો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે ?
કહેવાતા સંતો વિશે ફ્રેડરિક બુચનેર નામના એક વિચારકે તો એટલી હદ સુધી કહ્યું છે ‘In his holy flirtation with the world, god occasionally drops a handker chief, These handker chiefs are called saints. એક છપ્પામાં અખો કહે છે કે...
ઊંઘ્યો કહે, ઊંધ્યો સાંભળે, તેણે જડપણું બેનું નવ ટળે,
જેમ ચિત્રામણના દીવા વડે, કેમ રાત અંધારી દૃષ્ટે પડે?
ઢોંગી ગુરુને છોડી અખો અનંત જ્ઞાાનની તરસ છીપાવવા કાશી ગયો. કાશીમાં આવી બ્રહ્માનંદ નામના ગુરૂ પાસેથી જ્ઞાાન ગ્રહણ કરી તેઓ આત્મ-સાક્ષાત્કાર પામ્યા. આ પહેલાં ગુરુ બ્રહ્માનંદે અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી પણ પછી એમણે જોયું કે એના બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાાનની તરસ વધારે સાચી ને ઊંડી છે. એટલે એમણે એને સ્નેહથી જ્ઞાાનદાન કરવા માંડયું. અખો જ્ઞાાની અને વેદાન્તી બની ગયો. વૈરાગ્ય, જ્ઞાાન, ભક્તિ અને ઊંડી સાધનાના સમન્વયથી અખાને આત્મજ્ઞાાન થયું. એના મુખમાં સરસ્વતી બિરાજમાન થયા, અચાનક હરિ પ્રગટ થયા અને પછી બ્રહ્માજીની પેઠે એની વાણી ઊઘડી. એ લખે છે...
ત્યાર પછી ઊધડી મુજ વાણ ! અચ્યૂત આવ્યાનું એ એંધાણ
હું તો જેમ દારની પૂતળી, તે ચાળા કરે અપાર,
પણ કામાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર
ભારો ભાર કવિત્વ અને ઉત્તમ જ્ઞાાનથી ભરેલા અઢળક છપ્પા લખનાર અખાનું નિરાભિમાન તો જુઓ. એ કહે છે કે અખો તો માત્ર કઠપૂતળી છે, સૂત્રધાર નચાવે તેમ નાચે છે. કવિતા કરનાર, ગ્રંથ લખનાર આ અખો નથી, અખો તો માત્ર પ્રભુના હાથનું વાજિંત્ર છે. વગાડનારો તો શ્રી હરિ છે. વાજું વાગતું દેખાય છે, પણ એ કરામત વાજાની નથી, વગાડનારની છે. મધ્યકાળ સાહિત્યના મોટાભાગના કવિઓમાં આ વિનમ્રતાનો ગુણ સમાયેલો છે.
અખામાં વૈષ્ણવ-ધર્મમાંથી મળેલી ભક્તિનું ભાથું તો હતું, તેમાં જ્ઞાાનનું બળ ઉમેરાયું. વૈરાગ્ય તો પહેલેથી હતો. આમ જ્ઞાાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેની સરખી સાધનાથી અખાને આત્મજ્ઞાાન થયું. અખા માટે જ્ઞાાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણ અલગ વાડા નથી. એના મતે જ્ઞાાન અને વૈરાગ્ય એ ભક્તિરૂપી ગાયના જ વાછરડાં છે. એ બંને વિના ભક્તિ અપંગ છે. અખો ગુરુવાદનો વિરોધી નથી, પણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે. એ કહે છે 'જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે'.
અખાની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજમાં રહેલા અવિશ્વાસ, આડંબર અને ધૂતારાઓ પ્રત્યેનો તિરસ્કાર દર્શાવે છે. અખાએ જીવનકાળ દરમ્યાન ૭૪૬ છાપ્પાની રચના કરેલ છે. જે વિદ્વાનો દ્વારા ૧૧ ભાગમાં વહેચાયેલી છે. જેમાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. 'એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવદ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.
સોળમી સદીના જન્મેલો અખો અને અઢારમી સદીમાં જન્મેલા ભોજો અને ધીરો, આ ત્રણે ગુજરાતના મોગલ શાસનના સમયમાં થઈ ગયેલા આપણા મધ્યકાલીન ભક્તકવિઓ છે. એમનું યોગદાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ ત્રણ કવિઓમાં જે એક વાત સરખી છે તે સમાજની બુરાઈઓ સામે તેમનો તીખો આક્રોશ. અખાની જેમ જ કુરિવાજો સામે આક્રોશ ઠાલવતા અઢારમી સદીના ધીરા ભગત પણ તે કાળના દંભી ક્રિયાકાંડ અને ધામક માન્યતાઓની ઠેકડી ઉડાડતા એક પદમાં કહે છે કે...
'અંતર મેલ ભર્યો અતિ પૂરણ, નિત્ય નિર્મલ જલમાં નહાય,
મહા મણિધર પેઠો દરમાં તો રાફડો ટીપે શું થાય?'
