Get The App

વસ્ત્રના ડાઘ સાબુ વગેરેથી દૂર થઈ શકે... ઇજ્જતના ડાઘ લાખ પ્રયત્ને ય દૂર ન થઈ શકે...

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

Updated: Dec 4th, 2019

GS TEAM

Google News
Google News
વસ્ત્રના ડાઘ સાબુ વગેરેથી દૂર થઈ શકે... ઇજ્જતના ડાઘ લાખ પ્રયત્ને ય દૂર ન થઈ શકે... 1 - image


પરસ્ત્રી સાથેના દુરાચારનાં કારણે એક સત્તાધીશ શક્તિશાળી સમ્રાટનો પણ આવો કરુણ અંજામ આવ્યો તે એ જ સમજાવે છે કે પરસ્ત્રીસંગ કેવું ખતરનાક પાપ છે.  આપણી સંસ્કૃતિ કહે છે કે 'પરસ્ત્રી માત સમાન.' દરેક સ્ત્રીમાં માતા-બહેન- દીકરીનું દર્શન કરવું. જ્યાં આ રીતની દૃષ્ટિ કેળવાઈ જશે ત્યાં વિચારમાં પરિવર્તન પણ આવી જશે. 

એ ક શાયરીમાં સમાજની વાસ્તવિકતાનું સચોટ બયાન કરાયું છે કે :-

'રામ કે જમાને મેં ભી રાવણકા વંશ થા,

કૃષ્ણકે જમાને મેં ભી મૌજૂદ કંસ થા,

ઇતિહાસમેં ઐસા સમય કભી નહિ આયા કિ,

સરોવરમેં બક નહિ કેવલ હંસ થા.'

કબૂલ છે શાયરીનું આ બયાન કે ગામમાં જેમ ઉકરડો અને બગીચો બન્ને હોય છે એમ સમાજમાં સજ્જન અને દુર્જન બન્ને હોય છે. પરંતુ જો એમ પૂછવામાં આવે કે આપણાં આગણાં પાસે બગીચો હોય તે પસંદગીનો વિષય કે ઉકરડો હોય તે ? તો ઉત્તર સહુનો એજ આવે કે ઘરઆંગણાં પાસે પસંદગીતો બગીચાની જ રહે. બસ, આ જ તર્જ પર આપણી પસંદગીનો વિષય સજ્જન બનવાનો જ રહેવો જોઈએ, દુર્જન બનવાનો નહિ. ' ભલે સમાજમાં સજ્જનો અને દુર્જનોનું મિશ્રણ હોય. પરંતુ મારે તો સજ્જન જ બનવું છે.' આવી વિચારધારા સમજદાર વ્યકિતની હોય.

આ વિચારધારાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવી હોય તો  જીવનનું સ્તર સદા ય સદાચારની અભિમુખ રાખવાની તત્પરતા રાખવી રહે. આવી તત્પરતા હશે તો, નિમિત્તો ભલે નબળાં- અધઃપતન તરફ લઈ જનાર મળે તો ય વ્યકિતનું જીવન અધઃપતન નહિ પામે. બલ્કે તે તે નબળાં નિમિત્તોનો પ્રતીકાર કરીને એ  ઊર્ધ્વારોહણ જારી રાખશે. એ તત્પરતા કેળવવા કાજે 'પ' અક્ષરથી શરૃ થતી ચાર બાબતો પર આપણે ગત લેખથી ચિંતન આરંભ્યું હતું. આજે એમાંની ક્રમપ્રાપ્ત ત્રીજી અને ચોથી બાબત અંગે વિચારવિહાર કરીશું:

(૩) પરદારાત્યાગ : પરદારા એટલે પરસ્ત્રી. એની સાથેના અનધિકૃત સંબંધના ત્યાગનો નિર્દેશ આ ત્રીજા સોપાનમાં કરાયો છે. અથવા આ ત્રીજા સોપાનને બહુ વ્યાપક અર્થસંદર્ભ આપીએ તો એમ કહી શકાય કે કોઈ પણ પાત્ર સાથેના અનધિકૃત જાતીય સંબંધના ત્યાગનો આમાં નિર્દેશ છે.

