માતા-પિતા મમતાની એવી નિરાળી ઋતુ છે કે જે બારે માસ સતત વાત્સલ્યની જ વર્ષા કરે !!
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
આપણને કદાચ અંદાજ પણ ન આવી શકે એ હદે આપણી નાદાનિયતનાં કારણે એમણે અપમાન- અવગણના હસતે મુખે વેઠી હશે. ઉદાહરણરૂપે, પર્યુષણામહાપર્વ જેવી ધર્મસભામાં માતા-પિતાની ગોદમાં બેસેલ આપણે ચીચાચીસ કરી મૂકી હશે ત્યારે કાર્યકર્તાઓએ એમને ફરજિયાત સભા છોડી જવાનું કહ્યું હશે, તો ક્યારેક એ સ્થિતિમાં એમણે સ્વયં ન છૂટકે સભાસ્થળ છોડવું પડયું હશે, તો ક્યારેક આપણે વિના કારણે વહોરેલા ઝઘડાનાં કારણે એમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું હશે. નાદાનિયતની એ વયે આપણે એમને આપેલ આ બધી દુ:ખદ સ્મૃતિઓ ભૂંસીને સુખદ સ્મૃતિઓ આલેખવાનું કાર્ય હવે આપણે આ સમજદારીની વયમાં કરવાનું છે. અને એ થશે એમને દરેક તબક્કે સન્માન આપવાથી.
સૂર્ય પ્રકાશવર્ષા- ઊર્જાવર્ષા કરીને આપણા પર ઉપકાર કરે છે, તો વાદળ જલવર્ષા કરીને આપણા પર ઉપકાર કરે છે, ધરતી ધાન્યદાન કરીને આપણા પર ઉપકાર કરે છે, તો વૃક્ષ ફળદાન કરીને આપણા પર ઉપકાર કરે છે. પ્રકૃતિનાં આ વિધવિધ તત્ત્વો જેમ આપણા પર ઉપકાર કરે છે, તેમ કેટલાક જીવંત વ્યકિતત્વો પણ આપણા પર ઉપકાર કરતા હોય છે.
એવા અપ્રતિમ ઉપકારો એ વ્યકિતત્વોના હોય છે કે જે ન હોત તો આપણું જીવન અધૂરું- સાવ સૂનું હોવાનું આપણને મહેસૂસ થાત. આવા ઉપકારી જીવંત વ્યકિતત્વોમાં પ્રથમોપકારની દૃષ્ટિએ સર્વપ્રથમ સ્થાન પામે છે માતા-પિતાદિ. માટે જ, 'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થના જે શ્લોકના આધારે આપણે ચિંતનયાત્રા કરી રહ્યા છીએ તે શ્લોક 'પિત્રાદિભક્તિ :' શબ્દપ્રયોગ દ્વારા માતા-પિતાદિની ભક્તિને ચોથી શુભ બાબત તરીકે પ્રસ્તુત કરે છે.
ભારતીય સંસ્કૃતિ 'માતૃદેવોભવ પિતૃદેવો ભવ' જેવા સૂત્રો દ્વારા માતા-પિતાનું મહિમાગાન કરે છે, તો 'દુપ્પડિઆરાણિ અમ્માપીઈણિ' શબ્દો દ્વારા જૈન શાસ્ત્રો એમ કહે છે કે માતા-પિતાના ઉપકારો દુષ્પ્રતીકાર્ય છે. મતલબ કે શ્રેષ્ઠ ભક્તિ કરો તો ય એમના ઉપકારોનું ઋણ ચૂકવી ન શકાય : સિવાય કે એમને સંયમદાન કરાય. અરે ? સ્વયં ભગવાન તીર્થકરદેવો પણ એમની પૂર્વાવસ્થામાં માતા-પિતાદિનો તીવ્ર આદર કરી એમની ભક્તિનો આદર્શ જગતને આપે છે. આપણે આજના લેખમાં માતા-પિતાદિની વિશિષ્ટ ઉપકારકતા સંક્ષેપમાં નિહાળીને એમની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલીક મહત્વની બાબતો વિચારીશું.
એક કવિએ માતા-પિતાના વાત્સલ્યને આ રીતે બિરદાવ્યું છે કે :
સઘળા સ્નેહના સરવાળા કરી,
કાઢો એની સરસાઈ;
માતા-પિતાના વાત્સલ્ય સામે,
કરી ન શકે એ ય હરીફાઈ.
