ધર્મના પાયાનો પથ્થર: પ્રેમ
આ પૃથ્વીનું અમૃત એટલે પ્રેમ. પ્રેમ છે તો જ જીવન છે ને પ્રેમ છે તો જ ધર્મ છે. આ પ્રેમનો પ્યાલો સીધેસીધો પીવાતો નથી. એ મહેસુસ થાય છે. પ્રેમ જ્યારે અનુભવાય ત્યારે રૂંવે રૂંવે દીવા પ્રગટતા હોય છે. મન અને હૃદય તરબતર થઈ જાય છે. પ્રેમના નશા પછી બીજા નશા આવે. પ્રેમ એ પ્રેમ છે. પ્રેમ ભરેલું પાત્ર કદાપી ખાલી જ નથી થતું.
શબરી, રાધા, મીરા, પ્રહ્લાદ, કબીર, નરસૈયો આ બધાએ ધાર્મિક બનવાની શરુઆત પ્રેમ પીને કરી હતી. એમની પ્રતિજ્ઞાામાં પણ પ્રેમ હતો. ધર્મની શરુઆત જ પ્રેમથી થતી હોય છે. જેને પ્રેમ કરતાં ન આવડતું હોય એ કદાપી ધાર્મિક ન હોઈ શકે. પ્રેમીલો વ્યકિત જ ભક્ત બનવાને લાયક છે, ઝેરિલો નહિ. આ પ્રેમ પણ પાછો શુધ્ધ, સાત્વિક, શુધ્ધ- અણીશુધ્ધ- પરિશુધ્ધ હોવો જોઈએ. કોઈ રમણીય રંભાને ટીકી ટીકીને જોયા કરવી એ પ્રેમ નથી. એના સૌંદર્યમાં એનો રચયિતા યાદ આવવો જોઈએ. પ્રેમની ભાષા તો નાનું ભૂલકું પણ સમજતું હોય છે. પ્રેમ એ ધર્મનું ઓક્સીજન છે.
હોમ, હવન વ્રત-નિયમ ફળ-ફૂલ, પુનમ- અગિયારસ કથા-વારતા- સત્સંગ વગેરે જ માત્ર કરવાથી ધાર્મિક નથી બનાતું. જાતને કેટલાક સવાલ પણ પૂછવા જેવા છે. હું મારા ઘરના તમામ સભ્યોને અંદરથી પ્રેમ કરું છું ખરા ? કે માત્ર પ્રેમનો દેખાડો કરું છું ? સાસુ વહુને દિકરી, કે વહુ સાસુને મમ્મી ખરા અર્થમાં સમજે છે ખરી ? હું મારા કર્મક્ષેત્રને પ્રેમ કરું છું ખરા ? જો, તમારા સાસુ-સસરા, મા-બાપ, પતિ કે પત્નિ, દુશ્મન કે દોસ્ત તમારો પ્રેમ પામ્યા વગર આ દુનિયામાંથી વિદાય લે તો તમે ધર્મના નામે આત્મવંચના અને છેતરપિંડી જ કરી કહેવાશે. કેમ કે એ જેવા છે તેવા સ્વીકારવામાં તમે ઉણા ઉતર્યા છો. તમારામાં પ્રેમ તત્ત્વ છે જ નહીં. નહિં તો તમારો પ્રેમ મેળવવા એ આમ વલખાં ન મારે. બીજી રીતે તમે ધર્મની અવહેલના કરી છે તેથી તમો ઇશ્વરની નજરમાં ગુનેગાર બનો છો !
મોટેભાગે આજનો ધર્મ ક્રિયાકાંડોમાં કેદ થઈ ગયો છે. એ કોચલામાંથી બહાર આવો તો કાંક નવું જડે ! આપણે તો ધર્મમાં પણ શરતો મૂકીએ છીએ. સ્વાર્થ કે લાલચ (માગણી) આ બે મુખ્ય તત્વ છે આજકાલના ધર્મમાં પાંચ માળાઓ કરવાથી ધંધામાં બરકત રહે એવો સ્વાર્થ, વ્રત કે ઉપવાસની પાછળ દિકરીને સારું ઘર ને સારો વર મળે એવી લાલસા, ચાર-ધામની જાત્રા કરવાથી બધા પાપ ધોવાઈ જાય એવી લાલચ, ફલાણા-ઢીંકણા જાપ કરવાથી દિકરાને સારી નોકરી મળે એવી ભાવના. ક્યાંય તમે પ્રેમ ભાળ્યો ? ના જો માત્ર પ્રેમ ને પ્રેમ જ હોત તો આ બધું જ એની જાતે આવીને ઝોળીમાં પડયું હોત. પ્રેમની ગેરહાજરી વગરનો ધર્મ એટલે માત્ર ટાપટીપ, મેકઅપ. મેકઅપ તો ઘડીકવાર પછી ઉતરી જતો હોય છે. માણસ પણ વચ્ચે વચ્ચે ધાર્મિક હોવાનો દંભ-આડંબર કરી લે તો હોય છે. પછી પાછો ઠેરનો ઠેર.. જૈસે થે હ..ઓ. પ્રેમ વગરનું જીવન અને પ્રેમ વિનાની ભક્તિ એટલે સરવાળે મીડું.
એવું પણ કહેવાય છે કે પ્રેમ ત્યાં પરમેશ્વર. પ્રેમ એ ધર્મનો પાયો છે. પ્રેમ વિના નર પશું. પ્રેમ ના હોય ત્યાં જ હિંસાઓ થતી હોય છે, પ્રેમ ના હોય ત્યાં જ કજીયા-કંકાશ થતા હોય છે, પ્રેમ ના હોય ત્યાં જ થોબડા ચઢી જતા હોય છે, પ્રેમ ના હોય ત્યાં જ હસી-ખુશીની બાદબાકી થતી હોય છે. ને પ્રેમ ન હોય એવા જ ઘરો બરબાદ થતા હોય છે, ને પ્રેમ ન હોય ત્યાં જ વાંધા-વચકા, ટીપ્પણીઓ થતી હોય છે. ખરેખર તો જે પ્રેમીલો વ્યકિત હોય તેનામાં તો ઇર્ષા અહંકાર, દ્વેષની ફારગતી થયેલી હોવી જોઈએ. તોજ એ ધર્મ બજાવવાની લાયકાત પ્રાપ્ત કરી શકે. ધર્મની ઇમારતના પાયાની 'ઇંટ' છે, આ પ્રેમ. આ પ્રેમની ઇંટ વગરની ઇમારત ગમે ત્યારે ધારાશાયી થઈ શકે. માણસ હતાશ- નિરાશ કે હિંસક આ પ્રેમના અભાવે જ થતો હોય છે, ધાર્મિક હોવા છતાં પણ..! જે હૃદયમાં પ્રેમ- ધર્મ ના હોય ત્યાં માત્ર પસ્તાવો જ બચે છે. પ્રેમ એ ધર્મની શોભા છે. જ્યાં પ્રેમ-રૂપી ધર્મની ગેરહાજરી હોય ત્યાં પ્રેમી-પ્રેમીકા કે મહેમાન તો શું પણ ત્યાં ભગવાન પણ નહીં રોકાય. સીધો બારોબાર નીકળી જશે. જુઓ હંસા દવે એ ગાયું છે.
મેં તો ચાહતના દ્વારને વાસ્યા હતા..।
એ તો ચાલ્યા ગયા બંધ જોઈને..।
પછી જીવતર ઉછેચ્યું મેં રોઈને.. ।
- અંજના રાવલ