શરીર તો નહાવાથી સાફ થશે, પણ મનમાં ભરેલો મેલ નહીં સાફ થાય, સાપ દરમાં ઘૂસી જાય પછી રાફડા ઉપર લાકડી પછાડવાથી શો ફાયદો ? બહારથી દેવદર્શન અને ધરમદાન કરીએ પણ મનમાં કૂડકપટ રાખીએ તો કોઈ કલ્યાણ નહીં થાય. 'જો તુંબડું માંહેથી મરે, તો તારે ને પોતે તરે'
અખાએ જન્મસ્થળ જેતેલપુરથી અમદાવાદમાં આવીને વસવાટ કર્યો હતો, પણ ખાડિયાનીદેસાઈની પોળનું એક મકાન ''અખાના ઓરડા'' તરીકે ઓળખાય છે. અખા ભગતની ૧૧મી પેઢી આજે પણ ત્યાં વસવાટ કરે છે. અખા ભગતની જયંતી નિમિત્તે તેમના પરિવારજનો દર વર્ષે અખા ભગતના બાવલાને શણગારે છે. પણ અન્ય દ્વારા એ યોગ્ય રીતે પોંખાયા નથી. અખો બહુ ભણ્યો નહોતો પરંતુ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિધ્ધ થાય છે કે આખા ભારતભરમાં ભ્રમણ કરવાને લીધે એ અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત હતો.
એ મૂતપૂજામાં ન માનતો. અખો મધ્યકાલીન યુગનો મોટો સમાજસુધારક અને બધા સંપ્રદાયોને જોડનાર સમન્વયવાદી અને એક ઈશ્વરમાં માનનારો હતો, મૂત પૂજામાં માનનારા કવિ દલપતરામ સ્વામી નારાયણ સંપ્રદાયના ચુસ્ત અનુયાયી હોવા છતાં તેમણે અખાની પ્રસંશા કરી છે. તેનામાં વ્યવસાયિક અને વ્યવહારિક કુશળતા પણ ઘણી હતી. એટલે જ એ જહાંગીરના સમયની અમદાવાદની એક સરકારી ટંકશાળમાં ઉચ્ચ હોદ્દો પામ્યા હતા.
અખાની જ્ઞાાનદૃષ્ટિ ઊંચનીચના ભેદની વ્યર્થતા, સમાજમાં ફેલાયેલા દંભ, અજ્ઞાાન અને વહેમોની આરપાર જોઈ શકે છે. ભૂત-પલીતમાં માનતા લોકોને અખો 'પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?' જેવો સવાલ કરી વિચારતા કરે છે. અખાએ સમાજના સૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાાનનો રાહ ચીંધ્યો છે. સમાજમાં પ્રવર્તમાન રુઢિગત ખોટી માન્યતાઓ, રીવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા એમણે આવું સાહિત્ય સર્જ્યું. એમાં દોષાન્વેષણ નથી, પણ આત્મવિકાસમાં અવરોધક બનતા દોષોને દૂર કરવાનો પ્રયાસ છે. કહેવાતા ગુરુઓ ભોગ ભોગવતા જાય અને ઉપદેશ આપતા જાય છે કે કષ્ટમૂલક જીવનથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વળી સવાલ પૂછનાર બુદ્ધિશાળી ભક્તને ધર્મગુરુઆ ધીમે ધીમે સાઈડમાં કરીને તગેડી મૂકે છે.
લૂઈ ફિશર કહેતા કે ઈતિહાસ એ કર્મ અને ધર્મ વચ્ચેના છૂટાછેડાની તવારીખ છે. અખાનું ત્રિકાળજ્ઞાાન આજે એકવીસમી સદીમાં પણ આપણે સાક્ષાત્ જોઈ શકીએ છીએ. અખાના શબ્દો આજની એકવીસમી સદીના દંભી સમાજનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલે છે. આજે અખા ભગત હોત તો એમને સામ્રપ્રદાયિકોએ 'હિંદુ વિરોધી' ગણ્યા હોત. અખાના ચાબખાના સોળ જલદી રૂઝાય તેવા નથી. ગોળ ગોળ કે ફેરવીને વાત કહેવાનું અખાને ફાવતું નથી. એના જનોઈવઢ ઘા એક ઘા ને બે નહીં પણ ત્રણ કટકા કરે છે. શબ્દોને શણગારીને મૂકવા એને ફાવતા નથી. આજે પણ ન બદલાયેલા અને અવિચારી ધામક રીત-રિવાજો વિષે એ કહે છે...
'એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવત
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાનત
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?'
આવી અંધ છતાં રૂઢ થઇ ગયેલી આ પ્રથાને મૂરખ કહેવાની હિમ્મત તો અખો જ કરી શકે. અને ઈશ્વર તો એક જ હોય, આપણા તો કેટલા બધા દેવી-દેવતા છે. અખા એ સોનીનો વ્યવસાય તો છોડી દીધો હતો પણ એની સોનામહોર જેવી ૨૪ કેરેટની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સમાજમાં પડેલી બદીઓની ગાંઠો ઉકેલનારી અને ગાંઠે બાંધવા જેવી છે.