માતા-પિતાનું વિશિષ્ટ વાત્સલ્ય-વિશિષ્ટ ઉપકારકતાં સંક્ષિપ્તપણે ત્રણ દૃષ્ટિબિંદુથી તરત સમજી શકાય : (૧) વિના આમન્ત્રણનો ઉપકાર. સૃષ્ટિનો સામાન્ય નિયમ એ છે કે કોઈ વ્યકિત પાસે એનો સ્વાર્થ સધાતો હોય યા ભાવ વધતો હોય તો જ, બાકી નહિ. જ્યારે માતા-પિતા એવું વત્સલ- ઉપકારક તત્ત્વ છે કે જે સંતાનનાં આમન્ત્રણની રાહ જોયા વિના જ એને સહાયક થવા તૈયાર થઈ જાય.
સંતાન હજુ તો બોલી પણ ન શક્તું હોય છતાં સમય સમય પર એને દૂધપાન- એનું શૌચ વગેરે બધી જ બાબતો વિના આમન્ત્રણે વત્સલભાવે કરે. અરે ! નજરથી દૂર સંતાનની આવશ્યકતાઓની કલ્પનામાત્રથી એ જાનનું જોખમ ખેડવા ય તૈયાર થઈ જાય. શ્રમજીવી સ્ત્રી હીરાકણીની સત્ય ઘટના આનો પુરાવો છે કે જેનાં નામ પરથી છત્રપતિ શિવાજીએ હીરાકણીબુરજ નામકરણ કર્યું હતું. અંધારી રાત્રે જાનને હથેળીમાં લઈ બાળક સુધી પહોંચી જનાર મા હીરાકણીને ત્યારે સંતાનનું કોઈ ઉપકાર આમન્ત્રણ તો ન હતું.
૨) વિના શર્તનો ઉપકાર: આ વિશ્વમાં કોઈ વ્યક્તિ આપણને મોટી સહાય કરે તો એમાં શર્ત સામેલ હોય. વ્યાપારી લાખો રૂ. ધીરે તો એમાં વ્યાજની શર્ત સામેલ હોય ને સુરક્ષા એજન્સી સિક્યોરીટીગાર્ડ્સ આપે તો એમાં તગડા પગારની શર્ત જોડાય. ક્યાંક, મૌખિક તો ક્યાંક લેખિત. કિંતુ માતા-પિતા ક્યારેય શરતી ઉપકાર કરતા નથી. સંતાન માટે એ તન-મન-ધન કુરબાન કરી દે છે બે-શર્ત. સંતાનની માંદગીમાં રાતોના ઉજાગરાઓ કરતી કે એના અભ્યાસાદિ માટે બધી રીતે ઘસાતી મા કઈ શર્તથી એ કરે છે ? કોઈ જ નહિ.
(૩) વિના અપેક્ષાનો ઉપકાર : કોઈ સેવાભાવી સામાન્ય વ્યકિત જ્યારે આપણા નાના-મોટાં કાર્ય કરી દે ત્યારે એ વળતરની શર્ત ભલે ન કરે, કિંતુ એને ય બક્ષિસ વગેરે જેવી અપેક્ષા તો હોય છે જ્યારે માતા-પિતા એવા છે કે જે અપેક્ષા રાખ્યા વિના સંતાન માટે તમામ કરી છૂટે છે. હા, હૂંફ-લાગણીની અપેક્ષા એમને ય હોઈ શકે છે. અહીં જે અપેક્ષાનો ઉલ્લેખ છે એ ભૌતિક પદાર્થોની સમજવી. જો આ ત્રણ દૃષ્ટિબિંદુઓ બરાબર આત્મસાત્ કરી દેવાય તો પછી 'માતૃદેવો ભવ... પિતૃદેવો ભવ'ની વિભાવના માત્ર સૂત્રોમાં ન રહી જાય, બલ્કે આચરણમાં ચરિતાર્થ થાય.
