Magazines

અનીત પડ્ડાની ડૂબતી નૈયા 'સૈયારા'એ તારી

By GS TEAM
30 Oct 20252 mins read
અનીત પડ્ડાની ડૂબતી નૈયા 'સૈયારા'એ તારી

- 'કોરોના મહામારી દરમિયાન  હું પાગલની જેમ કામ શોધી રહી હતી. આ સમય દરમિયાન મેં નિર્માતાઓને 50 થી 70 જેટલા વિનંતી કરતાં ઈમેલ કર્યા હતા. એક તબક્કે  તો મેં અભિનેત્રી બનવાનું સપનું ત્યજી દીધું હતું...' 

ફિલ્મ  સર્જક મોહિત સૂરીના સિનેમા 'સૈયારા'એ  અભિનેત્રી  અનીત પડ્ડાને રાતોરાત અપ્રતિમ ખ્યાતિ અપાવી દીધી.  પરંતુ બહુ ઓછા લોકો જાણેછે કે આ રોલ  તેને વર્ષોના  સંઘર્ષ પછી મળ્યો હતો.  આ  ફિલ્મે તેની ડૂબતી નૈયા તારી છે. અદાકારા સ્વયં તેના વિશે કહે છે કે તે માત્ર ૧૭ વર્ષની હતી ત્યારથી  મેં એક્ટિંગ ઓડિશન  માટે ઓનલાઈન  સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આ પ્રક્રિયા   દરમિયાન હું ખોટી વેબસાઈટ પર જઈ ચડી.  એ લોકો છેતરપિંડી કરનારા  હતા. મને પછીથી  એ વાત સમજાઈ.

અનિતે  વધુમાં કહ્યું હતું કે હિન્દી ફિલ્મોદ્યોગના લગભગ બધા જ નિર્માણગૃહો પાસે મારા સ્નેપચેટ, ફિલ્ટર કરેલા ફોટા અને બહુ જ નબળા કહી શકાય એવા  બાયોડેટા  તેમ જ ઓડિશન  ટેપ હતી.  કોરોના મહામારી દરમિયાન  હું પાગલની જેમ કામ શોધી રહી હતી. આ સમય દરમિયાન મેં નિર્માતાઓને ૫૦થી  ૭૦ જેટલા  વિનંતી કરતાં ઈમેલ કર્યાં હતાં. મને ન તો મારા પરિવારનો  સહયોગ મળી રહ્યો હતો કે ન મિત્રોનો. હું મારા અભ્યાસ સાથે મારા  એક્ટિંગ પ્રોજેક્ટ્સ કરી રહી હતી. હું લાંબા સમય સુધી મારી જાતને જ પૂછતી રહી હતી  કે હું મૂર્ખની જેમ અભિનયની  પાછળ શા માટે પડી છું? મને ખબર જ નથી કે મને કામ મળશે કે નહીં, હું આગળ  વધી શકીશ કે કેમ. એક તબક્કે  મેં અભિનેત્રી બનવાનું શમણું ત્યજી દીધું હતું. જોકે મારા હાથમાં  કેટલાંક પ્રોજેક્ટ હતા, પંરતુ મને એ વાતની  ખાતરી નહોતી કે હું માત્ર અભિનય ક્ષેત્રે કામ કરીને કમાણી કરી શકીશ. હું સ્નાતક થઈ ત્યાર પછી એક સ્કૂલમાં ટીચર બનવાનું વિચારી કરી રહી હતી. ખેર, અનીતના નસીબમાં 'સૈયારા' લખાયેલી હતી અને 'સૈયારા'ના નસીબમાં જબરદસ્ત સફળતા! હવે જોવાનું  એ છે કે અનીતની કરીઅર હવે કઈ દિશામાં અને કેટલી ગતિથી આગળ વધે છે...