Get The App

ચોત્રીશ લેખોની સુદીર્ઘ'જ્ઞાાનસાર' યાત્રાનું સમાપન: જ્ઞાાનના દીવડા સહુનાં જીવનમાં નિત્ય દીવાળી સર્જો !!

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

Updated: Nov 20th, 2019

GS TEAM

Google News
Google News
ચોત્રીશ લેખોની સુદીર્ઘ'જ્ઞાાનસાર' યાત્રાનું સમાપન: જ્ઞાાનના દીવડા સહુનાં જીવનમાં નિત્ય દીવાળી સર્જો !! 1 - image


બત્રીશ અલગ અલગ અદ્ભુત વિષયોના ગહન- આત્મસ્પર્શી ચિંતનને બત્રીશ અષ્ટકમાં સમાવતો મહાન ગ્રન્થ 'જ્ઞાાનાસાર' ? સંસ્કૃત ભાષાબદ્ધ અને શ્લોકનિબદ્ધ એ'જ્ઞાાનસાર' ગ્રન્થના આધારે આપણે' અમૃતની અંજલિ'માં કુલ (એક ભૂમિકા લેખ+બત્રીશ અષ્ટક- લેખ + એક અંતિમ લેખ મળી) ચોત્રીશ લેખની સુદીર્ઘ ચિંતનયાત્રા કરી રહ્યા છીએ. આજે છે એનો અંતિમ લેખ- ઉપસંહારલેખ.

ના, આ ઉપસંહાર લેખ માત્ર અમારી કલ્પના આધારિત નથી.' જ્ઞાાનસાર' ગ્રન્થકર્તા મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજીગણિવરે સ્વયં બત્રીશ અષ્ટકના બસો છપ્પન શ્લોકો બાદ, સત્તર શ્લોકોમાં ગ્રન્થનો ઉપસંહાર કર્યો છે. આપણે એ ઉપસંહારશ્લોકોના સથવારે આજની ચિંતનયાત્રા કરીશું:

એક વાત ખબર છે ? ગ્રન્થકારની સર્જનશક્તિ- કલ્પનાશક્તિ વિશિષ્ટ હોય ત્યારે સર્જનમાં વિષયની સાથોસાથ કેટલીક ચમત્કૃતિઓ પણ ભળે છે. ઉદાહરણરૂપે, કોઈ સમર્થ સર્જક એક જ શ્લોકની બીજી-ચોથી પંક્તિ એવી રચે કે જે અક્ષરશ : સમાન હોય છતાં અર્થે બન્નેના સર્વથા ભિન્ન હોય.

જેને શ્રમણ પરંપરાના મહાકવિ શોભનમુનિવરે સંસ્કૃતભાષામાં ચાર ચાર શ્લોકની એક એવી ચોવીશ સ્તુતિઓ આ શૈલીની રચી છે કે જેમાં મહદંશે દરેક શ્લોકની બીજી- ચોથી પંક્તિ અક્ષરશ: સમાન હોય અને અર્થથી સાવ અલગ હોય ! તો વળી કોઈ સર્જક ભક્તામર જેવા વિખ્યાત સ્તોત્રના એક શ્લોકની ચાર પંક્તિઓને ચાર અલગ અલગ શ્લોકમાં, મૂળ શ્લોકના પંક્તિક્રમાંકે એવી રીતે રજૂ કરે કે તે દરેક શ્લોકનો અર્થ એકદમ બરાબર જ લાગે.

બસ, આવી જ એક ચમત્કૃતિભરી વિશેષતા 'જ્ઞાાનસાર' ગ્રન્થકારે પેલા ઉપસંહારની પ્રારંભિક શ્લોકોમાં પ્રસ્તુત કરી છે. એમણે તમામ બત્રીશે ય અષ્ટકોનાં નામ પ્રારંભિક શ્લોકોમાં એ રીતે ગૂંથ્યા છે કે જેમાં એક તરફ ક્રમબદ્ધ બત્રીશેય અષ્ટકોનો વિષય આવે અને બીજી તરફ સાધક શ્રમણની બત્રીશ વિશેષતાઓ પ્રગટ કરે તેવા વિશેષણો બને. 