આપણે આ વિભાવનાને આચરણનાં સ્તર સુધી એવી રીતે લઈ જઈએ કે આપણા પરિચયમાં આવનારને ય સાવ સહજપણે આપણી માતૃભક્તિ-પિતૃભક્તિનો અનુભવ થાય. એ માટે ચાર બાબતોનો સતત ખ્યાલ રાખવો જોઈએ :
૧) માતા-પિતાને અગ્રતાક્રમ આપો: આપણે જ્યારે ખૂબ નાના હતા અને પથારી ભીની કરી હતી ત્યારે સૂકામાં સુવડાવવામાં માએ આપણને અગ્રતાક્રમ આપ્યો હતો, તો મનગમતાં ભોજન-મોંઘાં વસ્ત્રો માટે ય માતા-પિતાએ અગ્રતાક્રમ આપણને જ આપ્યો હતો. પોતે અગ્રતાક્રમ આપ્યા હશે. તો હવે વૃદ્ધ માતા-પિતા માટે આપણો અભિગમ એજ હોવો જોઈએ કે દરેક સારી બાબતોમાં અગ્રતાક્રમ એમને અપાય. ઉદાહરણરૂપે, કોઈ ધર્મકાર્યમાં- સેવાકાર્યમાં દાન લખાવવાનું હોય તો નામ માતા-પિતાનું અપાવું જોઈએ.
અગ્રતાક્રમે એ હોય, આપણે નહિ. તો મંચ પર હાર-તોરા સ્વીકારવાના હોય તો ય માતા-પિતાને આગળ કરવાના હોય. ધર્મક્ષેત્રની વ્યકિત હોવાના નાતે અમારે અલગ અલગ ગામોના અલગ અલગ સંઘકાર્યોમાં જોડાવાનું બને અને એમાં ભાતભાતની વ્યકિતઓના સારા-નરસા અનુભવ થાય. એમાં કેટલીય વ્યકિતઓ એવી પણ નિહાળી છે કે જેણે સ્વયં ઉપાર્જિત સંપત્તિના લાખો-ક્રોડોનાં દાન કરે અને નામ માત્ર માતા-પિતાનું લખાવે, એમાં ' હસ્તે' તરીકે પણ પોતાનું નામ હોય.
તો કેટલીય વ્યક્તિઓ એવી ય નિહાળી છે કે જે મોટા લાભ લેવાના હોય ત્યાં ય માતા-પિતાની ઇચ્છાને અનુસરે, માતા-પિતા કહે એમાં ક્યાં ય આનાકાની નહિ. અરે ! એવી વ્યકિતઓનો ય પરિચય છે કે જેઓએ સ્વતંત્ર બંગલા મુંબઈમાં ખરીદવાની તૈયારી કરી હતી. પરંતુ માતાની ઇચ્છા ન હોવાનાં કારણે સોદા રદ કર્યા હતા.
૨) માતા-પિતાને સન્માન આપો: આપણને કદાચ અંદાજ પણ ન આવી શકે એ હદે આપણી નાદાનિયતનાં કારણે એમણે અપમાન- અવગણના હસતે મુખે વેઠી હશે. ઉદાહરણરૂપે, પર્યુષણામહાપર્વ જેવી ધર્મસભામાં માતા-પિતાની ગોદમાં બેસેલ આપણે ચીચાચીસ કરી મૂકી હશે ત્યારે કાર્યકર્તાઓએ એમને ફરજિયાત સભા છોડી જવાનું કહ્યું હશે, તો ક્યારેક એ સ્થિતિમાં એમણે સ્વયં ન છૂટકે સભાસ્થળ છોડવું પડયું હશે, તો ક્યારેક આપણે વિના કારણે વહોરેલા ઝઘડાનાં કારણે એમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું હશે. નાદાનિયતની એ વયે આપણે એમને આપેલ આ બધી દુ:ખદ સ્મૃતિઓ ભૂંસીને સુખદ સ્મૃતિઓ આલેખવાનું કાર્ય હવે આપણે આ સમજદારીની વયમાં કરવાનું છે. અને એ થશે એમને દરેક તબક્કે સન્માન આપવાથી.
