આનંદનો અવસર નવરાત્રિ
આવી આસોની અજવાળી રાત મોરી માઁ પગલાં પાડોને બિરદાળી માઁ
અમર અવિનાશ વ્યાસે માને વિનંતી કરી છે કે.. હવે મંદિરના બારણા ઊઘાડો મોરી માત... ગગન કેરે ઘાટ આવી નોરતાંની રાત. બિલકુલ સાચી વાત છે. નવરાત્રિનું કાઉન્ટ-ડાઉન હવે શરુ થઈ ગયું છે. કલા-શક્તિ અને શ્રદ્ધાના સથવારે દરેક જણ મંદિનોમાર ભૂલી જઈને નવરાત્રિમાં જાતને રિ-ચાર્જ કરવા લાગી જશે. આ દિવસોમાં કોઈનેય પણ નડયા વગર સૌ વાજિંત્રોના ઘોંઘાટમાં ગળાડૂબ બની આનંદની હેલીમાં ભીંજાઈ જશે. આ નવરાત્રિ સૌને ભીતરથી ભીંજવે છે. ને જે ભીતરથી ભીંજાય એની પાસે આનંદ અને ઉમંગ સદાય હાજર હોય. એટલે જ આ નવરાત્રિ સૌને અંતરથી અમીર કરી દે છે.
આમ ઉજાગરાની ફરિયાદ કરતાં લોકો ઉજાગરાને ય વહાલ કરે છે આ નવરાત્રિમાં નારી શક્તિ અને નારી સૌંદર્યનો જગતમાં ક્યાંય જોટો જડે તેમ નથી. મા અંબા ભવાની, જગદંબા, શક્તિ સ્વરૂપા, જગત જનની મૈયાના નવ દિવસના અલગ-અલગ સ્વરૂપોનો વિશેષ અર્થ રહેલો છે. નવરાત્રિમાં મબલખ સૌંદર્યને સજાવી-ધજાવી રાસ-ગરબાના તાલે. ઢળકતી, લચકતી, ઠૂમકતી, ઝૂમતીનારને જોઈને કોઈ પણ કલા પ્રેમી, ઉત્સવપ્રેમી અને શક્તિપ્રેમી માણસના હૈયામાં મન મોર બની થનઘાટ કરવા લાગે છે. વાહ કયા બાત હૈ એવું અનાયાસે બોલાઈ જાય.
ગરવો ગુજરાતી અને ગરવો ગરબો એ હવે વિશ્વપ્રસિધ્ધ બની ગયા છે. આસોની આ અજવાળી રાત, નવ દિવસના મા ના પગલાં અને ગુણલા આધ્યાત્મિકતાની એક ઊંચાઈ પ્રાપ્ત કરાવે છે. ચાલો, આપણે સૌ સંયમીત રહી, વિવેકનો ઉપયોગ કરી, માણસાઈનો મલાજો રાખી નવરાત્રિના આ નવ દિવસના યજ્ઞાને ચાર-ચાંદ લગાવી દઈએ. કારણકે સ્ત્રી એ એક શક્તિ છે.
માટે જ નારી શક્તિ બોલાય છે. આ નારી છે. એટલે જ આપણે છીએ. નારી શક્તિ વગર કશું જ નહીં. માં જગદંબાના ગુણલા ગાતાં, ગાતાં એની ભક્તિ કરતાં- કરતાં આપણા ઘરમાં રહેલી શક્તિ-સ્વરૂપા આપણી માં, આપણી પત્નિ, આપણી દિકરી તથા આપણી વહુની આંખ પણ હરખાય એનું પણ ધ્યાન રાખવું પડશે. જો એની આંખમાં ભીનાશ રહેશે તો આ ડુંગરાવાળી મા નારાજ થશે. અને આપણને ઠપકો આપશે. બેટા, આ બધામાં મને જો. સૌને હેપ્પી નવરાત્રિ.
- અંજના રાવલ