ઉપસંહારના શ્લોકોને ત્રણ વિભાગમાં વિભક્ત કરીએ તો આ બત્રીશ વિશેષણયુક્ત શ્લોકો પ્રથમ વિભાગમાં આવે, બીજા વિભાગમાં જ્ઞાાનની અને જ્ઞાાની મુનિની મહત્તા દર્શાવતા શ્લોકો આવે, તેમજ અંતિમ વિભાગમાં ગ્રન્થરચના સ્થળ- ગુરુપરંપરાનિર્દેશના શ્લોકો આવે. આપણે આ ત્રણેય વિભાગની કેટલીક ઝલકો આ લેખમાં નિહાળીશું અને એમાં પ્રારંભે પેલા બત્રીશ વિશેષણોમાંથી થોડી અલપ-ઝલપ વિચારીશું :

આ શ્લોકોમાં એક વિશેષણ મુનિ માટે છે'શાન્ત :' છટ્વા શમ-અષ્ટકનો અંગુલિનિર્દેશ કરતું આ વિશેષણ એમ જણાવે છે કે મુનિ શાંત હોય. શાંત એટલે ? 'વિક્ટ સ્થિતિમાં ગુસ્સાભર્યો પ્રતિભાવ ન આપવો' આટલો જ અર્થ પર્યાપ્ત નથી. એ તો રાજકારણી- મુત્સદ્દી વ્યકિતઓ પણ કરી શકે છે. પરંતુ એમને ખરા અર્થમાં શાંત ન કહી શકાય. કેમ કે તેઓ તો શિકાર ખતરાના દાયરામાં આવે ત્યાં સુધી ચૂપચાપ બેસી રહેતા શિકારી ચિત્તા જેવા છે.

તક આવતાં જ તેઓ સામી વ્યકિતને સકંજામાં લઈ પાયમાલ કરે. ખરા શાંત તો એ સાધકો છે કે જે અપરાધી વ્યકિતનું મનથી પણ અશુભ ન ઇચ્છે.' કલ્પસૂત્ર' આગમગ્રન્થમાં પ્રભુ માટે પ્રયોજાયેલ ત્રણ શબ્દો સાચા 'શાંત' સાધકનું સ્પષ્ટ ચિત્ર દોરે છે. ત્યાં લખાયું છે' સંતે પસંતે ઉવસંતે'.

મતલબ કે જે બહારથી આવેશાદિ રહિત હોય તે કહેવાય શાંત, જે ભીતરી ઉકળાટથી આવેશથી રહિત હોય તે ગણાય પ્રશાંત, ને જે ભીતર-બહાર બે ય રીતે શાંત હોય તેને ગુણાય ઉપશાંત. આ ત્રણેય શબ્દોનું સંમીલિત સ્વરૂપ જ્યાં છે તે સાધકને સાચા અર્થમાં શાંત કહેવાય. યાદ આવે અહીં દમદંતમહામુનિ કે જેમનામાં આ ત્રણેય શબ્દોનું સંમીલિત સ્વરૂપ પ્રતિબિંબિત થાય છે. ઘટના એમની કૈંક આ હતી : 

દમદંતમુનિવર પૂર્વાવસ્થામાં વિશાલ સામ્રાજ્યના અધીશ્વર સમ્રાટ હતા. એમની સાથે કોઈ અન્યાયી કારણ ખડું કરીને દુર્યોધને યુદ્ધ કર્યું. પરંતુ મહારાજા દમદંત એટલા બળવાન હતા કે એમણે કૌરવોને પરાજ્ય આપ્યો. પરાજિત કૌરવોનો પક્ષ લઈ ભાઈ હોવાના નાતે પાંડવો આવ્યા તો દમદંતરાજાએ એમને પણ શિકસ્ત આપી. કૌરવોના પક્ષે આ પરિણામ અણધાર્યું અને કલ્પનાતીત આઘાતજનક હતું. એ ઘટનાની કેટલાક સમય બાદ રાજાદમદંતે વૈરાગ્યવાસિત થઈ સંયમ ધર્મ સ્વીકાર્યો અને એ દમદંતમુનિવર બન્યા.

એકદા તેઓ માર્ગની એક તરફ કાર્યઓત્સર્ગમુદ્રામાં ધ્યાનલીન હતા. એ સમયે પાંડવો પ્રભુનેમિનાથની ધર્મદેશના શ્રવણ કરવા ત્યાંથી નીકળ્યા. તેઓ સજ્જન હતા. એથી પૂર્વની યુદ્ધઘટના યાદકર્યા વિના તેઓ મુનિવરની વર્તમાન ધ્યાનસાધનાને ભાવભીનાં વંદન કરી આગળ વધ્યા. થોડા સમય બાદ એ જ માર્ગે દુર્યોધન વગેરે કૌરવો આવ્યા. દમદંતમુનિને જોતાંવેંત એમને પહેલાનો પરાજ્ય યાદ આવ્યો. એમણે દાંત કચકચાવી મુનિને અપશબ્દો કહ્યા, અપમાન કર્યું અને પથ્થર પણ ફેંક્યો. સાથેના રસાલાએ પણ એનું અનુકરણ કરતાં જોતજોતામાં મુનિવર પથ્થરોથી ઘેરાઈ ગયા.