કોઈ પણ મોટી બાબતો એમને જણાવીને કરવી- એમની નાની નાની સામાન્ય વાતો ધીરજપૂર્વક સાંભળવી- એમને કોઈ સૂચના આપવી પડે તો તોછડાઈથી નહિ મૃદુતાથી આપવી વગેરે સન્માન આપવાના પ્રકાર છે. જ્યાં આવું સન્માનપ્રદ વલણ ન હોય ત્યાં મૌન બની જતાં માતા-પિતાનું દિલ તો તૂટે જ છે, ઉપરાંત ઘણીવાર આપણી ખુદની' ઇમેજ' પણ તૂટે છે. આ સંદર્ભમાં અમે અહીં ટાંકીશું અમારો જ એક શૈશવકાલીન સ્વાનુભવ :
અમારી માત્ર બાર વર્ષની વય ત્યારે હતી. દીક્ષાનું એ પ્રથમ વર્ષ. એક આચાર્યદેવ પાસે કોઈ યુવાન દીક્ષાની વાત કરતો હતો. એ યુવાન, એના પિતા અને આચાર્યદેવ સાથે બેઠા હતા. પિતાએ ગુરુજીને કહ્યું : 'હજુ આનામાં વિનય-વિવેકની ખામી છે. હમણા દીક્ષા ન અપાય.' ગુરુજીએ યુવાનને કહ્યું : ' જો, તારા પિતાજી શું કહે છે ?' યુવાને એકદમ તોછડો ઉત્તર આપ્યો કે' એ તો બોલ્યા કરશે.
આપણે એક કાને સાંભળી બીજા કાનથી કાઢી નાંખવું.' થોડે જ દૂર બેસી આ ચર્ચા સાંભળતા અમને એ બાળવયે પણ તુર્ત એમ થયું કે' જે પિતા માટે આવા અવિવેકી શબ્દો બોલે છે એ વ્યકિતને દીક્ષા માટે પાત્ર ન ગણી શકાય.' અને.. ખરેખર તે દીક્ષા સફલ ન થઈ. શું દર્શાવે છે આ ઘટના એ જ કે માતા-પિતાદિ પ્રત્યેનું તોછડું વર્તન સરવાળે તો આપણી ખુદની 'ઇમેજ' તોડે છે...
(૩) માતા-પિતાને યશ આપો: અમને શ્રમજીવનના પ્રારંભથી એક સંસ્કાર મળ્યા છે કે જીવનમાં જે કાંઈ શુભ છે એ પ્રભુ-ગુરુને આભારી છે અને જે કાંઈ ખોટું છે એની જવાબદારી આપણી પોતાની છે. બસ, આજ રીતે એમ વિચારાય કે જીવનનાં શૈશવમાં જે જે શુભ બાબતો ઘુંટાઈ એનો યશ માતા-પિતાને જાય અને એ સમયમાં જે કાંઈ ખામી રહી ગઈ એની જવાબદારી વ્યકિતની ખુદની ગણાય. આ વિચાર શબ્દો દ્વારા અમલી બનાવી અવસરે એમ કહેતા રહેવું.
જેમકે, કોઈ આપણી કરુણાની પ્રશંસા કરે તો આપણો ઉત્તર એ હોય કે' માતા-પિતાએ નાનપણથી અમને જીવદયાના સંસ્કાર જડબેસલાખ આપ્યા છે.' કોઈ આપણી ધર્મભાવનાની પ્રશંસા કરે તો આપણો ઉત્તર એ હોય કે' નાનપણથી માતા-પિતાએ પ્રભુપૂજા- સાધુસાધ્વી ભક્તિનાં ઉત્તમ બીજ રોપ્યા હતા. એનું આ સરસ ફળ છે.' આવું ઉત્તમ વલણ એક તરફ જીવંત માતા-પિતાનાં હૈયે ખુશી પ્રગટાવે, તો બીજી તરફ આપણામાં કૃતજ્ઞાતાગુણ ખીલવે. અમે અહીં યાદ કરીશું અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ યુગદિવાકર આચાર્યભગવંત ધર્મસૂરીશ્વરજી મહારાજની એક ઘટના :
ઇ.સ.૧૯૭૭નો એ દિવસ. અમારી દીક્ષાનું એ પૂર્વવર્ષ હતું. પ્રતિવર્ષની જેમ એ દિવસે ધર્મસૂરીશ્વરજી મ.ના જન્મદિનની ભવ્ય ઉજવણી હતી. પાલિતાણા- સાહિત્યમંદિરે ચિક્કાર મેદની વચ્ચે અનેક શ્રમણોએ ગુણાનુવાદ વક્તવ્યો કર્યા, ગુરુગીત વગેરે ગવાયા. અંતે ધર્મસૂરીશ્વરજી મ.નું દશ મિનિટનું હૃદયસ્પર્શી વકતવ્ય થયું. એમાં એમણે પોતાના જીવનશિલ્પી ગુરુદેવોને તો યાદ કર્યા.