એક સંસ્કૃત સુભાષિત માર્મિક વાત કરે છે કે' કાન્તાકનકસૂત્રેણ, વેષ્ટિતં નિખિલં જગત્.' મતલબ કે સમગ્ર જગત બે બંધનથી ગ્રસ્ત છે : એમાં એકનું નામ છે કાન્તા (સ્ત્રી) અને બીજાનું નામ છે કનક (સુવર્ણ-સંપત્તિ). સ્ત્રી અને સંપત્તિનાં આકર્ષણથી ભલભલા શહેનશાહો- સત્તાધીશો તો બચી શક્તાં નથી, ઉપરાંત અચ્છા અચ્છા માંઘાતા સાધકો ય બચી શક્તા નથી ઘણી વાર. જૈન શાસ્ત્રોની દૃષ્ટિએ વિચારીએ તો આ બન્નેનાં ખતરનાક આકર્ષણનું કારણ છે.

અનાદિકાળથી જીવમાં ધરબાયેલી બે સંજ્ઞાાઓ. મૈથુન અને પરિગ્રહ નામે એ બન્ને સંજ્ઞાાઓ જેમ વધુ પ્રબળ બને તેમ વ્યકિત કાંતા અને કનકમાં વધુને વધુ પ્રબળ આકર્ષણ અનુભવે. સંપત્તિનું આંધળું આકર્ષણ જ્યારે યોગ્ય- અયોગ્યનું ભાન ભુલાવે ત્યારે એનું પરિણામ ભ્રષ્ટાચારમાં આવે, તો સ્ત્રીનું આંધળું આકર્ષણ જ્યારે યોગ્ય- અયોગ્યનો વિવેક ભુલાવે ત્યારે એનું પરિણામ દુરાચારમાં આવે.

ભ્રષ્ટાચાર સેવાય કે દુરાચાર : એની સહુથી પ્રથમ પ્રબળ અસર થાય વ્યક્તિની ઇજ્જત પર.વર્ષોની જહેમતથી એણે જે ઇજ્જત જમાવી હોય એના પર, ભ્રષ્ટાચારના યા દુરાચારના કારમા કલંકથી કૂચડો ફરી જાય. યાદ રહે કે વસ્ત્ર પર લાગેલ ડાઘ સાબુ વગેરેથી દૂર થઈ શકે છે, જ્યારે ઇજ્જત પર લાગેલ ડાઘ લાખ પ્રયત્નો પછી ય દૂર થઈ શક્તો નથી. નામચીન થઈ ગયેલ ભ્રષ્ટાચારી- દુરાચારી વ્યકિત તરફ સમાજની દૃષ્ટિ અમૂક રીતની રંગાયેલી જ રહે. ભ્રષ્ટાચાર યા દુરાચારની આ સર્વપ્રથમ નકારાત્મક અસરો છે.

એક અપેક્ષાએ વિચારીએ તો, લોકમાનસમાં ભ્રષ્ટાચારી કરતા દુરાચારી વ્યકિત વધુ હીન-તિરસ્કારપાત્ર બને છે. એ દૃષ્ટિએ સ્ત્રીનું આકર્ષણ- અંધાનુરાગ ભયંકર વિનિપાત નોંતરી શકે છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો ગુજરાતના એક સમયના સમ્રાટ અજયપાલની આ કરુણાંતિકાસભર ઘટના :

અઢાર દેશના સમ્રાટ અને અહિંસાના મહાન જ્યોતિર્ધર કુમારપાલ મહારાજાના ભત્રીજા અજયપાલે જબરજસ્ત રાજખટપટ- કાવાદાવા કરીને વિશાલ સામ્રાજ્ય હસ્તગત કર્યું તો ખરું. પરંતુ એ રાજગાદીને લાયક ન હતો. પોતાના કાકા કુમારપાલ પ્રત્યે એની ઇર્ષ્યા એટલી તીવ્ર હતી કે કુમારપાલે રચાવેલ જિનમંદિરોનો ધ્વંસ- શ્રમણોની પરેશાની જેવા ધર્મવિરોધી કાર્યો એણે કર્યા. તો ચારિત્રની દૃષ્ટિએ એ ખૂબ શિથિલ હતો. એક રાજકર્તા તરીકેની ઉમદા છબી એનાં આ અવળાં લક્ષણોનાં કારણે ઘૂમિલ થતી હતી.

