કેલ્ક્યુલેટર...! .
દરેક માણસનું એક વારસાગત લક્ષણ છે અને તે છે'ગણતરી'. સમજણ ફૂટયા પછી આ ગણતરી વધારે જોર પકડે છે. ધંધાદારી હોય કે નોકરિયાત હોય સૌ ગણતરીના પલાખાં માંડતા જ હોય છે જે આજના જમાનામાં જરૂરી છે. કોઈ એમ કહેતું હોય કે આપણે તો આવતીકાલની ચિંતા કરતા જ નથી તો સમજી લેવું કે આ માણસ જૂઠ્ઠો છે યા તો એ બોદો છે. આજના જમાનામાં ડગલેને પગલે ગણતરી મંડાઈ રહી છે. પછી તે ધર્મક્ષેત્રની હોય, સામાજિકક્ષેત્રે હોય કે રાજનીતિક્ષેત્રે હોય. જ્યાં સ્વાર્થ હોય ત્યાં ગણતરી હોય જ.
ઘણા ગણતરીબાજોને ગણતરી ગુપ્ત રાખવાનો શોખ હોય છે. એમને ડાયરેક્ટ સરવાળાને ગુણાકાર કરવામાં જ રસ હોય છે. જેથી કરીને એમણે કેલ્ક્યુલેટર બનાવ્યું. ગણતરીની સેંકડોમાં હિસાબ માંડતુ કેલક્યુલેટર ભલે માણસે બનાવ્યુ પણ જાત કરતાં આ મશીનમાં વિશ્વાસ બેસી ગયો છે. પોતે સાચો છે કે ખોટો એની ખરાઈ આ કેલ્ક્યુલેટર ઉપર આધારિત છે.
માણસ પણ ઇશ્વરે બનાવેલું કેલ્ક્યુલેટર જ છે. જેમ કેલ્ક્યુલેટર માણસની આંગળીના ઇશારે કામ કરે છે તેમ આપણા શ્વાસોની આવન-જાવન પરમપિતા ઇશ્વરના હાથમાં છે. ઇશ્વર જ આપણા શરીરમાં લોહીને દોડાદોડી કરાવે છે. આપણે તો માત્ર કઠપૂતળી જ છીએ.
માણસ જેટલો કેલ્ક્યુલેટર પર ભરોસો રાખે છે. તેટલો ઇશ્વર ઉપર નથી રાખતો. ઇશ્વરે બનાવેલું આ માણસ નામના સોફટવેરમાં ડીસમીસ ગુમાવીને એના અંગોને વેરવિખેર કરી નાખે છે. અને તેથી જ શારીરિક- માનસિક રીતે ભોગવે છે.
કેલ્ક્યુલેટરમાં જેમ શૂન્યથી લઈને નવ સુધી તથા અલગ-અલગ સંજ્ઞાાઓ હોય છે તેમ આપણામાં પણ કેટલો દમ-ખમ છે, તેટલો ભલીવાર છે એની સ્વીચો આપેલી જ છે. માણસ ઇમાનદારીથી જાતને પૂછે તો કદાચ જવાબ મળે પણ ખરો કે બકા, તુ જ્યાં છે ત્યાં બરાબર જ છે. તારી યોગ્યતા પ્રમાણે તને મળેલું જ છે. નાહકની સ્વીચો ના બગાડ જાતને પ્રતાડીને. ઇશ્વરના ઘરે વહાલા-દવાલાની નીતિ ના હોય.
આ સ્વીચો એટલે માણસરૂપી કેલ્ક્યુલેટરના અંગો. નાહકની અને ગજાબહારની ગણતરીઓ કરીને જ માણસ પોતાનું હૃદય, મગજ, કીડની, લીવર તથા અન્ય અંગો બગાડે છે. ઘણીવાર તો માણસ આખેઆખો બગડી જાય છે જે ક્યાંય રીપેર પણ નથી થતો.
જેટલો કેલ્ક્યુલેટર ઉપર વિશ્વાસ છે એનાથી વિશેષ આપણને જેણે બનાવ્યા છે એના ઉપર રાખવો પડશે.
જે દિવસે માણસ એમ સમજશે કે હું પણ પરમાત્માએ બનાવેલું એક કેલ્ક્યુલેટર જ છું, એક રમકડુ જ છુ તે દિવસથી અંધશ્રદ્ધા તો ઉભી પૂંછડીએ ભાગશે. કારણકે ત્યાં શ્રદ્ધાનો ઉદય થશે. કહેવાયું છે ને કે...
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ...
માટે બહુ ગણતરીઓ માંડવી સારી નહીં. દરેક વખતે આપણો દાખલો સાચો ન ય પડે. જે બને એ સારા માટે જ બને. માણસ ધારતો શું હોય છે ને થતું શું હોય છે એ સૌનો અનુભવ છે. તે વખતે જખ મારીને સ્વીકારવું પડતું હોય છે. તેથી કેલ્ક્યુલેટર જેટલો જ ભરોસો પરમ ચૈતન્ય ઉપર રાખવો જ રહ્યો.
આવુ સમજવાથી જીવનનું ગણીત સમજવા ધર્મની હાટડીઓ ખોલીને બની બેઠેલા ભગવાનોના ચરણોમાં આળોટવું નહીં પડે. કળા તે અજબ રચી કિરતાર એમ સમજીને જે બી કાંઈ આપણા જીવનમાં સાચુ અને સારું જ બનશે તેવો વિશ્વાસ પેદા થશે જે આપણા જીવનને હર્યુભર્યુ કરી દેશે. માત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું આ ભજન યાદ રાખવું પડશે.
રાખના રમકડાં મારે રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યા રે.
- અંજના રાવલ