અનિલ કપૂર: અસુરક્ષિતતાની ભાવના જ મને કામઢો રાખે છે

- અનિલ કપૂર માટે ચુસ્ત અને ઉત્સાહથી થનગનતા રહેવું કોઈ વૈભવ નથી, પણ એક કલાકાર તરીકે, એક પિતા, મિત્ર અને એક માનવી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાની અને પોતાની જાતને બહેતર બનાવતા જવાની બાબત છે.
ચાર દાયકા કરતા પણ વધુ સમયથી અનિલ કપૂર હિન્દી સિનેમાનો સૌથી સ્થાયી અને ઊર્જાયુક્ત સ્ટાર રહ્યો છે. છતાં, તેના માટે, આ નિર્વિવાદ ગતિશીલતાનું પ્રેરકબળ માત્ર ધગશ નથી, પણ અસુરક્ષિતતાની ભાવના છે. કાયમ સુસંગત રહેવાની, ઉપયોગી રહેવાની તેમજ સતત સુધારા કરતા રહેવાની ઈચ્છા અનિશ્ચતતા માટે જાણીતા મનોરંજન ઉદ્યોગમાં તેની સફરને ઈંધણ પૂરુ પાડે છે.
પરફોર્મન્સ સાથે કપૂરનો નાતો વહેલેથી શરૂ થયો. તે યાદ કરે છે કે તે સાતમા ધોરણમાં હતો ત્યારે તેણે પ્રથમ ઓડિશન આપ્યું હતું. તેણે ઓડિશન પાસ પણ કરી લીધું અને પ્રોજેક્ટ પર કામ પણ શરૂ થયું, પણ આખરે ફિલ્મ ડબ્બામાં જતી રહી. જો કે આવા પ્રારંભિક કડવા અનુભવે તેને હતાશ ન કર્યો. તેના સ્થાને, કોઈપણ શક્ય ક્ષમતામાં સિને જગતનો હિસ્સો બનવાની તેની ભૂખ વધુ પ્રબળ બની. પ્રસિદ્ધિએ અનિલ કપૂરને શોધ્યો તેના પહેલા તેણે ફિલ્મી સેટોમાં સ્પોટ બોય અને નાના ગણાતા કામો કર્યા. તેના માટે કલા અને કસબ શીખવતા કોઈપણ કામ નાના ન ગણી શકાય. પછી તે કલાકારોને એકત્ર કરવાના હોય, દૈનિક કાર્યો સંભાળવાના હોય અથવા માત્ર વાતચીત પર ધ્યાન આપવાનું હોય, અનિલ માટે તમામ અનુભવ એક કલાકાર તરીકે તેના ઘડતરમાં ફાળો આપી રહ્યા હતા. તેની વિચારધારા સાદી અને સરળ હતી, સમય વેડફવો ન જોઈએ.
જે અતૂટ ઊર્જા દર્શકો અનિલ કપૂરમાં નિહાળે છે, તે તેના મતે, ઊંડે સુધી ધરબાયેલી અસુરક્ષિતતાની ભાવનામાંથી પ્રગટી છે. તેને સતત અહેસાસ થાય છે કે તેની આસપાસ તેના કરતા વધુ બહેતર અને વધુ પ્રતિભાશાળી કલાકારો મોજૂદ છે. આ સજાગતા તેને ખંતથી કામ કરતો રાખે છે. તે કૃત્રિમ રીતે ઊર્જા પ્રગટ કરવા કામ નથી કરતો પણ દરેક વખતે પોતાનો શ્રેષ્ઠ પરફોર્મન્સ અપાય તેની ખાતરી રાખે છે, પછી તે કોઈ ફિલ્મી સેટ હોય કે પછી કોઈ મુલાકાત હોય. અનિલ કપૂર માટે ચુસ્ત અને ઉત્સાહયુક્ત રહેવું કોઈ વૈભવ નથી, પણ એક કલાકાર તરીકે, એક પિતા, મિત્ર અને એક માનવી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાની અને સ્વ-સુધારણા કરતા રહેવાની બાબત છે.