રાજા અજયપાલની અંગરક્ષકફોજમાં બે યુવાન અંગરક્ષકો હતા. નામ એમના હતા ઘાંઘો અને વૈજલી. આ બન્ને સગા ભાઈઓની માતા યુવાની વટાવી ચૂકી હોવા છતાં આકર્ષક દેહયષ્ટિ ધરાવતી હતી. રાજા અજ્યપાલે જ્યારથી એને નિહાળી ત્યારથીએ એના પર લટ્ટુ બની ગયો એણે યેન કેન પ્રકારેણ એ સ્ત્રી સાથે સંપર્ક સાધ્યો, એને મૂલ્યવાન આભૂષણો આદિથી પ્રસન્ન કરી અને એની સાથે અનૈતિક સંબંધ રચ્યો. રાજા એ વીસરી ગયો કે'પોતે પ્રજાપાલક છે, સંતાન સમી પ્રજા સાથે આવો સમાજવિરુધ્ધ સંબંધ ન શોભે.' એ માત્ર સંપત્તિ અને સત્તા પર મુસ્તાક રહી આ અકાર્ય કરતો રહ્યો. એનો કામરાગ એવો અંધ હતો કે એ પોતાનું સ્થાન-મોભો વગેરે ભૂલી જઈને ઘણીવાર અંધારી રાત્રે એકલો એ સ્ત્રી પાસે પહોંચી જતો. એ ત્યારે ખાસ ખ્યાલ એ રાખતો કે ઘાંઘો- વૈજલી ઘરે ન હોય.

પાપ ક્યારે ય કોઈનું છૂપું ક્યાં રહે છે કે અજયપાલનું પાપ છૂપું રહે ? એની આ પાપલીલાનો અણસાર એના બન્ને નવયુવાન અંગરક્ષક ધંધા- વૈજલીને આવી ગયો. ઘરમાં એકાએક આવતાં મૂલ્યવાન આભૂષણો એમની શંકાને સાચી ઠેરવતા હતા. બન્નેએ એમની માતા સમક્ષ આ અવૈદ્ય સંબંધનો સખત વિરોધ કર્યો. પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. આખરે બન્ને ભાઈઓએ મનોમન આ દુષ્ટ રાજાનો હિસાબ કરી લેવાનો ફેંસલો કરી લીધો.

એક વાર રાત્રે રાજાએ ઘાંઘા- વૈજલીને રાજમહેલના એક વિભાગ પર ચોકી માટે રાખ્યા અને પોતે ગુપ્તદ્વારે ગુપ્તવેશમાં કામવાસના સંતોષવા નીકળી ગયો. સાવધ બન્ને ભાઈઓને રાજાના કારસાનો અંદાજ આવી ગયો. થોડા સમય બાદ બન્ને ભાઈઓ અગત્યનાં કાર્યનું બહાનું બતાવી ઘરે પહોંચી ગયા અને રાજાને માતાને રંગે હાથે ઝડપી લીધા. ગુસ્સાથી ધમધમતા બન્ને ભાઈઓ તલવારો લઈ રાજા પર તૂટી પડયા અને મરણતોલ ઘા પર ઘા કરી રાજાને ઘરની બહાર ફેંકી દીધો. બૂરી રીતે ઘાયલ રાજા ઇજ્જત બચાવવા મહામહેનતે માર્ગ પર ઘસડાતા ઘસડાતા રાજમહેલ તરફ જતો હતો.

ઘા અને તરસથી તરફડતો રાજા માર્ગ પરના મકાનની બહારની ખાળકુંડી પાસે પાણી પીવાની કોશિશ કરતા કુંડીમાં પડયો. એ મકાનની ગૃહિણીએ કોઈ કૂતરું પાણીમાં મસ્તી કરવા આવ્યું સમજીને ઉપરથી મોટો પથ્થર ફેંક્યો. એ પથ્થર સીધો રાજાના મસ્તકે લાગતા રાજા ત્યાં જ કૂતરાના મોતે ખતમ થઈ ગયો ! રાજધાની પાટણના નગરજનોને જ્યારે રાજાના આ કુકર્મ અને કમોતની ખબર પડી ત્યારે કોઈ એના માટે આંસુ સારનાર પણ ન રહ્યું ?