ધર્મદેશના સાંભળી પરત આવી રહેલ પાંડવોએ આ દૃશ્ય નિહાળ્યું અને એમને આમાં મોટો અવિવેક લાગ્યો. એમણે અંત:કરણપૂર્વક  મુનિવરની ક્ષમા યાચી અને પથ્થરો વગેરે હટાવી સુવિધા કરી. જૈન શાસ્ત્રોએ નોંધ કરી કે કૌરવોએ પથ્થર માર્યા ત્યારે અને પાંડવોએ ક્ષમા યાચી ત્યારે દમદંત મુનિવરના અંતરમાં ન તો કૌરવો પ્રત્યે નાનકડો પણ દ્વેષ હતો કે ન તો પાંડવો પ્રત્યે સ્નેહ હતો.  વિનાકારણ પરેશાન કરનાર કૌરવો પ્રત્યે એમનાં અંતરમાં એક પણ અહિતનો વિચાર ન હતો જાગ્યો. આ છે સાધક મુનિની 'શાંત' આંતર-બાહ્ય સ્થિતિ. છટ્વા અષ્ટકની આ પંક્તિ અહીં સાર્થક થાય કે 'જ્ઞાાનસ્ય પરિપાકો ય; સમ શમ: પરિકીર્તિત.'

ઉપસંહારના પ્રારંભિક શ્લોકોનાં બત્રીશ વિશેષણોમાં એક વિશેષણ છે 'જિતેન્દ્રિય:' સાતમા ઇન્દ્રિયજ્યાષ્ટકનો અંગુલિનિર્દેશ કરતું આ સાતમા ક્રમનું વિશેષણ એમ કહે છે કે શ્રમણ ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયન્ત્રણ ધરાવતો હોય. ઇન્દ્રિયો મનફાવે તેમ સાધકને ખેંચી ન શકે, સાધક પોતાની ઇચ્છાનુસાર ઇન્દ્રિયોને પ્રવર્તાવી શકે.

ઉદાહરણ રૂપે, આંખ કોઈ રૂપલાવણ્યમયી યુવતીને અનિમેષ નીરખવા ચાહતી હોય તો સાધક એ મુજબ ખેંચાય નહિ. એ આસાનીથી આંખ પર રોક લગાવી શકે. એજ સાધક પરમાત્માનાં દર્શન અનિમેષપણે કરવા ચાહે ત્યારે એ આસાનીથી નેત્રોને તે મુજબ પ્રવર્તાવી શકે. સારાંશ કે નેત્રાદિ પાંચે ય ઇન્દ્રિયો પર સાધકનું નિયન્ત્રણ અસાધારણ હોય. એથી એને કહેવાય છે જિતેન્દ્રિય.

મોબાઈલ- વોટ્સએપ વગેરેના આ યુગમાં પત્રલેખનની પરંપરા પ્રમાણમાં ભલે અલ્પ થઈ હોય. પરંતુ જ્યારે પત્રલેખનનું પ્રમાણ પ્રચુર હતું ત્યારે સંસારી વ્યકિતઓ શ્રમણોને શ્રેણિબદ્ધ વિશેષણો લખી પત્રનો પ્રારંભ કરતી. એમાં આ બે વિશેષણો લગભગ સાથે સાથે લખતા :' શાંત' અને 'દાંત'.' શાંત'નો અર્થ આપણે પૂર્વ નિહાળ્યો. પણ 'દાંત' એટલે શું ? 'દાંત'નો અર્થ છે ઇન્દ્રિયોનું દમન કરનાર. ખ્યાલમાં રહે કે આ દમન ઇન્દ્રિયશક્તિને કુંઠિત કરવારૂપે નથી હોતું, બલ્કે જ્ઞાાનજન્ય વિવેક દ્વારા થતું હોય છે.

