આંબડુ જાંબુડુ કેરીને કોઠીમંડું .

હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર મહિનામાં ઠેર-ઠેર ગોરમાની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલા પાર્થિવ કાંઠા ગોરમાની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે.
ભજન-કીર્તન સાથે ધાર્મિક
માહોલ સર્જાય છે
અધિક માસના પ્રથમ દિવસથી જ મહિલાઓ ગોરમાની સ્થાપના કરી દરરોજ પૂજા, આરતી, કથા તેમજ ભજન-કીર્તન સાથે ધાર્મિક માહોલ સર્જાય છે. મહિલાઓ પ્રાચીન લોકગીતો 'આંબડું જાંબુડું કેરીને કોઠામણું' અને 'ગોર ગોર માડી ઉઘાડો કમાડે રે' ગાઈ શ્રધ્ધાપૂર્વક ગોરમાની આરાધના કરે છે.
મહિલાઓ ગોરમાની ફરતે કુંડાળું બનાવીને કિર્તન ગાય છે
પૂજા પૂર્ણ થયા બાદ મહિલાઓ ગોરમાની ફરતે કુંડાળું બનાવી બેસી એકબીજાની ટચલી આંગળી અડાડીને ગોળાકાર કીર્તન ગાઈને પરંપરાગત રીતરિવાજો નિભાવે છે. માન્યતા મુજબ ગોરમાની પૂજાથી ઘરમા સુખ-શાંતિ, સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. અધિક માસના અંતિમ દિવસે ભજન-કીર્તન સાથે વાજતે ગાજતે ગોરમાને નદીના જળમાં પધરાવી વિસર્જન કરીને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આંબડુ જાંબુડુ કેરીને કોઠીમંડું ગુજરાતીમાં વાંચી લો
આંબડુ જાંબુડુ કેરીને કોઠીમડુ
રાય દામોદર નોતર્યો વાડી રાજા રામની
વચમાં બેઠા ગોરમા ફરતી બેઠી ગોપીઓ
રાજા પુજે મંદિરમાં રાણી પુજે રાજમાં
હું પૂજૂ મારા કાજમાં વાણિયો પુજે હાટમાં
શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી
વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામને ઘેર સીતાજી
કૃષ્ણ અને ઘેર રાધાજી ગોર ને ઘેર ગોરાણી
જાત્રા કરવા નીસર્યો જાતા નાયા જમનાજી
વળતા નાયા ગંગાજી નાહી ધોઇને નીસર્યો
પાપ સર્વે નીસરીયો નાયા ધોયા રેલાણા
પાપ સર્વે ઠેલાણા ડાળીએ બેઠા દામોદર
પાળે બેઠાં પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠા ગોર
ત્રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ
સુદામાની ઝૂંપડી ખાવા આપો. સુખડી
ભવની ભાંગી ભૂખડી સુખડા લ્યો શ્રી રામના
સવારમાં શામળિયા જી બપોરે બળદેવજી
ત્રીજા પહોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી
રાત પડે રણછોડજી અધરાતે ઓધવજી
મધરાતે માધવજી પરોઢિયે પુરુષોત્તમજી
વાણુ વાયે વિઠ્ઠલજી અમૃત પાન પીધા જી
આટલા નામ લીધા જી રાજાને રાજ દયો
અમને સૌભાગ્ય દયો ઓધવ રાય માધવરાયરૂ
કેશવ રાય ત્રિકમ રાય પુરણ પરસોતમ રાય
ગાય રે ગાય તું મારી માઈ
નિત નિત ડુંગરે ચારવા જાય
ચરતી ચરતી પાછી વળી ગંગા પાણી પીવા જાય
પાણી પીને પાછી વળી સામા મળ્યા વાઘને સિંહ
વાઘ કહે હું ગાયને ખાવ સિંહ કહે ખવાય નહીં
ગાયના દૂધ મહાદેવને ચડે
ગાયના ઘી નો દીવો બળે
ગાયના છાણનો ચોકો થાય
સોનાની શિગડી રૂપાની ખરી
ગાયની પૂંછડી હીરે જડી ઓધવ રાય માધવરાયરૂ
કેશવ રાય ત્રિકમરાય પુરણ પરસોતમ રાય
સુખડાં લ્યો શ્રી રામના
પુરુષોત્તમ માસમાં પૂજાની સરળ
વિધિ નીચે મુજબ છે:
માટીની સ્થાપના:
ચોખા કે ઘઉંના પાથરણા પર કાંઠાગોર (ગોરમા)ની માટીની મૂર્તિ અથવા કાંઠા ગોરનું ચિત્ર મૂકીને પૂજા શરૂ કરવામાં આવે છે.
શણગાર:
માતાજીને કંકુ, સિંદૂરનો ચાંદલો કરી, ચુંદડી ઓઢાડીને શણગારવામાં આવે છે.
પૂજન સામગ્રી:
માતાજી સમક્ષ દીવો અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. નૈવેદ્ય (પ્રસાદ) તરીકે ફળ, સાકર કે લાપસી અર્પણ કરાય છે.
વાર્તા શ્રવણ:
પૂજા પૂર્ણ કર્યા બાદ દૈનિક ધોરણે ભક્તિભાવથી કાંઠાગોરમાની વાર્તા સાંભળવી અથવા વાંચવી. વાર્તા સાંભળ્યા પછી જળ અર્પણ કરવામાં આવે છે.
વ્રત અને દાન:
આખો મહિનો નિયમ અનુસાર વ્રત રાખીને દરરોજ સાંજે આરતી કરવામાં આવે છે અને અંતે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદોને દાન અપાય છે.