પરસ્ત્રી સાથેના દુરાચારનાં કારણે એક સત્તાધીશ શક્તિશાળી સમ્રાટનો પણ આવો કરુણ અંજામ આવ્યો તે એ જ સમજાવે છે કે પરસ્ત્રીસંગ કેવું ખતરનાક પાપ છે. યાદ આવે અહીં કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે 'યોગશાસ્ત્ર' ગ્રન્થમાં ગૃહસ્થ શ્રાવકના ચતુર્થ વ્રતસંબંધી કરેલ પ્રરૃપણાઓમાંનો એક શ્લોક. એમાં તેઓ લખે છે કે :

પ્રાણસન્દેહજનનં, પરમં વૈરકારણમ્ ;

લોકદ્વયવિરુધ્ધં ચ, પરસ્ત્રીગમનં ત્યજેત્.

ભાવાર્થ કે પરસ્ત્રીગમન (૧) પ્રાણ પર જીવન પર જોખમ લાવી દેનાર છે. (૨) ભયંકર વૈરનું કારણ છે અને (૩) આ લોકમાં અપકીર્તિ આદિ તથા પરલોકમાં દુર્ગતિ આદિ આપતું હોવાથી આ લોક-પરલોક માટે વિરુધ્ધ છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. રાજા અજ્યપાલની ઉપરોક્ત ઘટનામાં અને મહાબલવાન રાજા રાવણના નાશમાં આ શ્લોકની રજૂઆતો એકદમ સ્પષ્ટ ચરિતાર્થ થાય છે.

જીવનોન્નતિનાં ત્રીજા સોપાનરૃપ આ 'પરદારાત્યાગ'ને આત્મસાત્ કરવા આપણે બે ઉપાય અપનાવીએ ઃ (૧) દૃષ્ટિ પરિવર્તન. આપણી સંસ્કૃતિ કહે છે કે 'પરસ્ત્રી માત સમાન.' દરેક સ્ત્રીમાં માતા-બહેન- દીકરીનું દર્શન કરવું. જ્યાં આ રીતની દૃષ્ટિ કેળવાઈ જશે ત્યાં વિચારમાં પરિવર્તન પણ આવી જશે. (૨) અપાયદર્શન. અપાયનો અર્થ છે નુકસાનો. બદનામી- જીવ પર જોખમ- જેલ-વૈરનો અનુબંધ- દુર્ગતિ વગેરે પૂર્વોક્ત નુકસાનોનો સતત વિચાર કરવાથી પણ આ ત્રીજું સોપાન આત્મસાત્ થઈ શકે છે.

૪) પરનિંદાત્યાગ: એક હૃદયસ્પર્શી સુવાક્ય કહે છે કે ' આ જગતમાં એવી વ્યકિત હજુ મળી શક્શે કે જેણે કોઈની નિંદા ન કરી હોય. પરંતુ એવી વ્યકિત એક પણ નહિ મળે કે જેની કોઈએ નિંદા ન કરી હોય !' સમજાય છે આ ચોટદાર સુવાક્યનો અંગુલિનિર્દેશ ? એ એમ કહે છે કે નિંદાનો રસ આ સંસારમાં એટલો વ્યાપક સ્તરે છે કે અહીં ભગવાન બનવાની કક્ષાએ પહોંચેલ વ્યકિતઓ પણ લોકોની નિંદામાંથી બચી શક્તી નથી.

કોઈ પણ વિભૂતિને આ જગત નિંદામાંથી બાકાત રાખતું નથી. ભલે ને કેટલીક વ્યકિતઓ એમ કહેતી હોય કે ' આપણે તો કોઈની નિંદામાં પડતા નથી. શા માટે ફોગટ કર્મ બાંધવા ?' આવું કહેનાર વ્યકતિઓની દિનચર્યા જો સૂક્ષ્મતાથી તપાસાય તો ત્યાં ય એક યા અન્ય સ્વરૃપે નિંદા આસન જમાવી બેસી હોવાનું દેખાયા વિના નહિ રહે.

જૈન શાસ્ત્રો આ પરનિંદાને ભયાનક પાપ ગણે છે. એથી જ જૈન દર્શન પ્રરૃપતિ અઢાર પ્રકારનાં પાપસ્થાનોમાં એક સ્થાન 'પરપરિવાદ'ને અપાયું છે. પરપરિવાદ એટલે પરનિંદા. આ પાપનાં ઘણાં નુકસાનો પૈકી એક નુકસાન છે ગુણોનો સફાયો. જે વ્યકિતને અન્યોના દોષો જોવાની- દોષો ગાવાની- દોષો સાંભળવાની કુટેવ- ગલત આદત પડી જાય એ વ્યકિતનો ગુણો સાથેનો નાતો તૂટતો જાય અને દોષો સાથેનો નાતો પ્રગાઢ થતો જાય.