એથી એમાં ભીતરી અતૃપ્તિની આગ નથી હોતી, બલ્કે ભીતરી તપ્તિનો બાગ હોય છે. યાદ આવે ઇન્દ્રિયજયાષ્ટકની આ પંકિત કે' ભવ તૃપ્તોડન્તરાત્મના' દાંત મુનિવર ભીતરથી એવા તૃપ્ત હોય કે ભલભલી દુન્યવી વ્યકિત લલચાઈ જાય- લપસી જાય એવી ભોગની ઓફર વચ્ચે-આલંબન વચ્ચે એમનું રૂવાડું ય ન ફરકે. ખબર છે કામવિજેતા સ્થૂલભદ્રમુનિવરની વાત ?

તત્કાલીન ભારતવર્ષની શ્રેષ્ઠ રૂપસુંદરી કોશાનો સહવાસ પૂર્વાવસ્થાના મન્ત્રી પુત્ર સ્થૂલભદ્રકુમારે બાર વર્ષ માણ્યો હતો, તો કોશા પણ રાજનૃત્યાંગના- ગણિકા હોવા છતાં સ્થૂલભદ્રને સર્વસ્વ સમર્પિત કરીને રહી હતી. બાર વર્ષો બાદ, પિતાના મૃત્યુના પ્રબળ નિમિત્તથી વૈરાગી બની સ્થૂલભદ્ર મન્ત્રીપુત્ર મટી મુનિવર બન્યા. એ પછી જૈન શાસ્ત્રોના પારગામી બનવા સાથે એમણે અજોડ ઇન્દ્રિયસંયમ હાંસલ કર્યો. પોતાના સંયમની અગ્નિપરીક્ષા કરવા તેઓ ગુર્વાજ્ઞાાપૂર્વક કોશાના રંગમહેલમાં એકાકી ચાતુર્માસ રહ્યા. તેઓ અણિશુદ્ધ સંયમી રહેવા ચાહતા હતા, તો કોશા પોતાના આ મનના મણિગરને પુન: સંસારમાં લઈ આવવા ઝંખતી હતી.

એ નિત્ય સોળ શૃંગાર સજી કામોત્તેજક નૃત્યો- મહદોશ સંગીત વગેરે દ્વારા સ્થૂલભદ્રને વિચલિત કરવાના તમામ પ્રયત્નો કરતી. પૂર્ણ એકાંત- પતનનાં તમામ પ્રબળ નિમિત્તોની હાજરી- સ્વયં સમર્પિત થવા તત્પર વિજાતીય વ્યકિતત્વ : આ સર્વ વચ્ચે ય સ્થૂલભદ્રમુનિવરની મન સ્થિતિ મેરુ પર્વત સમી અચલ- અડોલ રહી. રાગ-વિરાગ વચ્ચેના આ ચારમાસી સંઘર્ષમાં આખરે સ્થૂલભદ્રમુનિવરનો વિરાગ વિજયી બન્યો. એ તો ચલિત ન થયા.

કિંતુ એમણે કોશાને ધર્મમયી- નિયમમયી બનાવી દીધી !! સાચા સાધકની દાંતતા આ છે જે જ્ઞાાનજન્ય વિવેકમાંથી પાંગરે છે, ભયજન્ય અંકુશમાંથી નહિ. આવા સાધકો માટે 'શાંતસુધારસ'  ગ્રન્થમાં મજાની પંક્તિ છે કે ' શાન્તા દાન્તા જિતાક્ષા જગતિ જિનપતે : શાસનં ભાસયન્તિ' મતલબ કે શાંત દાંત ઇન્દ્રિયવિજ્યી આ શ્રમણો જગતમાં જિનશાસનને ઝગમગાયમાન બનાવે છે...

બત્રીશ વિશેષણોના પ્રથમ તબક્કા બાદ ગ્રન્થકારે ગ્રન્થનામને અનુરૂપ જ્ઞાાનની મહત્તા દર્શાવતાં વિધાનો વિવિધ શ્લોકોમાં કર્યા છે. એમાંના એક શ્લોકમાં તેઓ ફરમાવે છે કે : 

નિર્વિકારં નિરાબાધં, જ્ઞાાનસારમુપેયુષામ્ ;

વિનિવૃતપરાશાનાં, મોક્ષોડત્રૈવ મહાત્મનામ્.