કિંતુ એથી ય પૂર્વે પોતાના સાંસારિક માતા છબલબેનને યાદ કરીને તેઓ બોલ્યા: 'આજે અમારું જે સ્થાન છે એનાં મૂળમાં અમારા સાંસારિક માતા જ છે. એમણે ચીવટથી પાઠશાળાનો ધાર્મિક અભ્યાસ કરાવ્યો અને ગુરુદેવોની એક જ વારની પ્રેરણાથી અમને દીક્ષાની તાલિમ માટે મોકલ્યા. માટે આ સ્થાન શક્ય બન્યું છે.' ખ્યાલમાં રહે કે આ શબ્દો બોલાયા ત્યારે તેઓ જૈન શાસનના સર્વાધિક પુણ્યપ્રભાવશાળી વિભૂતિરૂપે પંકાતા હતા. છતાં માતાને એમણે આપેલ આ યશ એમની માતૃભક્તિ અને કૃતજ્ઞાતાનો બોલતો પુરાવો છે.
૪) માતા- પિતાને સમય આપો: વૃદ્ધ અને પીડાગ્રસ્ત માતા-પિતાને આપણે સગવડ કેવી આપીએ છીએ એ એમના માટે એટલું મહત્વનુ નથી, જેટલું મહત્વનું આપણે એમના માટે સમય કેટલો આપીએ તે છે. એ સમય એમનાં નાનાં-મોટાં સેવાકાર્યરૂપે પણ હોય અને એ સમય એમની સાથે વાર્તાલાપરૂપે પણ હોય. આનાથી એમને એ અવસ્થામાં હૂંફનો- આત્મીયતાનો અનુભવ થાય. આપણે આ રીતનો સમય આપીએ એ વૃદ્ધ માતા-પિતા માટે કેટલું બધું મહત્ત્વપૂર્ણ છે એ સમજવું હોય તો વાંચો આ નાનકડી કથા :
જન્મદિવસે મમ્મીને 'સરપ્રાઈઝ ગિફ્ટ' આપવા દીકરો એક બોક્ષ લઈ આવ્યો. એણે ઉમળકાભેર મમ્મીને કહ્યું :' આ બોક્ષ ખોલજે. અંદર બીજા બે પેકિંગ છે. એમાંથી તેં જે ધારી ન હોય એવી 'ગિફ્ટ'નીકળશે. એ તને જન્મદિવસની મારી ભેટ છે.' મમ્મીએ દીકરાની હોંશ ખાતર બોક્ષ અને પેકીંગ ખોલ્યા. એમાંથી સોનાના પટ્ટાની નંગજડેલી ઘડિયાળ નીકળી.
દીકરાને હતું કે મમ્મી એકદમ ખુશખુશાલ થઈ જશે. પરંતુ જીવનના છ દાયકા વટાવી ગયેલી મમ્મીએ ફિક્કાં હાસ્ય સાથે પુત્રને કહ્યું :' તું મને આ સોનાના પટ્ટાની ઘડિયાળ નહિ આપે તો ચાલશે. પરંતુ એ ઘડિયાળ જે દર્શાવે છે તે સમય તું મને આપીશ તો મને ખૂબ ખુશી થશે. વધુ નહિ, માત્ર પા કલાક તું રોજ મારી સાથે ગાળે એ મારી ઝંખના છે.' દીકરાને હવે ખ્યાલ આવ્યો કે પોતે ક્યાં ચૂકી રહ્યો છે...
છેલ્લે માતા-પિતાની ભાવસૃષ્ટિને પ્રતિબિંબિત કરતી પંક્તિ સાથે સમાપન કરીએ કે :
વાત હરદમ બસ વરસવાની કરે,
ઋતુ મમતાની આ નિરાળી છે,
અન્ય કો'રિવાજને ક્યાં અહીં સ્થાન છે,
અહીં તો બસ ત્યાગની જ પ્રણાલી છે...