Magazines

અનંત જોશી: '12મી ફેલ' બન્યો યોગી આદિત્યનાથ

By GS TEAM
30 Oct 20252 mins read
અનંત જોશી: '12મી ફેલ' બન્યો યોગી આદિત્યનાથ

વર્ષ ૨૦૨૩માં આવેલી ફિલ્મ 'ટ્વેલ્થ ફેલ'ને પગલે અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેતા અનંત વી. જોશી થોડા સમય પહેલાં રજૂ થયેલી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જીવની 'અજેય-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'માં દેખાયો. 

અભિનેતાને આ ફિલ્મ માટે બે સૌથી મોટા પડકાર ઝીલવાના આવ્યાં હતાં: એક તો, તેને પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, અને બીજું, તેને યોગી આદિત્યનાથને પડદા પર વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવાના હતાં. અલબત્ત, અનંતે આ બંને પડકારોનો બખૂબી સામનો કર્યો. 

અનંત કહે છે કે તમે તમારા કામને ધ્યાનમાં લઈને ગમે તેટલું સારું પરફોર્મ કેમ ન કરો, જ્યાં સુધી દર્શકો પોઝિટિવ રિસ્પોન્સ ન આપે ત્યાં સુધી તમે સફળ ન ગણાઓ. ખાસ કરીને સોશ્યલ મીડિયાના સમયમાં. મને દર્શકોએ જે રીતે વધાવી લીધો છે તે જોતાં મારી ખુશીનો પાર નથી રહ્યો. વાસ્તવમાં મને સતત એમ લાગ્યા કરતું હતું કે હું યોગી આદિત્યનાથને જડબેસલાક રીતે રજૂ કરી શકીશ કે કેમ. સામાન્ય રીતે દરેક રાજનેતાનો પોતાનો ચાહક વર્ગ હોય છે. અને તેમની ભૂમિકા ભજવતી વખતે જો કોઈ ક્ષતિ રહી જાય તો તેઓ તે સાંખી ન લે.

અનંતનું કામ જોયા પછી કોઈએ તેના અભિનયમાં ક્યાંય કચાશ નહોતી જોઈ તેથી અભિનેતા નચિંત બની ગયો હતો. આમ છતાં આ ફિલ્મે તેને એક આઘાત ચોક્કસ આપ્યો. વાત જાણે એમ બની કે અનંતે અનેકાનેક લોકોને આ ફિલ્મનું પાયરેટેડ વર્ઝન જોતાં જોયા અને તેમના વિશે સાંભળ્યું પણ ખરૃં. તે કહે છે કે કોઈપણ ફિલ્મ રજૂ થાય ત્યારે તેના સર્જકને ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આમાંનો સૌથી અઘરો પડકાર હોય છે પાયરસીનો. મેં અનેક લોકોને તેમના લેપટોપ પર આ ફિલ્મ જોઈને મારી પ્રશંસા કરતાં સાંભળ્યા હતા. આંચકાજનક વાત એ છે કે તેઓ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા ફિલ્મના સ્ક્રીનશોટ્સ મને મોકલતાં હતાં. અને આ ફિલ્મનો ભાગ હોવાના નાતે મને એમ થતું હતું કે લોકો મારા કામની પ્રશંસા કરે છે તે મારા માટે ખુશીની વાત છે, પરંતુ ફિલ્મના નિર્માતાને પોતાના રોકેલા નાણાંનું વળતર મેળવવાનો હક ખરો કે નહીં? હા, ફિલ્મ બનાવવાનો હેતુ ફક્ત નાણાં કમાવવાનો ન હોવો જોઈએ. પરંતુ પોતાના સર્જનમાંથી કમાણી કરવાનો હક તો સર્જકને મળવો જોઈએને? ખેર, હું તેમાં કાંઈ કરી શકું તેમ નહોતો. મારું કામ જે તે કહાણીને સારામાં સારી રીતે રજૂ કરવાનું હતું અને તે મેં કરી  દેખાડયું એ દર્શકોના પ્રતિસાદે પુરવાર કર્યું.'

વાત તો સાચી.