બહુ સ્પષ્ટ વાત છે કે જો આપણે લસણને હાથમાં રમાડયા કરીએ તો હાથ દુર્ગંધી જ થાય અને કપૂરને હાથમાં રમાડયા કરીએ તો હાથ સુગંધી જ થાય. એમ દોષોને મનમાં- વચનમાં જીવનમાં રમાડયા કરીએ તો જીવન દોષમય જ બને અને ગુણોને મનમાં- વચનમાં જીવનમાં રમાડયા કરીએ તો જીવન ગુણમય જ બને.

જીવનને જો નિંદામુક્ત કરવું હોય તો કોઈની નિંદા ન કરવા માત્રથી કાર્ય પૂર્ણ નહિ થાય. એ માટે ચાર સ્તરની સજ્જતા અપેક્ષિત છે. એક કોઈના દોષો જાણીબુઝીને જોવા નહિ અને અનાયાસે જોવાઈ જાય તો એને નજરઅંદાજ કરવા. બે કોઈના દોષ આપણે કદી ન બોલવા. ત્રણ, કોઈ વ્યક્તિ અન્યોની નિંદા કરતી હોય ત્યારે એ નિંદા રસપૂર્વક સાંભળી નિંદક વ્યકિતને પ્રોત્સાહન ન આપવું. અને ચાર, અન્યના દોષ પચાવી જાણવાની ગંભીરતા દાખવવી. આ ચારેય સ્તર પર વિસ્તૃત વિશ્લેષણ- દૃષ્ટાંતો વગેરે આલેખી શકાય. કિંતુ આપણે લેખસમાપ્તિ તરફ જઈ રહ્યા હોવાથી માત્ર, નિંદા રસપૂર્વક ન સાંભળવા અંગે એક સત્ય ઘટના નિહાળીએ:

અમારી યશસ્વી ગુરુપરંપરાના પૂર્વજ તપાગચ્છાધિરાજ પૂ.ગણિવર્ય મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજ. એકવાર એ બહિર્ભૂમિથી ઉપાશ્રયે આવ્યા ત્યારે જૈન શ્રમણાચાર અનુસાર ઓછામાં ઓછા પાણીથી એમણે પ્રગપ્રક્ષાલન કર્યું. એક નિંદાખોર વ્યકિત આ દૃશ્ય જોઈને બોલી: ' મહારાજ ! તમે બહુ સરસ આચારપાલન કરો છો. બાકી થોડા સમય પૂર્વે એક પ્રસિદ્ધ શ્રમણ આવ્યા હતા એમણે તો આ રીતે પગપ્રક્ષાલનમાં પૂરા એક લોટા જેટલા પાણીનો બગાડ કર્યો હતો.' વિચક્ષણ મૂલચંદજી મહારાજ સમજી ગયા કે આણે મારી પ્રશંસાની આડશમાં ખરેખર તો અન્ય મહાત્માની નિંદા જ કરી છે.

એમણે પેલી નિંદાખોર વ્યકિત ખો ભૂલી જાય તેવો કાલ્પનિક છતાં માર્મિક ઉત્તર આપ્યો: ' એ મહાત્મા ગત ભવમાં બ્રાહ્મણ હશે. માટે ત્યારના સંસ્કારવશ એમણે પાણી વધુ વાપર્યું હશે. હું ગત જન્મમાં મુસ્લિમ હોઈશ. માટે પાણી મેં અલ્પ વાપર્યું છે. અને  તું ગત જન્મમાં ગામનું મેલું ઉઠાવતો હોઈશ. માટે આ જન્મમાં ય એવું હલકું (નિંદાનું) કાર્ય તું કરે છે.' પેલી વ્યકિત કાપો તો લોહી ન નીકળે એવી સજ્જડ થઈ ગઈ.

છેલ્લે પરનિંદા સંદર્ભમાં એક વાત : અન્યોની પંચાત કરવા કરતાં તમે તમારી જાતને સુધારો. તો કમ સે કમ દુનિયામાંથી એક બદમાશ તો ચોક્કસ ઓછો થશે.

Tags :