તેની આગામી ફિલ્મ 'સુબેદાર'માં સહયોગ પ્રત્યે તેના આ જ સાહજિક અભિગમનો પડઘો પડે છે. અનિલ કપૂરની પહેલા દિગ્દર્શક સુરેશ ત્રિવેણી સાથે એક જાહેરખબરના શૂટ દરમ્યાન મુલાકાત થઈ હતી અને તેને તાત્કાલિક રચનાત્મક સહયોગની સ્ફૂર્ણા થઈ. જો કે ત્રિવેણીએ અનિલ કપૂરની પુત્રી રિયા દ્વારા ઓફર કરાયેલા પ્રોજેક્ટ નકાર્યા હતા, પણ પછી તેણે 'સુબેદાર' માટે અનિલ કપૂરનો સંપર્ક કર્યો. અનિલ કપૂરે વાર્તા સાંભળ્યા વિના જ માત્ર ત્રિવેણીની પ્રતિભા અને સ્ફૂર્ણાથી દોરવાઈને ઓફર સ્વીકારી લીધી. અનિલ કપૂરની દ્રઢ માન્યતા છે કે સિનેમા આખરે લોકો અને પ્રક્રિયા પર નિર્ભર રહે છે. ક્યારેક એક મજબૂત પટકથા પણ અમલીકરણમાં ભૂલને કારણે નિષ્ફળ જાય છે. એના ઉદાહરણ તરીકે અનિલ 'બેનામ બાદશાહ'ને યાદ કરે છે, જે ઉત્તમ પટકથા હોવા છતાં પિટાઈ ગઈ હતી. અનિલ જો કે અન્યોને દોષ દેવાના સ્થાને પોતાની અપરિપકવતાને જ તેનું કારણ માને છે.
પોતાની લાંબી કારકિર્દી છતાં અનિલ કપૂર ભાગ્યે જ ક્યારેક પોતાની જૂની ફિલ્મો જુએ છે. તેને આવી યાદગીરીમાં કોઈ મૂલ્ય નથી દેખાતું. અનિલનો અનુભવ કહે છે કે કોઈ દિગ્દર્શકની તાજેતરની ફિલ્મો નિષ્ફળ ગઈ હોય તો પણ તે તેની સાથે સહયોગ કરી શકે, શરત એ છે કે તેને તેમાં નિષ્ઠા અને ક્ષમતા નજરે પડે. અનિલ માટે રચનાત્મક સફરનું મૂલ્ય તેના પરિણામ જેટલું જ મહત્વનું છે.
મૌલિકતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા તેને વારંવાર ટેક લેવા મજબૂર કરે છે, પછી ભલે દિગ્દર્શકને સંતોષ થયો હોય. અનિલ ભાવનાત્મક દ્રશ્યો માટે ગ્લીસરીન અથવા એવા કોઈ શોર્ટકટ કાયમ નકારે છે. તેના માટે લાગણી કૃત્રિમ લાગે તો તે અસ્વીકાર્ય છે. અનિલ માને છે કે ખરો પરફોર્મન્સ અંદરથી આવવો જોઈએ, જેમાં કલાકારે વાસ્તવિકતા લાવવા સંશોધન, સંગીત અને ગળાડૂબ પ્રયાસોનો સહારો લેવો પડે છે.
અનિલ કપૂરની કાર્ય શૈલી તેના પિતા સુરિન્દર કપૂરથી પ્રભાવિત થઈ છે, જેમણે મુઘલ-એ-આઝમમાં સહાયક તરીકે કામ શરૂ કર્યું અને આખરે એક અગ્રણી પ્રોડયુસર બની ગયા. પ્રોડક્શન સંભાળવા અને સફળતા માટે કલાકારો પર મદાર રાખતા પિતાને જોઈને અનિલ પર એક ઊંડી છાપ પડી. તેણે અન્યો પર મદાર ન રાખવો પડે તેવા આશયથી પોતે જ કલાકાર બનવાનું નક્કી કર્યું. આ ભાવનાત્મક મક્કમતા તેના માટે એક શક્તિશાળી પ્રેરક બળ બની ગઈ.
કટાક્ષ એ વાતનો છે કે અનિલ કપૂરને ક્યારેય પોતાના સ્ટારડમનો અહેસાસ નથી થયો. તેણે બસ કામ કરવામાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના શિક્ષકે શીખવેલો બોધ કાયમ તેને યાદ રહી ગયો, 'પ્રસિદ્ધિ બતકની પીઠ પરના પાણી જેવી હોવી જોઈએ, અન્યોને તો તેને જોઈ શકે પણ તમારી સાથે વળગી ન રહેવી જોઈએ.' વિનમ્રતા અનિલની કેન્દ્રિય ઓળખ બની રહી છે, જે શાળાના સમયથી તેની સંગાથી રહેલી પત્નીની મક્કમ હાજરીએ વધુ બળવત્તર બનાવી છે. પોતાની સફળતા છતાં, પત્ની તેના સેલિબ્રિટી દરજ્જાથી અંતર જ રાખે છે. જો કે અનિલની તેની સૌથી મનપસંદ ફિલ્મ 'લમ્હે' (૧૯૯૧) છે, અને પોતાના કાર્ય પ્રત્યે તેના પ્રતિસાદો હજી પણ અનિલ માટે મૂલ્યવાન છે.
