જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ .
માનવીની ઊંચાઈ માપી શકાય પણ ઊંડાઈ નહીં. માનવીના મનમાં રહેલી ગહેરાઈ, આ લોક-પરલોક સાતસમંદર જેટલી જ ગહન છે. તમારી સાથે રોજ ઉઠતો- બેસતો માણસ એવું કાંક વિચિત્ર વર્તન કે વ્યવહાર કરી બેસતો હોય છે કે જે આપણને આંચકો આપી જાય છે. અનુભવ પણ જૂઠો પડે છે.
મોટેભાગે સારા-નરસા વર્તનની પાછળ મનુષ્યની વૃત્તિ કામ કરતી હોય છે. જેના બીજ ઘણા પહેલા રોપાઈ ચૂક્યા હોય છે. ગણતરીબાજ માણસની વૃત્તિ અલગ-અલગ અને અંગત હોય છે. ઘણીવાર તો વાસનાઓને તાબે થઈ અસલ વૃત્તિને ફારગતી આપી કોઈ ભળતી વૃત્તિ જ પકડી લે છે. પછી આ વૃત્તિની પ્રવૃત્તિ એનું વ્યસન બની જતી હોય છે. ભ્રષ્ટાચાર કરવો એટલે કરવો જ.
અલબત, સારી અને ઉત્તમવૃત્તિ માણસને ઉત્તમ પ્રવૃત્તિ કરાવડાવે છે જે આ સંસારને પ્રાણવાયુ પૂરો પાડે છે. બલ્કે આવા સદ્વૃતિઓના માલિકના પ્રતાપે જ દુનિયામાં જીવવા જેવું લાગે છે. ' લિમડામાં એક ડાળ મીઠીની જેમ. માણસાઈ ક્યાંક તો જીવે છે હજી.
આ વૃત્તિઓ બધાની અલગ અલગ હોય છે. તેથી પ્રસંગોપાત મળતા માણસોના મનસુબાઓ દાવપેચ, પહેરવેશ, ભાષા તથા વર્તન જુદા જુદા હોય છે. મૂળ આશય સામેના માણસને ઇમ્પ્રેશ કરવાનો તથા પટાવાનો હોય છે, જેની ખબર ખૂબ મોડી પડતી હોય છે. ત્યાં સુધી તો ઘણુંબધું ન બનવાનું બની જતું હોય છે. અને એટલે જ આપણી આજુબાજુ સારુસારુ બોલવાવાળા, સારુ સારું વર્તન કરવાવાળા પ્રવૃત્તિના એવા ચેનચાળા કરી લે છે કે પછી આપણા દિલને ચેન નથી પડતું. હાય,હાય, બાપરે...બાપ ! આ માણસે આવું કર્યું ?!!
જેને આપણે પોતાના ખાસ અંગત માણસ માનતા હોઈએ. જેના ભરોસે આખુ આયખુ કપાઈ રહ્યું હોય એવો કોઈ ખાસ માણસ જ્યારે કાંક ઊધું- ચતું- આડુ- અવળુ, દગો-પ્રપંચ કે દાવ ખેલી જાય ત્યારે હૃદયને એક ધબકાર ચૂકી જવાની લાગણી થતી હોય છે. ઓછામાં પુરુ જ્યારે એ તારાથી થાય એ તોડી લે, આજથી તારા મારા રસ્તા અલગ આવી નફફટાઈ પણ દેખાડતો હોય છે.
કથા- સત્સંગ, ભજનકિર્તન, નાટક-ફિલ્મ, સંગીત-વાંચન, લેખન- મનન- ચિંતન માણસની વૃત્તિ બદલવાનું કામ કરે છે. આ બધી પ્રવૃત્તિ માણસની દાનત સાફ હોય તો માણસાઈમાં નીખાર લાવે છે. ઉત્તમ સર્જન કરતો સર્જક પણ સમાજની સેવા જ કરતો હોય છે. એના સર્જનમાં વૃત્તિઓ જ છલકતી હોય છે.
સદ્ભાવના અને સદ્ચિંતનની વૃત્તિથી માણસ સત્કર્મો કરવા તરફ પ્રેરાતો હોય છે.માણસાઈને છાજે એવું આ કૃત્ય નથી એવી સમજણ સદ્વૃતિથી જ આવે છે. કેટલાય લોકો કશા પણ ઉદ્દેશ વગર વિકૃત પ્રવૃત્તિઓ કરી લેતા હોય છે. જેમકે નિંદા-કુથલી, ટીકા- ટીપ્પણી, ખણ- ખોતર અને આઘી-પાછી વાતો. આ બધી પ્રવૃત્તિઓ પાછળ પાછો એમને પરમ આનંદ આવતો હોય છે. માણસ શું શું પૂછે છે કે શું શું નથી પૂછતો એની પાછળ પણ વૃત્તિઓ જ કામ કરતી હોય છે. પારકી પંચાતો કુટવાની વૃત્તિ- પ્રવૃતિથી જ માણસમાં વિકૃતિઓ આવતી હોય છે. અને તે દુ:ખી રહેતો હોય છે.
સાવ એવું પણ નથી કે માણસ માત્ર એમની વૃત્તિઓનો ગુલામ છે. વાલીયા લુંટારાની કે જેસલ જાડેજાની જેમ વૃત્તિઓને બદલી પણ શકાતી હોય છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય ભલે આમ કહેવાતું હોય પણ તેમ છતાં ઘણા એવાય લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેમને પોતાના તેવર બદલી જીવનને એક નવી જ દિશા આપી હોય. પોતાની આ વૃત્તિ-પ્રવૃત્તિ ખોટી અને કશાય મતલબ વિનાની ને માત્ર દિલ બહેલાવવા માત્ર હતી... એવું સમજવાવાળા પણ પડયા છે.
ઉંમર અને અવસ્થા મુજબ માણસની વૃત્તિઓ બદલાતી હોય છે. દરેક વૃત્તિની એક અવસ્થા હોય છે. માણસે પોતાની અવસ્થાને માન આપી વૃત્તિ બદલીને પ્રવૃત્તિ કરવી જોઈએ. જે લોકો અવસ્થાને ધ્યાનમાં રાખી વૃત્તિ બદલતા નથી તેવા લોકોની પ્રવૃત્તિઓ સમાજમાં નીંદનીય બને છે. એક દિવસ તો માણસની દુ:વૃત્તિઓનો અંત આવતો જ હોય છે. જ્યારે સદ્વૃત્તિઓમાં કોઈ નિવૃતિ નથી હોતી.
જિંદગીથી નજીકનો નાતો રાખવાથી, આંખ સામે આકાર લેતી તમામ સારી-ખોટી ઘટનાઓ માણસની વૃત્તિ અને પ્રવૃત્તિને બદલી નાખવા તથા તેમાં આમૂલ પરિવર્તન લાવવા સક્ષમ છે એ વાતને ગાંઠે બાંધી લેવાની જરૂર છે.
- અંજના રાવલ