Magazines

સોના-ચાંદીમાં ભાવમાં પીછેહટ વચ્ચે હવે લગ્નસરાની માગ પર બજારની નજર

By GS TEAM
26 Apr 20263 mins read
સોના-ચાંદીમાં ભાવમાં પીછેહટ વચ્ચે હવે લગ્નસરાની માગ પર બજારની નજર

- ઊભી બજારે-દિલીપ શાહ

- ગોલ્ડ ઈટીએફ એયુએમ વાર્ષિક ધોરણે રૂ.57101 કરોડ વધી

દેશમાં ઝવેરીબજારમાં તાજેતરમાં વિતેલા સપ્તાહમાં  સોના- ચાંદીના ભાવમાં ઝડપી પીછેહટ જોવા મળી હતી. વિશ્વબજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં કિંમત ધાતુઓના ભાવ ઘટતાં તેના પગલે ઘરઆંગણે સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે અને તેના પગલે દેશના ઝવેરીબજારોમાં ભાવ તાજેતરમાં દબાણ હેઠળ જોવા મળ્યા હતા. ઘરઆંગણે અખાત્રીજના તહેવારો ઝવેરીબજારો માટે પ્રોત્સાહક નિવડયા પછી હવે લગ્નસરાની માગ પર બજારની નજર ઠરી છે.  દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકા તથા ઈરાન વચ્ચે યુધ્ધમાં શાંતિના બદલે ફરી ઘર્ષણ વધવાની શક્યતા વધતાં વિશ્વબજારમાં ડોલરમાં સેફ હેવન બાઈંગ ફરી શરૂ થઈ હતી તથા તેના પગલે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધતું જોવા મળ્યું હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૮૩૦થી ૪૮૩૧ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૮૪થી ૪૬૮૫  ડોલર થઈ ૪૭૨૪થી ૪૭૨૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારોમાં સોનાના ભાવ રૂ.દોઢથી બે હજાર ઘટી ૧૦ ગ્રામના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ આસપાસ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૪થી ૧૫ હજાર ગબડી નીચામાં ભાવ રૂ.૨૪૦૦૦૦ સુધી ઉતયા પછી ભાવ રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔશના ૮૦.૯૦ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૭૩.૯૫  ડોલર થઈ ૭૫.૭૭  ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ફરી તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળી રૂ.૯૪ની સપાટી કુદાવી જતાં દેશના ઝવેરીબજારોમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જો રૂપિયામાં પીછેહટના થઈ હોત તો ઝવેરીબજારોમાં ભાવ ઘટાડો વધુ થયો હોત એવુ ંસૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ બજારમાં સોનાના ભાવ રૂ.૧૫૦૦થી ૨૦૦૦ જેટલા નીચા આવ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૪થી ૧૫ હજાર ગબડયા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૦૦ આસપાસ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ ઘટી કિલોના નીચામાં રૂ.૨૪૦૦૦૦ આસપાસ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૧૪થી ૨૧૧૫ ડોલરવાળા નીચામાં  ૧૯૭૨ ડોલર સુધી ઉતરી ૨૦૨૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૬૪થી ૧૫૬૫ વાળા નીચામાં ભાવ ૧૪૫૭ ડોલર થઈ ૧૫૦૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ વધ્યા પછી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. દરમિયાન, યુધ્ધમાં શાંતિના બદલે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતા જોવા  મળ્યા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલના ૧૦૬થી ૧૦૭ ડોલર સુધી ઉછળ્યા પછી ભાવ ૧૦૩થી ૧૦૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ બેરલના ૯૪થી ૯૫ ડોલર બોલાઈ રહ્યા હતા.

ચીનના ઓઈલ રિફાઈનર્સ દ્વારા આ પૂર્વે જે ક્રૂડ આયાત કરવામાં આવ્યું હતું તે ક્રૂડ હવે ચીનના આ રિફાઈનર્સ દ્વારા વેંચવાનું શરૂ કરાતાં વિશ્વબજારમાં ક્રૂડને ભાવ વધ્યા પછી ઉંચા મથાળેથી ઘટતા પણ જોવા મળ્યા હતા. દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ ૬૦૦૦ વધી ૨ લાખ ૧૪ હજાર આવતાં ત્યાં જોબમાર્કેટ ફરી ઠંડી પડી રહ્યાના સંકેતો મળ્યા હતા. ત્યાં હવે આ સપ્તાહમાં ૨૮ તથા ૨૯ એપ્રિલે મળનારી ફેડરલ રિઝર્વની મિટંગ પર બજારની નજર રહી છે. આ મિટિંગમાં હવે અમેરિકામાં વ્યાજના દર વિશે કેવા સંકેતો આપવામાં આવે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, ભારતમાં ગોલ્ડ એટીએફમાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ૨૦૨૪- ૨૫માં રૂ.૫૭૧૦૧ કરોડ નોંધાઈ હતી તે ૨૦૨૫- ૨૬માં વધી રૂ.૧૭૮૦૦૦ કરોડ સુધી પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, સરકારે તાજેતરમાં વિવિધ બેન્કોને સોનાની ઈમ્પોર્ટ કરવાની છૂટ રિન્યુ કરી છે તથા આવી છૂટ ત્રણ વર્ષ માટે રિન્યુ કરાયાના વાવડ મળ્યા હતા.