અનેક ફિલ્મોએ અનિલ કપૂરની એક કલાકાર તરીકેની કારકિર્દીને આકાર આપ્યો છે. ૧૯૮૫માં સુભાષ ઘાઈ દિગ્દર્શિત 'મેરી જંગે' તેને મુખ્ય પ્રવાહના સિનેમાની માગણીઓ શીખવી. પ્રારંભમાં પોતાના સૌમ્ય પરફોર્મન્સ માટે જાણીતા અનિલ કપૂરે પોતાને વધુ ઉગ્રપણે વ્યક્ત કરવાનું તેમજ નાટકીયતા સ્વીકારવાનું શીખી લીધું. અત્યંત ઓછી તૈયારી સાથે લાંબા કોર્ટરૂમ મોનોલોગ આપવાના અનુભવે તેનામાં શિષ્તની ભાવના રોપી.
શેખર કપૂર દિગ્દર્શિત અને જાવેદ અખ્તર લિખિત 'મી. ઈન્ડિયા'એ સૌમ્ય મર્દાનગી રજૂ કરી અને એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ બની ગઈ. અનિલ કપૂર અને શેખર કપૂરે જ્યારે ફિલ્મના પ્રથમ કટ જોયા ત્યારે જ તેમને આ જાદૂનો અહેસાસ થયો અને સમજી ગયા કે તેમની રચના સુપર હિટ સાબિત થવાની છે. પાછળથી ઉમેરાયેલા આઈકોનિક બોમ્બના દ્રશ્યએ ફિલ્મમાં ભાવના ઉમેરી અને અભૂતપૂર્વ બોક્સ ઓફિસ સફળતાએ તેને કલ્ટ ફિલ્મનો દરજ્જો અપાવ્યો.
કે. વિશ્વનાથના દિગ્દર્શન હેઠળ ૧૯૮૯માં આવેલી 'ઈશ્વર'માં અનિલ કપૂરે તેનો સૌથી સંવેદનશીલ પરફોર્મન્સ આપ્યો. ડસ્ટિન હોફમેન, ચાર્લી ચેપ્લિન અને રાજ કપૂર જેવા કલાકારોથી પ્રેરિત તેણે સઘન તૈયારી કરી અને નિર્દોષતા દર્શાવવા વિકલાંગ બાળકોના નિરીક્ષણ તેમજ આહારમાં ફેરફાર પણ કર્યા. છતાં અનિલ ફિલ્મની સફળતા માટે સંપૂર્ણ શ્રેય વિશ્વનાથને જ આપે છે. તેના મતે કલાકાર તો દિગ્દર્શક દ્વારા ઘડેલા માટીના પૂતળા માત્ર છે.
જે સમયમાં કલાકારો એકસાથે અનેક પ્રોજેક્ટ કરતા, અનિલ કપૂરે શહેરો અને સેટો વચ્ચે ફરતા રહેવું પડતું અને સાતત્ય જાળવી રાખવા અનુશાસન પર મદાર રાખવો પડતો. આવા સમયપત્રકમાં તીવ્ર એકાગ્રતાની જરૂર પડતી.
સિદ્ધિઓ અને પડકારોથી યુક્ત અનિલ કપૂરની સફરમાં વિનમ્રતા, અવિરત ગતિશીલતા અને કલાત્મક ઉત્સુક્તાનું દુર્લભ મિશ્રણ નજરે પડે છે. આજે ચાલીસ વર્ષ પછી પણ તેનામાં એવી જ ભૂખ નજરે પડે છે જેણે તેને એક યુવા ઈચ્છુક તરીકે ફિલ્મોના સેટ પર દોડતો કર્યો હતો. અનિલ કપૂર માટે અસુરક્ષિતતાની ભાવના કોઈ નબળાઈ નથી, પણ પોતાને વિકસતો રાખતું, સક્રિય રાખતું અને સદાય બદલાતા રહેતા સિનેમેટીક લેન્ડસ્કેપમાં સુસંગત રાખતું પ્રેરક બળ છે.









