અમેરિકાની રમતિયાળ ખિસકોલી: રેડ સ્કીવરલ
ઉત્તર અમેરિકામાં પેસિફિક દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતી લાલ ખિસકોલી તેનાં રમતિયાળ અને બહુ બોલ બોલ કરવાના સ્વભાવને કારણે લોકપ્રિય બની છે. આ ખિસકોલી માણસથી ડરતી નથી અને માણસ સાથે મિત્રતા પણ કેળવે છે. સામાન્ય ખિસકોલી કરતાં થોડી નાની આ ખિસકોલીને ૧૩થી ૧૫ સેન્ટીમીટર લાંબી ગુચ્છદાર પૂંછડી હોય છે.
તેની પીઠ લાલ રંગની અને છાતી કેસરી રંગની હોય છે. તેના શરીરે સફેદ પટ્ટા હોય છે તેની આંખ ફરતે સફેદ રીંગ હોય છે. આ ખિસકોલી વૃક્ષોના થડમાં આવેલી બખોલમાં રહે છે. જમીનમાં દર બનાવીને ખોરાકનો સંગ્રહ કરે છે. આ ખિસકોલી ફળો ખાય છે પરંતુ ક્યારેક નાના પક્ષીઓનો શિકાર પણ કરે છે. માંસાહાર કરતી હોવાથી તેની છાપ ખરાબ પડેલી છે. આ ખિસકોલી ભયભીત થાય ત્યારે ચીસો પાડવા માંડે છે. અમસ્તી અમસ્તી પણ અવાજ કાઢી ઘોંઘાટ કર્યા કરે છે.