ભાવાર્થ કે સમ્યગ્ બોધસ્વરૂપ જ્ઞાાનનો સાર નિર્વિકાર-નિરાબાધ છે. એટલે કે જેમણે આ જ્ઞાાનસાર આત્મસાત્ કર્યો છે તેમનાં જીવનમાં વિકારોના તાંડવ ન હોય, વિકારજન્ય પીડાઓ ન હોય. આવા મહાત્માઓને પરપદાર્થોની ઇચ્છામાત્ર નથી હોતી. એથી એમને તો અહીં જ આ જન્મમાં જ જાણે કે મોક્ષ છે. કેમકે મોક્ષમાં ઇચ્છાઓનો સર્વથા અભાવ છે અને આમને વર્તમાન જન્મમાં જ્ઞાાનસારની ઉપલબ્ધિના બળે ઇચ્છાનો અભાવ હોય છે. એથી એટલે અંશે એમને અહીં મોક્ષ હોવાનું અવશ્ય માની શકાય. આજ ઉપસંહારના અન્ય એક શ્લોકાર્ધમાં ગ્રન્થકાર ફરમાવે છે કે :-

'ચારિત્રં વિરતિ: પૂર્ણા, જ્ઞાાનસ્યોત્કર્ષ એવ હિ'

પૂર્ણ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો 'કાયિક આચરણ એ જ ચારિત્ર' આવું ન મનાય. વિભાવોથી વિરત થઈ સ્વભાવરમણતા કેળવવી એ ચારિત્ર છે. આમ, પૂર્ણ વિરતિરૂપ ચારિત્ર સ્વભાવરમણતાસ્વરૂપ છે અને સ્વભાવરમણતા તો જ્ઞાાનનો જ શ્રેષ્ઢ ઉત્કર્ષ છે. આમાં પણ જ્ઞાાનની મહત્તા સુપેરે સિદ્ધ થાય છે. આગળ જતા આ જ્ઞાાનયોગી પુણ્યાત્મા જ્ઞાાન-ક્રિયાનો અભેદ કરી સાધ્યસિદ્ધ કરે.

ઉપસંહારના ત્રીજા વિભાગમાં ગ્રન્થકાર આ ગ્રન્થ ઉત્તરગુજરાતના સિદ્ધપુર નગરમાં પોતે રચ્યો હોવાનું જણાવે છે અને ગ્રન્થસમાપ્તિનો દિવસ દીવાળીપર્વ હોવાનું  નોંધ છે: જાણે કે દીવાળીના પુનિત પર્વદિને જ્ઞાાનનો આ ચિરંજીવ મહાદીપક પ્રગટયો. ગ્રન્થકાર સ્વયં એ ભાવના અભિવ્યકત કરે છે કે આ ગ્રન્થમાં સુનિશ્ચિત સિદ્ધાંતોરૂપ સેંકડો દીવડાઓથી વિદ્વાનોનાં જીવનમાં નિત્ય દીવાળી પ્રગટો: 'નિત્યોડસ્તુ દીપોત્સવ:' આ ગ્રન્થગત પંક્તિ છે. અંતિમ શ્લોકમાં તેઓ, પોતે દેવસૂરીયચ્છના હોવાનું જણાવી પોતાની ગુરુપરંપરાદિનો નિર્દેશ કરે છે.

અમને  એ લખતાં અચૂક ગૌરવ થાય છે કે જ્ઞાાનસારગ્રન્થકારે જે દેવસૂરીયગચ્છના સંતાનીય હોવાનો ઉલ્લેખ આ ગ્રન્થમાં કર્યો છે તે જ દેવસૂરીયગચ્છની પરંપરાના અમે છીએ. આ ઉપરાંત બીજી ગૌરવપ્રદ બાબત અંગત રીતે અમારા માટે એ છે કે ગ્રન્થકાર જે પવિત્ર તીર્થભૂમિમાં ત્રણસો તેંત્રીશ વર્ષ પૂર્વે કાલધર્મ (દેહમુક્તિ) પામ્યા હતા તે દર્ભાવતી- ડભોઈતીર્થ જ અમારી સાંસારિક જન્મભૂમિ છે જેનો ઉલ્લેખ પ્રથમ લેખમાં પૂર્વે પ્રસંગોપાત્ત કરાયો હતો.

અંતે, ચોત્રીશ લેખોની આ સુદીર્ધ 'જ્ઞાનસાર' ચિંતનયાત્રાનું સમાપન કરતાં ગ્રન્થકાર મહર્ષિની જેમ અમે પણ એ જ શુભ ભાવના ભાવીએ છીએ કે જ્ઞાાનના દીવડા સહુનાં જીવનમાં નિત્ય દીવાળી સર્જો...

Tags :